Chaudhary Charan Singh Bharat Ranta: દેશના પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહ ને ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરવાની આજે ભારત સરકારે જાહેરાત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે આ જાહેરાત કરતાં ખુશીની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, અમારી સરકારનું આ સૌભાગ્ય છે કે પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહ ને ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવી રહ્યા છે કે જેમણે પોતાનું સમગ્ર જીવન ખેડૂતોના અધિકારો માટે વ્યતિત કર્યું હતું.
ભારતના પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહ એ ખેડૂતોના અધિકારો માટે વિશેષ કાર્ય કર્યું હતું અને એમની યાદમાં એમના જન્મ દિવસ 23 ડિસેમ્બરને રાષ્ટ્રીય ખેડૂત દિવસ તરીકે ઉજવવામાં આવે છે.ચૌધરી ચરણ સિંહને ખેડૂતોના મસીહા તરીકે ઓળખવામાં આવે છે. 28 જુલાઇ 1979 થી 14 જાન્યુઆરી 1980 સુધી તે ભારતના વડાપ્રધાન તરીકે કાર્યરત રહ્યા હતા.
ચૌધરી ચરણ સિંહનો જન્મ 23 ડિસેમ્બર, 1902 માં ઉત્તર પ્રદેશના હાપુડ તાલુકાના નૂરપુર ગામે એક મધ્યમ જાટ પરિવારમાં થયો હતો. ચૌધરી ચરણ સિંહના પિતા મીર સિંહ ખેડૂત હતા અને માતા નેત્રા કૌર ગૃહિણી હતી. પાંચ ભાઇ બહેનોમાં ચરણ સિંહ સૌથી મોટા હતા. ચરણ સિંહ 6 વર્ષના હતા ત્યારે એમના પિતા ખેતી માટે મેરઠ જિલ્લામાં આવી વસ્યા હતા.
આગરામાં વકીલાત પણ કરી હતી
ચૌધરી ચરણ સિંહનું પ્રાથમિક શિક્ષણ એમના ગામમાં થયું હતું. સરકારી સ્કૂલમાંથી વર્ષ 1919 માં તેઓએ ધોરણ 10 પાસ કર્યું હતું. આગરાની કોલેજમાંથી વર્ષ 1923 માં તેઓ બીએસસી કર્યું અને વર્ષ 1925 માં હિસ્ટ્રી સાથે એમએ થયા હતા. આગરા વિશ્વ વિદ્યાલયમાંથી કાયદાનો અભ્યાસ કર્યા બાદ તેઓએ વકીલાત શરુ કરી હતી.
ચરણ સિંહના જીવનમાં ટર્નિંગ પોઇન્ટ
ચૌધરી ચરણ સિંહના જીવનમાં વર્ષ 1929 માં ટર્નિંગ પોઇન્ટ આવ્યો હતો. આ સાથે તેમની રાજકીય કારકિર્દી શરુ થઇ. કોંગ્રેસના લાહોર અધિવેશન 1929 માં પૂર્ણ સ્વરાજ નારાથી તેઓ પ્રભાવિત થયા અને ગાઝિયાબાદમાં કોંગ્રેસ કમિટીની રચના કરી. આ સાથે તેઓ રાજકીય ક્ષેત્રે આગળ આવ્યા.
ચૌધરી ચરણ સિંહે સમગ્ર જીવન સમર્પિત કર્યું
મહાત્મા ગાંધી દ્વારા 1930 માં આયોજિત સવિનય કાનૂન ભંગ ચળવળમાં ચૌધરી ચરણ સિંહ પણ જોડાયા. ગાંધીજીએ દાંડી યાત્રા શરુ કરી તો ચૌધરી ચરણ સિંહએ ગાઝિયાબાદ નજીક આવેલી હિન્ડન નદીએ મીઠું પકવવાનું શરુ કર્યું. જેને પગલે એમને 6 માસનો જેલવાસ ભોગવવો પડ્યો. જેલથી પરત આવ્યા બાદ તેઓએ પોતાનું જીવન આઝાદી સંગ્રામને સમર્પિત કર્યું.
ચૌધરી ચરણ સિંહ ત્રણ મહાનુભાવોને ભારત રત્ન
આઝાદી સંગ્રામ દરમિયાન વર્ષ 1940 માં ફરી એકવાર તેઓ જેલ ગયા અને ઓક્ટોબરમાં મુક્ત થયા. પરંતુ આ સમય દરમિયાન મહાત્મા ગાંધીજીના નેતૃત્વમાં દેશભરમાં કરો યા મરો નારો ગૂંજી રહ્યો હતો. અંગ્રેજ ભારત છોડો ચળવળ તેજ બની હતી. ચૌધરી ચરણ સિંહ એ 9 ઓગસ્ટ 1942 માં ઓગસ્ટ ક્રાંતિ દરમિયાન ગાજિયાબાદ, હાપુડ, મેરઠ, મવાના, સરથના અને બુલંદશહેર ના વિવિધ ગામોમાં ગુપ્ત ક્રાંતિકારી બેઠકો કરી. જેને પગલે મેરઠ પ્રશાસને ચૌધરી ચરણ સિંહ સામે દેખતાં જ ગોળી મારવાનો આદેશ કર્યો હતો.
ચૌધરી ચરણ સિંહ ખેડૂતોના મસીહા કહેવાતા હતા. એમના દ્વારા તૈયાર કરાયેલ જમીનદાર વિધેયક રાજ્યના કલ્યાણકારી સિધ્ધાંત આધારિત હતું. યૂપીમાં 1952 માં એમની મહેનતને લીધે જમીનદારીની પ્રથાનો અંત આવ્યો અને ખેડૂતોને એમના અધિકાર મળ્યા. વર્ષ 1967 માં તેઓ ઉત્તર પ્રદેશ મુખ્યમંત્રી બન્યા. એક વર્ષ બાદ તેમણે રાજીનામું આપ્યું અને ફરી યોજાયેલ ચૂંટણીમાં બહુમત સાથે જીત્યા અને ફરી મુખ્યમંત્રી બન્યા.
રાજકીય કારકિર્દીમાં આગળ વધતાં તેઓ કેન્દ્ર સરકારમાં ગૃહમંત્રી બન્યા અને તેમણે મંડલ અને અલ્પસંખ્યક આયોગની સ્થાપના કરી. વર્ષ 1979 માં નાણામંત્રી અને નાયબ વડાપ્રધાનના રુપમાં તેમણે રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક (નાબાર્ડ) સ્થાપના કરી. બાદમાં વર્ષ 28 જુલાઇ 1979 માં સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ (યૂ)ના સહયોગથી તેઓ દેશના વડાપ્રધાન બન્યા.