BJP Complaint Against Rahul Gandhi In Election Commission: ભાજપે ચૂંટણી પંચને પત્ર લખીને રાહુલ ગાંધીની ફરિયાદ કરી છે. આ પત્રમાં પાર્ટીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના ટ્વીટનો ઉલ્લેખ કર્યો છે. ભાજપે કમિશનને વિનંતી કરી છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ એ તેમનું એકાઉન્ટ તાત્કાલિક સસ્પેન્ડ કરવું જોઈએ અને અપમાનજનક કન્ટેન્ટને તાત્કાલિક અસરથી દૂર કરવી જોઈએ.
ભાજપે આ પત્રમાં ચૂંટણી પંચને વધુમાં જણાવ્યું છે કે, રાહુલ ગાંધી વિરુદ્ધ ફોજદારી ફરિયાદ દાખલ કરવા અને ફોજદારી કાર્યવાહી શરૂ કરવા માટે રાજસ્થાનના મુખ્ય ચૂંટણી અધિકારીને નિર્દેશ આપવા વિનંતી કરવી જોઇએ. ઉપરાંત, ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી પંચને પત્ર લખીને ફરિયાદ કરી છે કે કોંગ્રેસના સ્ટાર પ્રચારક રાહુલ ગાંધીએ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરીને સોશિયલ મીડિયા હેન્ડલ X (Twitter) નો ઉપયોગ કર્યો છે.
ભાજપે રાહુલ ગાંધીની પોસ્ટનો સ્ક્રીનશોટ શેર કર્યો
ભાજપે પોતાના ફરિયાદ પત્રમાં રાહુલ ગાંધીના ટ્વીટનો સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે. રાહુલ ગાંધીએ 25 નવેમ્બરે સવારે 8 વાગ્યે આ પોસ્ટ કરી હતી. આ ટ્વીટમાં તેમણે રાજસ્થાનમાં કોંગ્રેસની ચૂંટણી ગેરંટી વિશે જણાવ્યું હતું. પાર્ટીનો આરોપ છે કે આચારસંહિતા અંતર્ગત મતદાનના 48 કલાક પહેલા સાયલન્સ ઝોનની મર્યાદા શરૂ થઈ જાય છે અને કોઈ આ રીતે પ્રચાર કરી શકે નહીં. ભાજપનું કહેવું છે કે રાહુલ ગાંધીએ આ ટ્વિટ કરીને પીપલ્સ એક્ટ 1951ની કલમ 126નું ઉલ્લંઘન કર્યું છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે આવા ઉલ્લંઘન માટે બે વર્ષની જેલ અને દંડ બંનેની જોગવાઈ છે.
રાહુલ ગાંધી પર ચૂંટણી આચાર સંહિતાનો ભંગ કરવાનો આરોપ લગાવતા ભાજપે પત્રમાં લખ્યું છે કે રાહુલ ગાંધી કોંગ્રેસના સ્ટાર પ્રચારક છે. ચૂંટણી પંચે આવા ઉલ્લંઘનો માટે તેમની સામે તાત્કાલિક અને કડક પગલાં લેવા જોઈએ.
આ પણ વાંચો | રાજસ્થાનમાં વિધાનસભાની 199 બેઠકો માટે મતદાન શરૂ, કોંગ્રેસ – ભાજપ વચ્ચે રાજકીય જંગ; રિવાજ બદલાશે કે ઇતિહાસ રચાશે
‘પનોતી’ શબ્દના ઉપયોગ મામલે રાહુલ ગાંધીને નોટિસ
આ અગાઉ ભાજપે રાજસ્થાનમાં ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધી દ્વારા પીએમ મોદી માટે ‘પનૌતી’ શબ્દના ઉપયોગને લઈને ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી. ભાજપની ફરિયાદ પર ચૂંટણી પંચે કોંગ્રેસના નેતાને નોટિસ ફટકારી હતી. ચૂંટણી પંચે કોંગ્રેસના નેતાને જવાબ આપવા માટે શનિવાર સુધીનો સમય આપ્યો હતો.





