Chhattisgarh conversion Bill : છત્તીસગઢ સરકાર ધર્મ પરિવર્તન સંબંધિત નવો કાયદો લાવવા જઈ રહી છે. જાણકારી અનુસાર તેનો ડ્રાફ્ટ તૈયાર થઇ ગયો છે અને આ બિલ છત્તીસગઢ વિધાનસભામાં રજૂ કરવામાં આવશે. આ કાયદા હેઠળ ધર્માંતરણની પ્રક્રિયામાં ઘણા મહત્વના મુદ્દાઓ ઉમેરવામાં આવ્યા છે, જેમાં પોલીસ વેરિફિકેશન જેવા મુદ્દા સામેલ હશે. આ માહિતી ઈન્ડિયન એક્સપ્રેસને સૂત્રો પાસેથી મળી છે. હાલ આ અંગે સરકાર દ્વારા વધુ માહિતી રજૂ કરવામાં આવી નથી.
શું છે પ્લાન?
ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ પ્રમાણે ધર્મ પરિવર્તન અંગેનો કાયદો ઘડવાનો ડ્રાફ્ટ તૈયાર છે, પરંતુ સૂત્રોએ જણાવ્યું હતું કે આખરે વિધાનસભામાં રજૂ થાય તે પહેલાં તેમાં કેટલાક સુધારા કરવામાં આવી શકે છે. આમાં મહત્વની જોગવાઇ એ રહેશે કે જો કોઇએ ધર્માંતરણ કરાવવું હોય તો તેણે તેના વિશે એક મહિના અગાઉ માહિતી આપવાની રહેશે અને કોઇ ચાલાકી કે બળજબરીથી કોઇનું ધર્મ પરિવર્તન થઇ શકશે નહીં. જો આમ નહીં થાય તો ધર્માંતરણ શક્ય બનશે નહીં. જો ડીએમને આવી કોઈ વાતની ખબર પડશે તો તેને ગેરકાયદેસર ગણીને કાર્યવાહી પણ કરવામાં આવશે.
આ પણ વાંચો – પીએમ મોદીએ કહ્યું – હવે પછીના 100 દિવસ નવી ઊર્જા, નવા ઉમંગ, નવા આત્મવિશ્વાસ સાથે કામ કરવાનું છે
જે વ્યક્તિ ધર્મ બદલવા માંગે છે તેણે 60 દિવસની અંદર બીજું ઘોષણા ફોર્મ ભરવું પડશે અને ચકાસણી માટે ડીએમ સમક્ષ હાજર થવું પડશે. જો આમ ન કરવામાં આવે તો ધર્માંતરણ ગેરકાયદે ગણી શકાય.
એફઆઈઆર પણ દાખલ થઈ શકે છે
ધર્મ પરિવર્તન કરનાર વ્યક્તિના પરિવાર તરફથી વાંધો હોય તો એફઆઈઆર પણ દાખલ થઈ શકે છે અને આ કેસ બિનજામીનપાત્ર રહેશે. સગીર, મહિલાઓ, અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત જનજાતિના સભ્યોને ગેરકાયદેસર રીતે ધર્માંતરિત કરનારાઓને ઓછામાં ઓછા બે વર્ષથી વધુ અને વધુમાં વધુ 10 વર્ષની જેલની સજા અને ઓછામાં ઓછા 25,000 રૂપિયાનો દંડ ભોગવવો પડશે. સામૂહિક ધર્મ પરિવર્તન માટે ઓછામાં ઓછી ત્રણ વર્ષ અને વધુમાં વધુ 10 વર્ષની સજા અને 50,000 રૂપિયાનો દંડ થશે. કોર્ટ ધર્મ પરિવર્તનનો ભોગ બનનારને 5 લાખ રૂપિયા સુધીનું વળતર પણ આપી શકે છે.





