જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકને CBI દ્વારા સમન્સ મોકલવામાં આવ્યા બાદ રાજકારણ ગરમાયું છે. બીજી તરફ ખાપ પંચાયતોએ સત્યપાલ મલિકના સમર્થનમાં દિલ્હીના આરકે પુરમમાં બેઠક બોલાવી હતી. પરંતુ પોલીસ અને RWAએ તેને મંજૂરી આપી ન હતી. આમ છતાં ઘણા ખેડૂત આગેવાનો ત્યાં ભેગા થયા હતા ત્યારબાદ પોલીસ ત્યાં પહોંચી અને કેટલાક નેતાઓને તેમની સાથે વસંત કુંજ અને આરકે પુરમ પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. આ પછી સત્યપાલ મલિક પણ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.
પછી સમાચાર આવ્યા હતા કે તેમની અટકાયત કરવામાં આવી છે. જોકે પોલીસે કહ્યું કે તેમને કસ્ટડીમાં લેવામાં આવ્યા નથી. કોઈપણ પોલીસ સ્ટેશન આવી શકે છે. BKU નેતા ગુરનામ સિંહ ચારુનીએ આક્ષેપ કર્યો કે ખાપ પ્રધાનો અને સત્યપાલ મલિકની આરકે પુરમ પોલીસ સ્ટેશનમાં ધરપકડ કરવામાં આવી છે.
સત્યપાલ મલિકે આરકે પુરમ પોલીસ સ્ટેશનમાંથી પોતાની એક તસવીર પોસ્ટ કરીને લખ્યું કે અત્યારે હું દિલ્હીના આરકે પુરમ પોલીસ સ્ટેશનમાં બેઠો છું. પોલીસ થોડી વારમાં મને છાવલા પોલીસ સ્ટેશનમાં લઈ જઇ શકે છે.
આ પણ વાંચો – શું ટૂટી જશે MVA? અજીત પવાર બોલ્યાઃ હું હજુ પણ મુખ્યમંત્રી બનવા તૈયાર છું, મોદીના કરિશ્માને નકારી ન શકાય
જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકની આરકે પુરમમાં ધરપકડ કરવામાં આવેલા આરોપો પર પ્રતિક્રિયા આપતા ડીસીપી (સાઉથ વેસ્ટ) મનોજ સીએ કહ્યું અમે પૂર્વ રાજ્યપાલ સત્યપાલની અટકાયત કરી નથી. તે પોતાના સમર્થકો સાથે આરકે પૂરમમાં પોતાની ઇચ્છાથી આવ્યા હતા. પોલીસ સ્ટેશન અને મેં તેમને જાણ કરી કે તે પોતાની ઇચ્છા પ્રમાણે જઇ શકે છે.
ગુરનામ સિંહ ચારુનીએ આરોપ લગાવ્યો હતો કે તેમણે પોતાના ઘર પાસે ખાપ નેતાઓનો એક કાર્યક્રમ આયોજિત કર્યો હતો. પરંતુ પોલીસે તેને બળજબરીથી રોક્યો અને પોલીસ દ્વારા અમારી બધાની ધરપકડ કરવામાં આવી હતી. અમે વસંત કુંજ પોલીસ સ્ટેશનમાં છીએ અને રાજ્યપાલ સાબ આરકે પુરમ પોલીસ સ્ટેશનમાં છે.
ગુરનામ સિંહ ચારુનીએ કહ્યું કે અમને સમર્થકો તરફથી ઘણા ફોન આવી રહ્યા છે જેઓ રસ્તા પર ચક્કાજામ કરવા માંગે છે. જોકે હું તમને વિનંતી કરું છું હાલ કશું ના કરો. અમે આગળ શું કરવું તે ચર્ચા કરીને જણાવીશું. શાંત રહો પણ સતર્ક રહો.





