બિહાર રાજનીતિ : NDA માં સામેલ થશે જીતનરામ માંઝી? બે દિવસથી છે દિલ્હીમાં, અમિત શાહ સાથે મુલાકાત કરી

Bihar Politics : હિન્દુસ્તાની આવામ મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ મંત્રી સંતોષ સુમન ઉર્ફે સંતોષ માંઝીએ 14 જૂને નીતિશ કુમારની કેબિનેટમાંથી રાજીનામું આપ્યું હતું. આ પછી જીતનરામ માંઝી તેમના પુત્ર સાથે 19 જૂનથી દિલ્હીમાં છે

Written by Ashish Goyal
Updated : June 21, 2023 16:50 IST
બિહાર રાજનીતિ : NDA માં સામેલ થશે જીતનરામ માંઝી? બે દિવસથી છે દિલ્હીમાં, અમિત શાહ સાથે મુલાકાત કરી
બિહારના પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝી (Express file photo)

Bihar Politics : બિહારના પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝી અને તેમના પુત્ર સંતોષ માંઝી હાલ દિલ્હીની મુલાકાતે છે. જીતનરામ માંઝીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી છે. એવી પણ શક્યતા છે કે અમિત શાહને મળ્યા બાદ તેઓ એનડીએમાં જોડાશે. તાજેતરમાં જીતનરામ માંઝીએ બિહાર સરકારને આપેલું સમર્થન પાછું ખેંચી લીધું હતું. જે બાદ તેમના પુત્ર અને પાર્ટી અધ્યક્ષ સંતોષે નીતિશ કુમાર પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો હતો.

માંઝી અને તેમનો પુત્ર સંતોષ 19 જૂનથી દિલ્હીમાં છે

માંઝી અને તેમનો પુત્ર સંતોષ 19 જૂને દિલ્હી ગયા હતા પરંતુ બિહારમાં તેમની ગેરહાજરીમાં પાર્ટીના નેતાઓ તેમને છોડીને જઈ રહ્યા છે. 20 જૂને જીતનરામ માંઝીની પાર્ટી હિન્દુસ્તાની આવામ મોર્ચાના પ્રદેશ અધ્યક્ષ ધ્રુવ લાલ માંઝી સહિત અડધો ડઝન કાર્યકર્તાઓ જેડી(યુ)ના પ્રદેશ કાર્યાલયમાં જેડી(યુ)માં જોડાયા હતા. જે માંઝી માટે મોટો ઝટકો માનવામાં આવે છે.

માંઝીની ગેરહાજરીમાં હમ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષે પાર્ટી છોડી દીધી

નાણાં પ્રધાન વિજય કુમાર ચૌધરીએ હમ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ધ્રુવ લાલ માંઝી સહિત પક્ષના કાર્યકરો શફીર ઉલ હક, રામેશ્વર બૈઠા, વિનય બૈઠા, સંતોષ બૈઠા, અશોક સિંહા સહિત ઘણા કાર્યકર્તાઓને જેડીયુની સદસ્યતા અપાવી હતી. આ પ્રસંગે જેડીયુના કવોટાથી મંત્રી બનેલા રત્નેશ સદા, અલ્પસંખ્યક મંત્રી જમા ખાન, લેશી સિંહ અને જેડીયુના પ્રદેશ અધ્યક્ષ ઉમેશ કુશવાહા હાજર રહ્યા હતા.

આ પણ વાંચો – ચીન, રશિયા અને સુરક્ષા પરિષદ, પીએમ નરેન્દ્ર મોદીએ વોલ સ્ટ્રીટ જર્નલને આપેલા ઇન્ટરવ્યૂમાં આપ્યો દરેક સવાલનો જવાબ

પાર્ટી પર નહીં પડે કોઇ અસર – શ્યામસુંદર શરણ

હિન્દુસ્તાની આવામ મોરચાએ દાવો કર્યો છે કે આ નેતાઓના JDUમાં સામેલ થવાથી પાર્ટી પર કોઈ અસર નહીં થાય. પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા શ્યામસુંદર શરણે કહ્યું કે પ્રદેશ અધ્યક્ષ ધ્રુવ લાલ માંઝી ઘણા સમય પહેલા પાર્ટીથી દૂર જતા રહ્યા હતા. તેમને ઘણી મિટિંગમાં બોલાવવામાં આવ્યા હતા પરંતુ તેઓ આવ્યા ન હતા અને નારાજ ચાલી રહ્યા હતા. શરણે કહ્યું કે આ બધા મહત્વાકાંક્ષી લોકો છે. આ લોકોને લોકસભાની ટિકિટ જોઈએ છે. તેથી જ તેઓ નીતિશ કુમારની પાર્ટીમાં સામેલ થયા છે. બીજું કોઈ ગયું નથી, જે લોકો ગયા છે તે પહેલાથી જ જેડીયુ સાથે હતા.

સંતોષ માંઝીએ 14 જૂને નીતિશની કેબિનેટમાંથી રાજીનામું આપ્યું હતું

હિન્દુસ્તાની આવામ મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ મંત્રી સંતોષ સુમન ઉર્ફે સંતોષ માંઝીએ 14 જૂને નીતિશ કુમારની કેબિનેટમાંથી રાજીનામું આપ્યું હતું. આ પછી જીતનરામ માંઝી તેમના પુત્ર સાથે 19 જૂને દિલ્હી ગયા હતા. દિલ્હી જતા પહેલા જીતનરામ માંઝી અને સંતોષ માંઝીએ બિહારના રાજ્યપાલ વિશ્વનાથ આર્લેકર સાથે મુલાકાત કરી હતી. તે જ દિવસે મોડી સાંજે દિલ્હી જવા રવાના થયા. આ દરમિયાન જીતનરામ માંઝીએ કહ્યું હતું કે અમે દિલ્હીમાં ભાજપના મોટા નેતાઓને મળીશું.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ