Reservation In Bihar : બિહારમાં જાતિ ગણતરીનો રિપોર્ટ જાહેર થયા બાદ અનામતનો દાયરો વધારવાની ચર્ચાએ જોર પકડ્યું છે. બિહાર વિધાનસભાનું શિયાળુ સત્ર 6 નવેમ્બરથી શરૂ થવા જઈ રહ્યું છે. નીતિશ કુમારની આગેવાની હેઠળની મહાગઠબંધન સરકાર જાતિની વસ્તી ગણતરીનો અહેવાલ ગૃહમાં રજૂ કરશે. આ સાથે જ વિધાનસભામાં અનામત વધારવાનો પ્રસ્તાવ પણ રજૂ કરવામાં આવી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે સરકાર OBC અને EBC કેટેગરીની અનામત વધારી શકે છે. ગયા મહિને જારી કરાયેલા જાતિ ગણતરીના અહેવાલ મુજબ, રાજ્યમાં આ બંને વર્ગોની વસ્તી 63 ટકા છે.
બિહાર વિધાનસભાનું આગામી શિયાળુ સત્ર ઘણી રીતે મહત્વપૂર્ણ બની રહ્યું છે. સૌપ્રથમવાર જ્ઞાતિ સર્વેક્ષણનો અહેવાલ ગૃહમાં રજૂ કરવામાં આવશે. આ અંગે શાસક પક્ષ અને વિપક્ષના નેતાઓ પોતાનો અભિપ્રાય આપશે. ઉપરાંત, આ સત્રમાં નીતીશ સરકાર આરક્ષણ મર્યાદા વધારવાનો પ્રસ્તાવ લાવીને લોકસભા ચૂંટણી 2024 પહેલા ભાજપની આગેવાની હેઠળની એનડીએ સામે મોટી દાવ રમી શકે છે.
અનામતનો ક્વોટા 70 ટકા સુધી વધી શકે છે, કાયદાકીય ગૂંચવણો થશે?
મહાગઠબંધન સરકારના રાજકીય વિભાગમાં એવી ચર્ચા ચાલી રહી છે કે જાતિ ગણતરીના રિપોર્ટના આધારે બિહારમાં અનામતની મર્યાદા 50 ટકાથી વધારીને 70 ટકા કરવામાં આવી શકે છે. આગામી સપ્તાહે શરૂ થનારા વિધાનસભાના શિયાળુ સત્રમાં આ અંગે કાર્યવાહી કરવાની તૈયારીઓ ચાલી રહી છે. જોકે હજુ એ સ્પષ્ટ નથી થયું કે નીતીશ સરકાર અનામતનો વ્યાપ વધારવા માટે નવો કાયદો લાવશે કે નહીં. મહાગઠબંધનના તમામ ટોચના નેતાઓ અને મંત્રીઓ હાલમાં આ મામલે મૌન સેવી રહ્યા છે.
નિષ્ણાંતોનું માનવું છે કે અનામત મર્યાદા વધારવાથી કાયદાકીય ગૂંચવણો ઊભી થઈ શકે છે. રિપોર્ટ અનુસાર, સુપ્રીમ કોર્ટના 1992ના આદેશ બાદ ઘણા રાજ્યોએ આરક્ષણનો વ્યાપ વધારવા માટે કાયદો બનાવ્યો છે, જેમાં અનામતની મર્યાદા 50 ટકા સુધી મર્યાદિત હતી, પરંતુ તેઓ હવે કાયદાકીય પડકારોનો સામનો કરી રહ્યા છે.
આ પણ વાંચો – નીતિશ કુમારે કહ્યું – I.N.D.I.A. ગઠબંધનમાં નથી થઇ રહ્યું કામ, કોંગ્રેસ વિધાનસભા ચૂંટણીમાં વ્યસ્ત છે
મહાગઠબંધન પક્ષોએ અનામત ક્વોટા વધારવાની માંગ કરી છે
નીતીશ સરકારે 2 ઓક્ટોબરે જાતિ ગણતરીના આંકડા જાહેર કર્યા હતા. એક દિવસ બાદ મુખ્યમંત્રી નીતિશ કુમારની અધ્યક્ષતામાં સર્વપક્ષીય બેઠક યોજાઈ હતી. જેમાં આરજેડી, જેડીયુ, કોંગ્રેસ અને ત્રણેય ડાબેરી પક્ષો સાથે ઓવૈસીએમસર્વેના આધારે અનામતનો વ્યાપ વધારવાની માંગ કરી હતી.
2024માં ઓબીસી અનામતની દાવથી ઇન્ડિયા ગઠબંધનને થશે ફાયદો
એક પૂર્વ મંત્રી અને આરજેડીના એક વરિષ્ઠ નેતાએ નામ ન આપવાની શરતે કહ્યું કે મહાગઠબંધનના બધા દળો અને સરકારની અંદર ઓબીસી વર્ગને શિક્ષણ અને રોજગારમાં આપવામાં આવતી અનામતનો વ્યાપ વધારવા માટે વિચારણા ચાલી રહી છે. વિધાનસભાના આગામી સત્રમાં આ અંગે ચર્ચા થવાની શકયતા છે. અને આ અંગેનો પ્રસ્તાવ બંને ગૃહોમાંથી પસાર થઈ શકે છે. આ પછી આ પ્રસ્તાવ કેન્દ્ર સરકારને મોકલવામાં આવશે.
મુખ્યમંત્રી નીતિશ કુમાર પહેલાથી જ જાહેરાત કરી ચૂક્યા છે કે જાતિની વસ્તી ગણતરીના ડેટા પર વિધાનસભાના બંને ગૃહોમાં ચર્ચા કરવામાં આવશે. આ પછી તમામ પક્ષોના સૂચનોના આધારે નિર્ણય લેવામાં આવશે. જો અનામત મર્યાદા વધારવાનો પ્રસ્તાવ ગૃહ દ્વારા પસાર કરવામાં આવે છે, તો તે 2024ની લોકસભા ચૂંટણીમાં મહાગઠબંધન માટે ફાયદાકારક રહેશે.
પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી પર પણ અસર પડી શકે છે
ઘણા લોકોનું માનવું છે કે નીતિશ સરકારે બિહાર વિધાનસભાનું શિયાળુ સત્ર એવા સમયે બોલાવ્યું છે જ્યારે પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે. વિપક્ષી એલાયન્સ ઈન્ડિયા જૂથના પક્ષો જાણે છે કે બિહારમાં જાતિ ગણતરીના આધારે પછાત વર્ગોની અનામત વધારવાનો ફાયદો આ રાજ્યોમાં મળી શકે છે. રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં વિપક્ષ જાતિ આધારિત રાજકારણ દ્વારા ભાજપના ચૂંટણી અભિયાનને અસર કરી શકે છે.
બિહારમાં હાલમાં આવી અનામત પ્રથા
હાલમાં બિહારમાં સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં, EBC (એક્સ્ટ્રીમલી બેકવર્ડ ક્લાસ) ને 18 ટકા અનામત, પછાત વર્ગ (OBC) ને 12 ટકા અનામત, SC ને 16 ટકા અને ST ને 1 ટકા આરક્ષણ મળ્યું છે. તેમજ પછાત વર્ગની મહિલાઓને અલગથી 3 ટકા અનામત આપવામાં આવી છે. અનામતની આ કુલ મર્યાદા 50 ટકા છે.
નાણામંત્રીએ કાયદો લાવવાની અટકળોને નકારી કાઢી
સંસદીય કાર્ય અને નાણા મંત્રી વિજય કુમાર ચૌધરીએ કહ્યું કે તેઓ અનામત મર્યાદાને 50 ટકાથી વધુ વધારવા માટે રાજ્ય સરકાર દ્વારા કોઈપણ પગલાથી વાકેફ નથી. તેમણે એ પણ નકારી કાઢ્યું કે સરકાર અનામત ક્વોટા વધારવા માટે વિધાનસભામાં કોઈ દરખાસ્ત લાવશે કે નહીં, તેને માત્ર અટકળો ગણાવી હતી.
વિધાનસભામાં પ્રસ્તાવ આવેશે ત્યારે જોઇશુંઃ ભાજપ
બીજેપીના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ સુશીલ કુમાર મોદીએ કહ્યું કે તેમની પાર્ટી ત્યારે જ આ બાબતે વિચારણા કરશે જ્યારે રાજ્ય સરકાર અનામત મર્યાદા વધારવા અંગે આવો પ્રસ્તાવ લાવશે. કર્ણાટકમાં ભાજપ સરકારે SC/ST માટે અનામત 50 ટકા ક્વોટાની મર્યાદાથી વધાર્યું હતું.
અનામત મુદ્દે ઝારખંડ સરકારને સુપ્રીમ કોર્ટનો ઝટકો લાગ્યો છે
સુપ્રીમ કોર્ટે વર્ષ 1992માં જ સ્પષ્ટ અભિપ્રાય આપ્યો હતો કે અનામતની મર્યાદાને 50 ટકા વટાવવી યોગ્ય નથી. આરક્ષણ મર્યાદા વધારવાના ઝારખંડ સરકારના પ્રસ્તાવને પહેલા જ ફગાવી દેવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કહ્યું છે કે જાતિ પર હંગામો કરવાને બદલે ગરીબી નાબૂદી પર ધ્યાન આપવું જોઈએ. જાતિની ગણતરી એ સમાજમાં ભેદભાવ પેદા કરવાનો પ્રયાસ છે.