હરિયાણામાં તમામ પરેશાનીઓ હોવા છતાં ભાજપ જેજેપીથી કેમ અલગ થતું નથી? રાજસ્થાન બન્યું મોટું ફેક્ટર

Haryana BJP-JJP Alliance : હરિયાણામાં ભાજપ અને જેજેપી બંને રાજ્યની તમામ 10 લોકસભા બેઠકો પર પોતાના દમ પર ચૂંટણી લડવા માટે કટિબદ્ધ છે

Written by Ashish Goyal
October 06, 2023 22:38 IST
હરિયાણામાં તમામ પરેશાનીઓ હોવા છતાં ભાજપ જેજેપીથી કેમ અલગ થતું નથી? રાજસ્થાન બન્યું મોટું ફેક્ટર
હરિયાણામાં ભાજપ અને તેના સાથી પક્ષ જેજેપી વચ્ચેના સંબંધોમાં ઉતાર-ચઢાવના અહેવાલો આવી રહ્યા છે (File Photo)

લિઝ મૈથ્યુ : લોકસભાની ચૂંટણી બાદ હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને લોકસભાની ચૂંટણી પહેલાં રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. હરિયાણામાં ભાજપ અને તેના સાથી પક્ષ જેજેપી વચ્ચેના સંબંધોમાં ઉતાર-ચઢાવના અહેવાલો આવી રહ્યા છે, પરંતુ હવે સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે હરિયાણાને અડીને આવેલા રાજસ્થાનમાં રાજકીય મજબૂરીઓ હજુ પણ બંનેના બ્રેક-અપને પકડી રહી છે. હરિયાણામાં ભાજપ અને જેજેપી બંને રાજ્યની તમામ 10 લોકસભા બેઠકો પર પોતાના દમ પર ચૂંટણી લડવા માટે કટિબદ્ધ છે.

હાલ સ્થિતિ એવી છે કે ભાજપના રાષ્ટ્રીય નેતૃત્વ તરફથી સ્થાનિક નેતાઓ સતત દુષ્યંત ચૌટાલાને ગઠબંધન તોડવા માટે કહી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપના રાષ્ટ્રીય નેતૃત્વએ શરૂઆતમાં હરિયાણા યુનિટને જેજેપીના ટેકા વિના મનોહરલાલ ખટ્ટર સરકારને જાળવી રાખવાના માર્ગો શોધવાનો સંકેત આપ્યો હતો. પરંતુ તેમણે રાજસ્થાનમાં ચાલી રહેલા ભીષણ ચૂંટણી જંગને ધ્યાનમાં રાખીને પોતાના વલણની સમીક્ષા કરી છે.

ભાજપ જેજેપીને કેમ નારાજ કરવા માંગતી નથી?

ભાજપના આંતરિક સૂત્રોના જણાવ્યા અનુસાર ભગવા કેમ્પ જેજેપીને નારાજ કરવા માંગતી નથી. આનું કારણ હરિયાણાને અડીને આવેલા રાજસ્થાનના સરહદી જિલ્લાઓ છે, જ્યાં જેજેપી કેટલાક વિસ્તારોમાં પ્રભાવ પાડી શકે છે. રાજસ્થાનના સાત જિલ્લાઓ – હનુમાનગઢ, ઝુંઝુનુ, ચુરુ, સીકર, જયપુર, અલવર અને ભરતપુર હરિયાણા સાથે સરહદો શેર કરે છે.

જેજેપી પડોશી રાજ્યોમાં ખાતા ખોલવા માંગે છે

જેજેપી પડોશી રાજ્યોમાં પોતાનો પગપેસારો કરવા આતુર છે. ત્યારે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે દુષ્યંત ચૌટાલા રાજસ્થાનમાં ઓછામાં ઓછી 30-35 વિધાનસભા બેઠકો પર ઉમેદવારો ઉભા રાખશે. ઓગસ્ટમાં ઇન્ડિયન એક્સપ્રેસના આઇડિયા એક્સચેન્જ કાર્યક્રમમાં હરિયાણાના ડેપ્યુટી સીએમએ કહ્યું હતું કે તેમની પાર્ટી રાજસ્થાનમાં 30 બેઠકો પર ચૂંટણી લડવાની યોજના બનાવી રહી છે. ધ ઇન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા રાજસ્થાન ભાજપના એક નેતાએ જણાવ્યું હતું કે, ચૂંટણીમાં નજીકના મુકાબલામાં નાના પક્ષો કેટલીકવાર એન્ટી-ઇન્કમ્બન્સી મતોનું વિભાજન કરે છે અને તેનાથી અમારી આશાઓ પર પાણી ફરી વળે તેવી સંભાવના છે. એટલે મતોનું વિભાજન ન થાય તેનું ધ્યાન ભાજપે રાખવાનું છે.

આ પણ વાંચો – મહારાષ્ટ્રમાં ત્રણ પાર્ટીઓનું ગઠબંધન ભાજપ માટે કેમ પડકાર બની રહ્યું છે? જાણો

પરંતુ આ મજબૂરીઓને કારણે હરિયાણાની તમામ સંસદીય અને વિધાનસભા સીટો પર ચૂંટણી લડવા પર પાર્ટીના વલણમાં ફેરફાર સંભાવના નથી. હરિયાણા ભાજપના પ્રભારી અને ત્રિપુરાના પૂર્વ સીએમ બિપ્લવ દેબે ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે અમિત શાહ પહેલેથી જ જાહેરાત કરી ચૂક્યા છે કે પાર્ટી પાસે તમામ 10 બેઠકો પર ઉમેદવારો હશે. રાજ્યમાં અમારી પાસે એક મજબૂત સંગઠન છે, અમારી પાસે તમામ 10 બેઠકો છે, અમારી પાસે શાસનનો સારો રેકોર્ડ છે અને જનાદેશ મેળવવા માટે લોકો પાસે જવાનો ભવિષ્યવાદી અભિગમ છે. હરિયાણાના ખૂણે ખૂણામાં લોકો વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પસંદ કરે છે, જે ભાજપના પક્ષમાં પણ જશે.

જૂન મહિનામાં અમિત શાહે સિરસામાં એક રેલી દરમિયાન કહ્યું હતું કે હરિયાણાના લોકોએ રાજ્યની તમામ 10 બેઠકો બે વાર આપીને નરેન્દ્ર મોદીની જીત સુનિશ્ચિત કરી છે. આ વખતે પણ હું ઇચ્છું છું કે તમે એ સુનિશ્ચિત કરો કે તમામ 10 બેઠકો પર જીત થાય અને 2024માં ભાજપ 300થી વધુ બેઠકો જીતે.

ભાજપ અને જેજેપી વચ્ચે ક્યાં સમસ્યા છે?

વર્ષ 2019માં સાથે મળીને સરકાર બનાવ્યા બાદ ભાજપ-જેજેપી વચ્ચે ઘણી વખત તણાવનો માહોલ જોવા મળ્યો છે અને બંને પાર્ટીઓના નેતાઓએ ગઠબંધન ખતમ કરવા માટે પોતાના ટોચના નેતૃત્વ પર દબાણ બનાવ્યું છે. 2020-21 માં ખેડૂત આંદોલન દરમિયાન ગઠબંધન ચાલુ રાખવા બદલ દુષ્યંતને તેમની પાર્ટીમાં ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો અને થોડા મહિના પહેલા નુહ જિલ્લામાં સાંપ્રદાયિક હિંસા પછી તિરાડ વધી હતી. નાયબ મુખ્યમંત્રી અને તેમની પાર્ટીના નેતાઓએ શોભાયાત્રા પહેલા જિલ્લા વહીવટીતંત્રને સંપૂર્ણ માહિતી ન આપવા બદલ બ્રિજ મંડળ જલાભિષેક યાત્રાના આયોજકોની જાહેરમાં ટીકા કરી હતી.

તાજેતરમાં જ ભાજપના વરિષ્ઠ નેતા ચૌધરી બિરેન્દ્ર સિંહે ધમકી આપી છે કે જો ગઠબંધન ચાલુ રહેશે તો તેઓ પાર્ટી છોડી દેશે અને જેજેપી પર ભ્રષ્ટાચારમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો. ભાજપના નેતાઓએ જેજેપી સામે બિરેન્દ્ર સિંહના ગુસ્સાને નકારી કાઢયો ન હતો. દાયકાઓથી ઉચાના કલાન વિધાનસભા મત વિસ્તાર અને હિસાર લોકસભા બેઠક માટે બિરેન્દ્ર સિંહના પરિવાર અને ચૌટાલા વચ્ચે સ્પર્ધા ચાલી રહી છે. ભાજપના એક નેતાએ કહ્યું કે બિરેન્દ્ર સિંહે ભાજપ વિરુદ્ધ એક શબ્દ પણ કહ્યો નથી. તેમણે જેજેપી પર હુમલો કર્યો હતો, તેથી ભાજપને તેમાં કશું ખોટું લાગતું નથી.

2019માં બિરેન્દ્ર સિંહના પુત્ર બ્રૃજેન્દ્ર સિંહે હિસાર લોકસભા ચૂંટણીમાં દુષ્યંત ચૌટાલાને હરાવ્યા હતા. વિધાનસભા ચૂંટણીમાં દુષ્યંત ચૌટાલાએ ઉચાના કલાનમાં બિરેન્દ્ર સિંહની પત્ની પ્રેમ લતાને હરાવ્યા હતા. ભાજપે સ્પષ્ટ કરી દીધું છે કે તે ચૌટાલા પરિવાર માટે ઉચાના કલાન છોડવાના મૂડમાં નથી. જ્યારે જેજેપી ઇચ્છે છે કે તેનો વરિષ્ઠ સાથી પક્ષ સંસદીય ચૂંટણીમાં પણ ગઠબંધનના નિયમોનું સન્માન કરે. ભાજપના નેતાઓને હરિયાણામાં ફરી સંસદીય ચૂંટણી જીતવાનો વિશ્વાસ છે, તેઓ દલીલ કરી રહ્યા છે કે આનાથી રાજ્યની ચૂંટણીમાં મજબૂત પ્રદર્શન થશે.

Disclaimer :- આ આર્ટિકલ Indian Express પરથી અનુવાદિત છે. મૂળ આર્ટીકલ તમે અહીં વાંચી શકો છો

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ