Varun Gandhi : પીલીભીતથી ભાજપના સાંસદ વરુણ ગાંધી લાંબા સમયથી સરકારની વિરુદ્ધ નિવેદનો આપવાના કારણે ચર્ચામાં છે. તેમણે ફરી એક વખત સરકાર પર પ્રહાર કર્યો છે. પીલીભીત લોકસભામાં આવતા પુરનપુરમાં આયોજીત એક કાર્યક્રમમાં બોલતા વરુણ ગાંધીએ પોતાની જ પાર્ટીના કાર્યકર્તાઓ પર કટાક્ષ કર્યો હતો. વરુણ ગાંધીએ કહ્યું હતું કે દેશનું નિર્માણ ભારત માતા કી જય જેવા નારા લગાવવાથી થતું નથી પણ આ માટે ખેડૂતો, યુવાનો, નાના વેપારીઓ અને શ્રમિકોના હિતોની રક્ષા પણ કરવી પડે છે.
સરકારી નોકરીઓના વર્તમાન સ્ટ્રક્ચરની ટિકા કરતા તેમણે કહ્યું કે આ સમયે દેશની સરકારી ઓફિસોમાં 90 ટકા પદો પર કોંટ્રેક્ચુઅલ વર્કસ દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે. આ સિસ્ટમ કોઇ પ્રકારની જોબ સિક્યોરિટી આપતી નથી. તેમણે એ પણ કહ્યું કે આપણી નવી પેઢી પોતાની કારકિર્દી કેવી રીતે બનાવશે કારણ કે મોટાભાગના માતા-પિતા પાસે પુરતા વિત્તીય સંસાધનનો અભાવ છે.
ખેડૂતોને મળવી જોઈએ યોગ્ય લોન
ખેતી વિશે વાત કરતા તેમણે કહ્યું કે ખેતી કાયમી ખોટનો સોદો બની ગઇ છે. જેણે કૃષિ સેક્ટરને દેવામાં ડુબાડી દીધા છે. વરુણ ગાંધીએ લોકોને સંબોધિત કરતા કહ્યું કે કોઇ સમસ્યા વગર ખેડૂતોને યોગ્ય લોન આપવી જોઈએ.
આ પણ વાંચો – મધ્ય પ્રદેશ અને છત્તીસગઢની હારેલી સીટો પર બીજેપીએ પહેલા જ કેમ જાહેર કરી દીધા ઉમેદવાર, જાણો રણનીતિ
ત્રણ વખત સાંસદ બન્યા છે વરુણ ગાંધી
વરુણ ગાંધી કોંગ્રેસના દિગ્ગજ નેતા રહેલા સંજય ગાંધીના પુત્ર છે. વરુણ ગાંધી 2009માં પીલીભીત લોકસભા સીટથી પ્રથમ વખત બીજેપીની ટિકિટ પર સાંસદ બન્યા હતા. તેમણે પોતાના હરિફ વીએમ સિંહને અઢી લાખથી વધારે વોટથી હરાવ્યા હતા. 2013માં બીજેપીએ વરુણ ગાંધીને પાર્ટીના જનરલ સેક્રેટરી બનાવ્યા હતા. આ પછી વરુણ ગાંધી 2014માં બીજેપીની ટિકિટ પર સુલતાનપુરથી ચૂંટણી લડ્યા અને જીત્યા હતા. 2019માં બીજેપીએ ફરી પીલીભીતથી ઉમેદવાર બનાવ્યા હતા. આ ચૂંટણીમાં લગભગ અઢી લાખ વોટથી જીત મેળવી હતી.





