Punjab Congress : પંજાબમાં કોંગ્રેસને મોટી સફળતા મળી જ્યારે તેના ઘણા નેતાઓએ ઘર વાપસી ફરવાની જાહેરાત કરી છે. તેના ચાર ભૂતપૂર્વ મંત્રીઓમાંથી ત્રણ ભાજપમાં જોડાયા હતા જ્યારે એક નેતાએ 2022ની વિધાનસભા ચૂંટણી દરમિયાન શિરોમણી અકાલી દળમાં સામેલ થયા હતા. દિલ્હીમાં કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલ સાથે મુલાકાત કરનાર અને પાર્ટીમાં પાછા ફરવાની ઈચ્છા વ્યક્ત કરનાર નેતામાં રાજ કુમાર વેરકા, બલબીર સિંહ સિદ્ધુ, ગુરપ્રીત સિંહ કાંગાડ, હંસ રાજ જોસન, ડૉક્ટર મોહિન્દર સિંહ રિનવા અને જીત મોહિન્દર સિંહનો સમાવેશ થાય છે. વેરકા, બલબીર સિદ્ધુ, કાંગાડ અને જોસન કોંગ્રેસ સરકારોમાં મંત્રી રહી ચૂક્યા છે.
જોકે અકાલી દળે જોસન અને રિનવાને પક્ષ વિરોધી ગતિવિધિઓ માટે હાંકી કાઢ્યા હતા. જ્યારે જીત મોહિન્દર સિંહ સિદ્ધુએ ગુરુવારે અકાલી દળમાંથી રાજીનામું આપી દીધું હતું. એક દિવસ પછી પાર્ટીની શિસ્ત સમિતિએ તેમને કારણ બતાવો નોટિસ પાઠવી હતી.
કોંગ્રેસ તરફથી કહેવામાં આવ્યું છે કે પૂર્વ કેબિનેટ મંત્રી બલબીર સિદ્ધુ, ગુરપ્રીત કાંગાડ, પૂર્વ ધારાસભ્ય રાજ કુમાર વેરકા, મોહિન્દર રિનવા, હંસ રાજ જોશન અને જીત મોહિન્દર સિદ્ધુ સહિત કેટલાક અન્ય નેતાઓએ કોંગ્રેસમાં જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેમને પાર્ટીમાં સામેલ કરવામાં આવશે.
આ પણ વાંચો – બેઠકોની વહેંચણીમાં ઇન્ડિયા ગઠબંધનના પક્ષો સુસ્ત, એક મહિના પછી પણ કોઇ હિલચાલ નથી
જીત મોહિન્દરે પહેલીવાર તલવંડી સાબો સીટ પર અપક્ષ ઉમેદવાર તરીકે જીત મેળવી હતી. બાદમાં તેઓ કોંગ્રેસમાં જોડાયા અને તેની ટિકિટ પર 2007 અને 2012ની ચૂંટણી જીતી હતી. 2014માં કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ તેઓ અકાલી દળમાં જોડાયા હતા. એ જ વર્ષે પાછળથી યોજાયેલી પેટાચૂંટણી જીતી હતી. જોકે 2017 અને 2022ની ચૂંટણીમાં તેમને સતત હારનો સામનો કરવો પડ્યો હતો.
અમૃતસરના ત્રણ વખતના ધારાસભ્ય અને અગ્રણી દલિત નેતા વેરકાએ કહ્યું કે તેઓ ભાજપ છોડી રહ્યા છે. તેમનું માનવું છે કે માત્ર કોંગ્રેસ જ દેશને એક કરી શકે છે. ભાજપે જનતાનો વિશ્વાસ ગુમાવ્યો છે. પંજાબમાં લોકો ભાજપની વિરુદ્ધ છે. ખેડૂતોને તેમના પર વિશ્વાસ નથી. પાર્ટી તેના સબકા સાથ, સબકા વિકાસ અને સબકા વિશ્વાસના નારા પર ખરી ઉતરી શકી નથી.





