ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસ પર યૂપીએ સરકારના કાર્યકાળ દરમિયાન થયેલા ભ્રષ્ટાચાર અને કૌભાંડને લઇને પ્રહાર કર્યો છે. પાર્ટીએ કોંગ્રેસ ફાઇલ્સ નામની એક સિરીઝ શરૂ કરી છે. જેમાં પ્રથમ એપિસોડમાં કોંગ્રેસના રાજમાં થયેલા ભ્રષ્ટાચાર અને કૌભાંડનો ઉલ્લેખ છે.
કોંગ્રેસ દરમિયાન થયેલા કૌભાંડનો ઉલ્લેખ
ભાજપે રવિવારે (2 એપ્રિલ) કોંગ્રેસ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવતા કોંગ્રેસ ફાઇલ્સ નામની એક સિરીઝ શરુ કરી છે. આ વીડિયો સિરીઝમાં કોંગ્રેસ ઉપર ઘણા ગંભીર આરોપ લગાવ્યા છે. પ્રથમ એપિસોડમાં ભાજપે કોંગ્રેસ સરકાર દરમિયાન થયેલા કૌભાંડનો ઉલ્લેખ કર્યો છે. બીજેપીએ આરોપ લગાવ્યો કે યૂપીએ સરકાર દરમિયાન 48,20,69,00,00,000 રૂપિયાના ભ્રષ્ટાચાર થયા છે. વીડિયોમાં કહેવામાં આવ્યું છે કે એટલા બધા રૂપિયા કે જીભ પણ લપસી જાય. આ દરમિયાન 1.86 લાખ કરોડના કોલસા કૌભાંડનો પણ ઉલ્લેખ કરાયો છે.
આ વીડિયો બીજેપીએ પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલથી પોસ્ટ કર્યો છે. સાથે આરોપ લગાવ્યો છે કે મનમોહન સિંહની આગેવાનીવાળી સરકાર 2જી કૌભાંડ, કોલસા કૌભાંડ અને કોમનવેલ્થ ગેમ્સ કૌભાંડમાં લિપ્ત હતી. પૂર્વ કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી અને મનમોહન સિંહ ફિચરિંગ આ વીડિયો ક્લિપ ત્રણ મિનિટનો છે.
આ પણ વાંચો – રાહુલ ગાંધીએ ‘મોદી સરનેસ’ કેસમાં બે વર્ષની સજાના આદેશને પડકાર્યો, સુરત સેશન્સ કોર્ટમાં સોમવારે સુનાવણી
ભ્રષ્ટાચાર અને વિકાસ એકસાથે થઇ શકે નહીં – પીએમ મોદી
પીએમ નરેન્દ્ર મોદીએ આ સપ્તાહની શરૂઆતમાં વિપક્ષી દળો પર ભ્રષ્ટાચારી બચાવો આંદોલન શરૂ કરવાનો આરોપ લગાવ્યો હતો અને બીજેપી વિરોધી દળોને ચેતવણી આપી હતી કે ભ્રષ્ટાચાર સામે અભિયાન બંધ થશે નહીં. પીએમે કહ્યું હતું કે ભ્રષ્ટાચાર અને વિકાસ એકસાથે થઇ શકે નહીં. બીજેપીએ 1 એપ્રિલે ટ્વિટ કરીને કહ્યું હતું કે તે કોંગ્રેસના ભ્રષ્ટાચારનો ખુલાસો કરવા માટે પુરી રીતે તૈયાર છે, જેને લઇને એક નાનો વીડિયો ક્લિપ પણ જાહેર કરાઇ હતી.
આટલા રૂપિયામાં ખરીદી શકાય 300 રાફેલ વિમાન, 24 આઈએનએસ વિક્રાંત
વીડિયોમાં કહેવામાં આવ્યું છે કે આ રૂપિયા દેશની સુરક્ષાથી લઇને પ્રગતિ સુધી ઘણા કામમાં આવી શક્યા હોત. આટલા રૂપિયામાં 24 આઈએનએસ વિક્રાંત, 300 રાફેલ વિમાન ખરીદી શકાય અને 1000 મંગલ મિશન બનાવી શકાય. ભાજપે કહ્યું કે કોંગ્રેસના કૌભાંડ અને ભ્રષ્ટાચારની કિંમત દેશે ચુકાવવી પડી અને આપણો દેશ પ્રગતિ અને ઉન્નતિના રસ્તે કોંગ્રેસના કારણે પાછળ રહ્યો છે.
ભાજપે કોંગ્રેસ સરકારના 10 વર્ષોની ચર્ચા કરી હતી. જેમાં અગસ્તા વેસ્ટલેન્ડના સીઇઓ પર લાંચ આપવાનો આરોપ. વીવીઆઇપી હેલિકોપ્ટર ખરીદીમાં 350 કરોડ લાંચ લેવાનો આરોપ લગાવ્યો હતો. આ સિવાય 1.86 લાખ કરોડ રૂપિયાનું કોલસા કૌભાંડ, 1.76 લાખ કરોડ રૂપિયાનું 2જી સ્પેક્ટ્રમ કૌભાંડ, 10 હજાર કરોડનું મનરેગા કૌભાંડ, 70,000 કરોડનું કોમનવેલ્થ કૌભાંડ અને ઇટાલી સાથેના હેલિકોપ્ટર સોદામાં 362 કરોડની લાંચનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ભાજપે કહ્યું કે કોંગ્રેસની સરકાર ભ્રષ્ટાચાર અને કૌભાંડની સરકાર બની ગઇ હતી પણ મનમોહન સિંહ ખામોશ રહ્યા હતા.