communal violence in Haryana : હરિયાણાના મેવાત જિલ્લામાં સોમવારે થયેલી એક બબાલમાં બે વ્યક્તિના મોત થયા છે અને દસ લોકો ઇજાગ્રસ્ત થયા છે. પોલીસે આ માહિતી આપી હતી. ઇજાગ્રસ્તોમાં બે પોલીસકર્મીઓનો પણ સમાવેશ થાય છે. મેવાતમાં ઇજાગ્રસ્તોમાં હોડલના ડેપ્યુટી એસપી સજ્જન સિંહનો પણ સમાવેશ થાય છે. તેમને માથા અને પેટના ભાગે ઈજાઓ થઇ છે. પોલીસે જણાવ્યું હતું કે મેવાતમાં જે વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી તે જુલૂસનો એક ભાગ હતી. વાયરલ થઇ રહેલી ક્લિપ્સમાં ગાડીઓ સળગતી જોઇ શકાય છે.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે મેવાતના મંદિરમાં ફસાયેલા 2500 લોકોમાંથી મોટાભાગના લોકોને બહાર કાઢી લેવામાં આવ્યા છે. મેવાતમાં થયેલી હિંસાને ધ્યાનમાં રાખીને ઈન્ટરનેટ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. શાંતિ સ્થાપવા માટે પોલીસે સાંજે બંને પક્ષની બેઠક બોલાવી છે. મેવાતની સ્થિતિ પર મીડિયા સાથે વાત કરતા પ્રદેશ નેતા દીપેન્દ્ર હુડ્ડાએ કહ્યું કે મેવાત તણાવના જે સમાચાર આવ્યા છે તે દુર્ભાગ્યપૂર્ણ અને દર્દનાક છે. હું દરેકને અપીલ કરું છું કે પરસ્પર ભાઈચારાને બગડવા ન દો.
સોહનામાં પણ ચાર વાહનોને આગ ચાંપી દેવામાં આવી
નુહ ઉપરાંત ગુરુગ્રામને અડીને આવેલા સોહનામાં બબાલના સમાચાર આવી રહ્યા છે. ટોળાએ ચાર વાહનો અને એક દુકાનને આગ ચાંપી દીધી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે તમામ દુકાનો અને વાહનો એક સમુદાયના છે. પ્રદર્શનકારીઓએ અહીં લાંબા સમય સુધી રસ્તો રોકી રાખ્યો હતો.
આ પણ વાંચો – યોગી આદિત્યનાથે કહ્યું – જ્ઞાનવાપીને મસ્જિદ કહેશો તો વિવાદ થશે, અંદર ત્રિશુળ શું કરી રહ્યું છે?
કલમ 144 લાગુ
મેવાતમાં ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત કરી દેવામાં આવી છે અને મોટી સભાઓ પર પ્રતિબંધ મુકવા માટે કલમ 144 લાગુ કરવામાં આવી છે. ગુરુગ્રામને અડીને આવેલા નુહમાં એક ધાર્મિક જૂલુસ દરમિયાન હિંસા શરૂ થઈ હતી. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કાઢવામાં આવી રહેલી બ્રજમંડળ જલાભિષેક યાત્રાને ગુરુગ્રામ-અલવર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર યુવાનોના એક જૂથે અટકાવી હતી અને જૂલુસ પર પથ્થરમારો કર્યો હતો. હિંસા વધતાં ટોળાએ સરકારી અને ખાનગી વાહનોને નિશાન બનાવ્યા હતા. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બ્રજમંડલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
હરિયાણાના ગૃહ મંત્રી અનિલ વિજે કહ્યું છે કે કેન્દ્રીય દળોના કેન્દ્રીય દળોને પણ એરડ્રોપ કરવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું હતું કે, ટૂંક સમયમાં પરિસ્થિતિ નિયંત્રણમાં લાવવામાં આવશે.