Chandrayaan 3 Launch to Landing journey : ભારતનું સપનું પરી એકવાર સાકાર થવા જઈ રહ્યું છે, ઈસરોનું ચંદ્રયાન 3 હવે મૂન મિશનના છેલ્લા તબક્કામાં પહોંચી ગયું છે. આજે સાંજે ચંદા મામાના ઘરે સફળતા પૂર્વક પહોંચવાની પૂરી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ભારતવાસીઓ સહિત પૂરી દુનિયાની નજર ચંદ્રયાન 3 પર છે. ઈસરોએ અન્ય એજન્સીઓની મદદ સાથે ચંદ્રયાન 3ની અત્યાર સુધીની સફર તબક્કાવાર સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. હવે અંતિમ તબક્કાની સૌથી મહત્ત્વનો અંતિમ તબક્કો પાર કરવાનો છે. ચંદ્રયાન 3નું ચંદ્ર પર લેન્ડીંગ થતા જ એક સોનેરી ઈતિહાસ સર્જાશે. તો જોઈએ ચંદ્રયાન 3ની અત્યાર સુધીની સફર.
ચંદ્રયાન 3 ની અત્યાર સુધીની સફળ સફર
06 જુલાઈ 2023 – ઈસરોના વડાએ ચંદ્રયાન-3 મિશનના પ્રક્ષેપણની તારીખની જાહેરાત કરી.07 જુલાઈ – યાનનું ઇલેક્ટ્રિક પરીક્ષણ સફળતાપૂર્વક કરવામાં આવ્યું.11 જુલાઈ – ચંદ્રયાન-3નું લોન્ચિંગ રિહર્સલ સફળતાપૂર્વક કરવામાં આવ્યું.14 જુલાઈ – ચંદ્રયાન-3 બપોરે 2.35 વાગ્યે લોન્ચ કરવામાં આવ્યું.15 જુલાઈ – ચંદ્રયાન-3 પૃથ્વીની ભ્રમણકક્ષામાં પ્રથમ વખત આગળ વધ્યું.17 જુલાઈ – ચંદ્રયાન-3 બીજી વખત પૃથ્વીની ભ્રમણકક્ષામાં આવ્યું.18 જુલાઈ – ચંદ્રયાન-3 ત્રીજી વખત પૃથ્વીની ભ્રમણકક્ષામાં આગળ વધ્યું.20 જુલાઈ – ચંદ્રયાન-3 ચોથી વખત પૃથ્વીની ભ્રમણકક્ષામાં આગળ વધ્યું.25 જુલાઈ – છેલ્લી વખત ચંદ્રયાન પૃથ્વીની ભ્રમણકક્ષામાં આગળ વધ્યું.01 ઓગસ્ટ – ચંદ્રયાન-3 પૃથ્વીની ભ્રમણકક્ષા છોડીને ચંદ્ર માર્ગ તરફ આગળ વધ્યું.05 ઓગસ્ટ – ચંદ્રયાન-3 સફળતાપૂર્વક ચંદ્રની કક્ષામાં પહોંચ્યું.06 ઓગસ્ટ – ચંદ્રયાન-3 ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રથમ વખત ચંદ્રની ભ્રમણકક્ષામાં આગળ વધ્યું.09 ઓગસ્ટ- ચંદ્રયાન-3 બીજી વખત ચંદ્રની ભ્રમણકક્ષામાં આગળ વધ્યું.12 ઓગસ્ટ – ચંદ્રયાન-3 ત્રીજી વખત ચંદ્રની ભ્રમણકક્ષામાં આગળ વધ્યું.14 ઓગસ્ટ – ચંદ્રયાન-3 ચોથી વખત ચંદ્રની ભ્રમણકક્ષામાં આગળ વધ્યું.16 ઓગસ્ટ – ચંદ્રયાન-3 પાંચમી વખત ચંદ્રની ભ્રમણકક્ષામાં આગળ વધ્યું.17 ઓગસ્ટ – ચંદ્રયાન-3નું પ્રોપલ્શન મોડલ અને લેન્ડર મોડલ એકબીજાથી અલગ થયા.18 ઓગસ્ટ- ચંદ્રયાન-3 એ પ્રથમ વખત ડી-ઓર્બિટીંગ પૂર્ણ કર્યું.20 ઓગસ્ટ – ચંદ્રયાન-3 બીજી અને છેલ્લી વખત ભ્રમણકક્ષામાંથી બહાર નીકળી રહ્યું છે.
હવે કેવી રીતે લેન્ડીંગ કરશે
આજે ચંદ્રયાન 3 મિશનનું લેન્ડર ચંદ્રથી 7.5 કિમી દૂર છે, ત્યારે હાલમાં તેમાં લગાવેલા કેમેરાથી તે લેન્ડીંગ માટેની યોગ્ય જગ્યાની શોધ કરી રહ્યું છે. એક જ જગ્યાએ ઉભા રહી જગ્યાની શોધ કરવા માટે લેન્ડરના બે એન્જિન બંધ કરવામાં આવશે, અને સ્પીડ કન્ટ્રોલ કરવા માત્ર બે એન્જિનની મદદ લેવાશે, અને એકદમ ઝીરો સ્પીડ સાથે યોગ્ય જગ્યા પર લેન્ડર લેન્ડીંગ કરશે.
લેન્ડર લેન્ડીંગ બાદ શું કરશે
લેન્ડર આજે સાંજે 5.47 કલાકે લેન્ડીંગ કરી શકે છે. ત્યારે લેન્ડર જો સફળતાપૂર્વક લેન્ડ થઈ જશે તો, ચંદ્રની ધરતી પર ઉતર્યા બાદ તે ચાર-પાંચ કલાક શાંત ઉભુ રહેશે, ધૂળ, કે બરફની ઉડેલી ડમરીઓ શાંત થાય તેની રાહ જોશે, ત્યારબાદ લેન્ડર તેની સાથે લઈ ગયેલ પ્રજ્ઞાન રોવર બહાર આવશે, અને ઈસરો દ્વારા આપવામાં આવતા કમાન્ડ દ્વારા તેની કામગીરી શરૂ કરશે.
પ્રજ્ઞાન રોવર શું કરશે?
પ્રજ્ઞાન રોવર ઈસરો કમાન્ડ આપશે તેમ તેની કામગીરી શરૂ કરશે. તે ચંદ્રની ધરતી પર આસપાસ ફરીને ચંદ્ર પરથી વિવિધ નમૂના લેશે, અને તેનો અભ્યાસ કરશે. પ્રજ્ઞાન રોવર ચંદ્રના 1 દિવસ એટલે પૃથ્વીના 14 દિવસ સુધી સંશોધન કરશે. આ રોવર ચંદ્રની હવા, પાણી, કેમિકલ્સ, રસાયણો અને અન્ય ખનીજોનું એનાલિસિસ કરી ડેટા તથા માહિતી ઈસરોને મોકલશે. ચંદ્રની ધરતી પર અને ખડકોમાંથી મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, પોટેશિયમ, સિલિકોમ, કેલ્સિયમ, ટાઈટેનિયમ, આયર્ન તથા હિલિયમ જેવા ખનીજોની શોધ કરવામાં આવશે.
કેમ ચંદ્રના દક્ષિણ ભાગને મિશન માટે પસંદ કરવામાં આવ્યો
ચંદ્ર પરના અત્યાર સુધીના તમામ મિશન ચંદ્રની ઉત્તર તરફ થયેલા છે. પરંતુ અવકાશમાંથી લેવામાં આવેલી તસવીરો અને એનાલિસિસ બાદ એવી સક્યતા છે કે, ચંદ્રના દક્ષિણ ભાગમાં મોટા પ્રમાણમાં પાણી અને ખનીજનો જથ્થો રહેલો છે, અહીં તાપમાન માઈનસમાં 230 ડીગ્રી સુધી જાય છે, એટલે બરફના પહાડો હોઈ શકે છે, જેથી પાણીમળવાનો વિકલ્પ છે. જો અહીં સીધી જમીન અને પાણી મળે તો માનવ વસવાટ અથવા માનવ સાથે ચંદ્ર અભિયાન શક્ય બનાવી શકાય છે. નાસાના અભ્યાસ અનુસાર, આ બાજુ મોટી માત્રામાં હિલિયમ ખનીજનો જથ્થો છે, જો આ મળી આવે તો, તેને પૃથ્વી પર લાવી ઊર્જાના વૈકલ્પિક સ્ત્રોત ઉભા કરી શકાય, અને પૃથ્વીની ઉર્જાની અછત દૂર કરી શકાય.