બોમ્બે હાઇકોર્ટની નાગપુર બેન્ચે 61 વર્ષીય વૃદ્ધની અરજી પર મહારાષ્ટ્ર સરકાર અને નાગપુર પોલીસને નોટિસ જાહેર કરી છે. વૃદ્ધે એક આરટીઆઈ (RTI)દ્વારા મહારાષ્ટ્ર સરકારને પૂછ્યું હતું કે કયા આધારે રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના (RSS)નાગપુર સ્થિત મુખ્યાલયને સુરક્ષા આપવામાં આવી અને તેના પર કેટલો ખર્ચ આવી રહ્યો છે.
RTI દાખલ કરનાર 61 વર્ષીય લલન કિશોર સિંહનો દાવો છે કે તે દિહાડી મજૂર છે, સાથે એક્ટિવિસ્ટ પણ છે. તેમણે કોર્ટ પાસે માંગણી કરી છે કે નાગપુરના આસિસ્ટન્ટ પોલીસ ઇન્સપેક્ટર (ટ્રાફિક) દ્વારા 26 ડિસેમ્બર 2021ના રોજ જારી કરેલી નોટિસ રદ કરવામાં આવે. અરજી પર સુનાવણી કરતા જસ્ટિસ રોહિત દેવ અને જસ્ટિસ વાયવી ખોબરાગડેએ સરકારને નોટિસ મોકલાવી છે. આગામી સુનાવણી 24 જાન્યુઆરીના રોજ થશે.
વૃદ્ધે આરટીઆઇમાં શું જાણકારી માંગી હતી?
લલન કિશોર સિંહના વકીલ જિતેશ દુહિલાનીએ જણાવ્યું કે અરજીકર્તાને અખબાર દ્વારા જાણ થઇ કે સરકાર નાગપુર સ્થિત આરએસએસ મુખ્યાલયને સુરક્ષા પ્રદાન કરી રહી છે. જ્યારે સંઘ એક અનરજિસ્ટર્ડ એનજીઓ છે. જેથી તેણે જાણવા માટે 30 જૂન 2021ના રોજ આરટીઆઈ લગાવી હતી અને મહારાષ્ટ્રના ગૃહ વિભાગને પૂછ્યું કે આરએસએસ મુખ્યાલયને સુરક્ષા આપવાનો આધાર શું છે. તેના પર કેટલો ખર્ચ આવી રહ્યો છે. આ પછી તેમની આરટીઆઈ રાજ્યના ઇન્ટેલિજન્સને મોકલી આપવામાં આવી અને ત્યાંથી નાગપુર પોલીસ પાસે પહોંચી હતી.
આ પણ વાંચો – સરકારે CJI ચંદ્રચુડને કહ્યું- સિસ્ટમમાં અમારા પણ પ્રતિનિધિ હોય, ફક્ત આંખ બંધ કરી નામ એપ્રૂવ કરવા અમારું કામ નથી
આ પછી નાગપુરના ડિપ્ટી પોલીસ કમિશનરે(સ્પેશ્યલ બ્રાન્ચ) જવાબ આપ્યો અને કહ્યું કે અરજીકર્તાએ જે સૂચના માંગી છે તેને આરટીઆઈ અધિનિયમ અંતર્ગત છુટ મળેલી છે અને આ પ્રકારની સૂચના આપી શકાતી નથી. આ દરમિયાન કેટલાક મહિના પછી 26 ડિસેમ્બર 2021ના રોજ લલન કિશોરને નાગપુરના આસિસ્ટન્ટ પોલીસ ઇન્સપેક્ટર (ટ્રાફિક) તરફથી સમન્સ મોકલવામાં આવ્યું અને આરટીઆઈના જવાબના સંબંધમાં પૂછપરછ માટે ઉપસ્થિત થવા માટે કહેવામાં આવ્યું હતું.
‘સૂચના માંગીને કોઇ ગુનો કર્યો નથી’
અરજીકર્તા લલન કિશોરે કહ્યું કે જો કોઇ ગેરી સરકારી સંસ્થાને રાજ્યના ફંડથી સુરક્ષા આપવામાં આવી રહી છે તો એક નાગરિક હોવાના નાતે તેનો અધિકાર છે કે તેને જાણકારી આપવામાં આવે. આવું ન કરવું મૌલિક અધિકારનું હનન છે. અરજીકર્તાના વકીલે કહ્યું કે આરટીઆઈ દાખલ કર્યા પછી તેને જે રીતે સમન્સ કરવામાં આવ્યું તે ગેરકાનૂની છે અને મૌલિક અધિકારોનું હનન પણ કરે છે.
વકીલે કહ્યું કે લલન સિંહે પોતાની આરટીઈઆઈમાં જે જાણકારી માંગી હતી તે જનહિતમાં છે અને કોઇ પ્રકારનો કાયદાનો ઉલ્લંખન કરતી નથી. જેથી આરટીઆઈનો જવાબ આપ્યા વગર અરજીકર્તા સામે તપાસ શરુ કરવી ગેરકાનૂની છે.