ઇન્ટરનેટ સર્ચ એન્જિન ગુગલને ભારતમાં ભારે ભરખમ દંડ ફટકારવામાં આવ્યો છે. કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા (સીસીઆઇ)એ ગુગલને 16.19 કરોડ ડોલરનો દંટ ફટકાર્યો છે, જો ભારતીય ચલણમાં ગણતરી કરીયે તો દંડની રકમ 1338 કરોડ રૂપિયા જેટલી થાય છે.
Googleને શા માટે દંડ કરાયો?
ભારતના પ્રતિસ્પર્ધા પંચ કોમ્પીટીશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI) એ એન્ડ્રોઈડ મોબાઈલ ડીવાઈસના સંદર્ભમાં એન્ટિ કોમ્પિટિટિવ પ્રેક્ટિસ એટલે કે સ્પર્ધાત્મક વિરોધી પ્રથાઓનો ઉપયોગ કરવા બદલ 1338 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. CCIનું કહેવું છે કે ગૂગલે એન્ડ્રોઈડ મોબાઈલ ડિવાઈસ ઈકોસિસ્ટમનો દુરુપયોગ કર્યો છે.
તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ એક સંસદીય સમિતિએ ભારતમાં એપલ, ગૂગલ, એમેઝોન, નેટફ્લિક્સ અને માઈક્રોસોફ્ટના ટોચના ભારતીય અધિકારીઓને ડિજિટલ સેક્ટરમાં પ્રતિસ્પર્ધા વિરોધી પ્રવૃત્તિઓની તપાસ કરવા નોટિસ પાઠવી હતી.
હકીકતમાં સર્ચ એન્જિન ગુગલ એ Android OS (ઓપરેટિંગ સિસ્ટમ)નું મેનેજમેન્ટ અને સંચાલન કરે છે અને અન્ય કંપનીઓને તેના માટે લાઇસન્સ આપે છે. Googleની ઓપરેટિંગ સિસ્ટમ અને એપ્લિકેશન્સનો ઉપયોગ OEMs એટલે કે ઓરિજનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચર્સ તેમના મોબાઈલ ઉપકરણો માટે કરે છે. આ લાયસન્સ અનુસાર,ઓપરેટિંગ સિસ્ટમ અને એપ્લિકેશનના ઉપયોગ અંગે વિવિધ પ્રકારના કરારો પણ કરવામાં આવે છે, જેમ કે મોબાઈલ એપ્લિકેશન ડિસ્ટ્રિબ્યુશન એગ્રીમેન્ટ (MADA).
CCI એ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે MADA એવી ખાતરી આપી છે કે સર્ચ એપ, વિજેટ અને ક્રોમ બ્રાઉઝર એન્ડ્રોઇડ ઉપકરણો પર પ્રી-ઇન્સ્ટોલ છે, જેણે પોતાના હરિફો પર ગૂગલની સર્ચ સર્વિસને મહત્વપૂર્ણ સ્પર્ધાત્મક વૃદ્ધિ પુરી પાડી છે. ઉપરાંત, ગૂગલે તેની અન્ય એપ્લિકેશન્સ યુટ્યુબના સંદર્ભે તેના હરિફો સામે મોટી સફળતા મેળવી છે. આ સર્વિસના હરિફો માર્કેટ ઍક્સેસના સમાન સ્તરનો લાભ મેળવી શકતા નથી જેને Google દ્વારા સુરક્ષિત અને એમ્બેડ કરવામાં આવ્યા હતા.
CCI એ MADA ને ટાંકીને જણાવ્યું હતું કે, સંબંધિત બજારમાં પ્રવેશવા અથવા સંચાલન કરવા હેતુ ગુગલે સ્પર્ધા માટે પ્રવેશ કરવા પર અવરોધો ઊભો કર્યો છે. જો સરળ શબ્દોમાં કહીએ તો, ભારતના સ્પર્ધા પંચે એન્ડ્રોઇડ મોબાઇલ ડિવાઇસ ઇકોસિસ્ટમનો દુરુપયોગ કરવા બદલ ગૂગલને દંડ ફટકાર્યો છે.