Wrestlers Protest: દિલ્હીના જંતર-મંતર પર ચાલી રહેલા ભારતીય પહેલવાનોના પ્રદર્શન વચ્ચે ભારતીય જનતા પાર્ટી માટે હરિયાણામાં મુશ્કેલી ઉભી થઇ રહી છે. ભાજપા સાંસદ અને ભારતીય કુસ્તી મહાસંઘના અધ્યક્ષ બૃજભૂષણ શરણ સિંહ સામે ભારતીય પહેલવાનોએ મોરચો ખોલ્યો છે. હરિયાણામાં ભાજપની સહયોગી રહેલી જનનાયક જનતા પાર્ટીએ માંગણી કરી છે કે સરકાર પહેલવાનોની સુરક્ષાને ધ્યાનમાં રાખે. બીજી તરફ રાજ્યની ખાપ પંચાયતો પહેલા જ પહેલવાનોના સમર્થનમાં ઉતરી આવી છે.
બૃજભૂષણે દીપેન્દ્ર હુડા પર પહેલવાનોને ભડકાવવાનો આરોપ લગાવ્યો
કેસરગંજના સાંસદ અને ઉત્તર પ્રદેશના ગોંડાથી કદાવર નેતા બૃજભૂષણ શરણ સિંહે પહેલવાનોના આરોપોને લઇને રાજીનામું આપવાથી ઇન્કાર કર્યો છે. તેમણે વિપક્ષના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ હુડ્ડાના પુત્ર અને કોંગ્રેસ સાંસદ દીપેન્દ્ર હુડ્ડા પર પહેલવાનોને ભડકાવવાનો આરોપ લગાવ્યો છે. બૃજભૂષણે આ પ્રદર્શનની સરખામણી શાહીન બાગ ધરણા સાથે કરી છે. નવી દિલ્હીમાં જંતર મંતર પર ભાજપા સાંસદ સામે વિરોધ કરનાર મોટાભાગના પહેલવાનો હરિયાણાથી છે. જેમાં ઓલિમ્પિક મેડલ વિજેતા બજરંગ પૂનિયા, રવિ દહિયા, સાક્ષી મલિક અને વર્લ્ડ ચેમ્પિયનશિપ મેડલ વિજેતા વિનેશ ફોગાટ સામેલ છે.
હરિયાણામાં મુશ્કેલીમાં જોવા મળી રહી છે ભાજપા
પહેલવાનોના પ્રદર્શન વચ્ચે કોંગ્રેસ જ નહીં ભાજપની સહયોગી જનનાયક જનતા પાર્ટી (JJP)એ પણ ભાજપા સાંસદ સામે કાર્યવાહી કરવાની માંગણી કરી છે અને યુવોઓને ન્યાય મળવા સુધી પહેલવાનોના સમર્થનમાં આવવાનો આગ્રહ કર્યો છે.
આ પણ વાંચો – ‘શક્તિશાળી’ બૃજભૂષણ શરણ સિંહ દબંગ નેતાની ધરાવે છે છાપ, આવો છે દબદબો
જેપીપી ખેલાડીઓ સાથે ઉભી છે – દિગ્વિજય ચૌટાલા
હરિયાણાના ઉપ મુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલાના ભાઇ દિગ્વિજય ચૌટાલાએ ગુરુવારે કહ્યું કે કુશ્તી મહાસંઘ સામે દિલ્હીના જંતર-મંતર પર ધરણા પર બેસેલા મોટા ભાગના ખેલાડી હરિયાણાથી છે. જેપીપી ખેલાડીઓ સાથે ઉભી છે. ખેલ મંત્રાલય તેના પર વિચાર કરી રહ્યું છે. જ્યાં સુધી કેન્દ્ર સરકાર કે ખેલ મંત્રાલય કોઇ અંતિમ નિર્ણય નહીં લે ત્યાં સુધી મારા માટે કશું પણ કહેવું અપ્રાસંગિક છે.પણ મારું માનવું છે કે કુશ્તીમાં હરિયાણા દેશનું પ્રતિનિધિત્વ કરે છે.
દિગ્વિજય ચૌટાલાએ કહ્યું કે જો આઠ ખેલાડી કુશ્તીમાં દેશનું પ્રતિનિધિત્વ કરે છે તો સાત હરિયાણાના છે. જ્યારે તેમના દ્વારા કોઇ મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે તો કેન્દ્ર સરકારને નિશ્ચિત રુપથી તેની ગંભીરતાથી તપાસ કરવી જોઈએ.