Congress Candidate List OF Assembly Elections : વિધાનસભા ચૂંટણી 2023 કોંગ્રેસ 1લી ઉમેદવારોની યાદી: કોંગ્રેસે રવિવારે મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણા વિધાનસભા ચૂંટણીના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જેમાં કોંગ્રેસ મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે 144 ઉમેદવારોની તેની પ્રથમ યાદી જાહેર કરી છે. આ યાદીમાં પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી કમલનાથને છિંદવાડાથી ટિકિટ આપવામાં આવી છે. વિપક્ષના નેતા ગોવિંદ સિંહને લહરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. તેવી જ રીતે કોંગ્રેસ પાર્ટીએ તેલંગાણા વિધાનસભા ચૂંટણી માટે 55 ઉમેદવારોના નામ પણ જાહેર કર્યા છે. તો તેલંગાણા પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ રેવન્ત રેડ્ડીને કોડંગલથી ટિકિટ આપવામાં આવી છે.
કોંગ્રેસ 15 વર્ષ બાદ 2018માં છત્તીસગઢમાં સત્તામાં પરત આવી (Congress Candidates List For Chhattisgarh)
કોંગ્રેસ દ્વારા છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી માટે 30 ઉમેદવારોની પ્રથમ યાદી પણ બહાર પાડવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ પાટણથી, નાયબ મુખ્યમંત્રી ટીએસ સિંહ દેવ અંબિકાપુરથી ચૂંટણી લડશે. પાર્ટીએ ગૃહમંત્રી તામ્રધ્વજ સાહુને દુર્ગ ગ્રામીણથી અને વિધાનસભા અધ્યક્ષ ચરણદાસ મહંતને સક્તી તેમજ પૂર્વ પ્રદેશ અધ્યક્ષ મોહન મરકામને કોંડાગાંવથી ટિકિટ આપી છે. છત્તીસગઢમાં હાલમાં કોંગ્રેસની સરકાર છે. તો ભાજપ મુખ્ય વિરોધ પક્ષની ભૂમિકામાં છે. છત્તીસગઢમાં 2018માં યોજાયેલી છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ 68 બેઠકો જીતીને 15 વર્ષ પછી સત્તામાં પરત ફરી હતી. આવી સ્થિતિમાં આ વખતે તે કોઈપણ ભોગે પોતાની સત્તા બચાવવાનો પ્રયાસ કરશે.
કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ ઉમેદવારોના નામ નક્કી કર્યા
ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના જનરલ સેક્રેટરી કેસી વેણુગોપાલે બંને રાજ્યોના ઉમેદવારોની યાદી જાહેર કરી. કોંગ્રેસ કેન્દ્રીય ચૂંટણી સમિતિ દ્વારા તાજેતરમાં આ ઉમેદવારોના નામ નક્કી કરવામાં આવ્યા હતા, પરંતુ પિતૃપક્ષના કારણે યાદી જાહેર કરવામાં આવી ન હતી. પિતૃપક્ષ સમાપ્ત થતા અને નવરાત્રીની શરૂઆત સાથે જ કોંગ્રેસે રવિવારે યાદી જાહેર કરી હતી. છત્તીસગઢ વિધાનસભા બેઠકો માટે 7 અને 17 નવેમ્બરના રોજ બે તબક્કામાં મતદાન થશે. તેવી જ રીતે, મધ્યપ્રદેશમાં 230 વિધાનસભા ચૂંટણી બેઠકો માટે 17 નવેમ્બરે અને તેલંગાણાવિધાનસભા ચૂંટણીની 119 બેઠકો માટે 30 નવેમ્બરે મતદાન થશે.
આ પણ વાંચો| છત્તીસગઢમાં ભાજપે OBCને 36.5 ટકા ટિકિટ આપી, કોંગ્રેસ પર વધ્યું દબાણ, જાણો મધ્ય પ્રદેશમાં શું છે રણનીતિ
મધ્યપ્રદેશ વિધાનસભા માટે કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ 13 ઓક્ટોબરે બેઠક કરી હતી અને ઉમેદવારોના નામોને મંજૂરી આપી હતી. બેઠક બાદ કમલનાથે કહ્યું હતું કે શ્રાદ્ધપક્ષ પૂર્ણ થતાની સાથે જ નવરાત્રિના પહેલા દિવસે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવશે.





