કોંગ્રેસના ભૂતપૂર્વ નેતા અને સ્વતંત્ર ભારતના પ્રથમ ભારતીય ગવર્નર-જનરલ સી રાજગોપાલાચારીના પ્રપૌત્ર સીઆર કેસવન ભાજપમાં જોડાયા છે. કેશવને તાજેતરમાં કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું. કેશવને 23 ફેબ્રુઆરી 2023ના રોજ કોંગ્રેસમાંથી રાજીનામું આપતી વખતે કહ્યું હતું કે, બે દાયકા કરતા વધુ સમય સુધી પાર્ટી માટે કામ કરવા માટે તેમને પ્રેરિત કરતા મૂલ્યોના કોઈ અવશેષ હવે રહ્યા નથી. ભારતના રાજકારણ હાલમાં પક્ષ પલટાની સિઝન ચાલી રહ્યું હોય તેવું પ્રતિત થાય છે.
ભારતને વિશ્વ ગુરુ બનાવવામાં મારું યોગદાન એટલુ જ હશે જેટલું રામસેતુ બનાવવામાં ખિસકોલીનું હતું – સીઆર કેસવન
શનિવારે (8 એપ્રિલ) ભાજપમાં જોડાયા પછી, કેશવને કહ્યું, “હું વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી ‘ભાજપ’માં સામેલ કરવા બદલ તમારો આભાર માનું છું, ખાસ કરીને તે દિવસે જ્યારે આપણા વડાપ્રધાન તમિલનાડુમાં છે. ભાજપમાં સામેલ થવા અંગે સીઆર કેશવને કહ્યું કે, 2047 સુધીમાં ભારતને વિશ્વગુરુ બનાવવાની દિશામાં મહેનત કરશે. રામસેતુના નિર્માણમાં ખિસકોલીએ આપેલું યોગદાન એટલું જ મારું રહેશે. સીઆર કેસવનનું પુરું નામમ ચક્રવર્તી રાજાગોપાલચારી કેસવન છે.
આ અગાઉ કોંગ્રેસ સાથે છેડો ફાડતી વખતે તેમણે કહ્યું હતું કે, પાર્ટીમાં જે રીતે રાજકારણ ચાલી રહ્યું છે તેનાથી તેઓ ખુશ નથી. તેમણે કહ્યું હતું કે, “એકવાર મેં પાર્ટી છોડી દીધા બાદ હવે મને નથી લાગતું કે મારે કોંગ્રેસ અંગે કોઇ ટિપ્પણી કરવી જોઈએ. કોંગ્રેસમાં જે પ્રકારનું રાજકારણ રમાય છે તેનાથી હું સહજ નથી અને પાર્ટી છોડવી એ યોગ્ય નિર્ણય છે અને મેં આજે તે જ કર્યું છે.” તેમણે ઉમેર્યું હતું કે, “હું છેલ્લા 22 વર્ષથી કોંગ્રેસનો હિસ્સો છું, પરંતુ સમય જતાં મને સમજાયું કે કોંગ્રેસનો દ્રષ્ટિકોણ ન તો રચનાત્મક હતો કે ન તો નક્કર. મેં જે મૂલ્યો માટે કામ કર્યું હતું તે બદલાઈ ગયા છે.”
કોંગ્રેસને 3 દિવસમાં 3 આંચકા
સીઆર કેસવન વર્ષ 2001માં કોંગ્રેસમાં જોડાયા હતા. આ દરમિયાન તેઓ રાજીવ ગાંધી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ યુથ ડેવલપમેન્ટના ઉપાધ્યક્ષ પદે પણ રહ્યા હતા. કોંગ્રેસ પાર્ટીને દક્ષિણમાં ત્રણ દિવસમાં ત્રણ આંચકાઓ લાગ્યા છે. કેસવનની પહેલા ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન એકે એન્ટોનીના પુત્ર અનિલ એન્ટોની ગુરુવારે ભાજપમાં જોડાયા હતા, ત્યારબાદ શુક્રવારે અવિભાજિત આંધ્રપ્રદેશના ભૂતપૂર્વ અને છેલ્લા સીએમ કિરણ કુમાર રેડ્ડી પણ ભાજપમાં સામેલ થયા છે.
કોણ છે સી રાજગોપાલાચારી?
સી રાજગોપાલાચારી, ભારતના સૌથી પ્રભાવશાળી નેતાઓ પૈકીના એક અને ભારતના પ્રથમ ગવર્નર-જનરલ હતા. ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું નેતૃત્વ કરવા ઉપરાંત, તેમણે મદ્રાસ પ્રેસિડેન્સીના પ્રમુખ, પશ્ચિમ બંગાળના રાજ્યપાલ, ભારતીય સંઘના ગૃહ પ્રધાન અને મદ્રાસ રાજ્યના મુખ્ય પ્રધાનની જવાબદારી પણ સંભાળી હતી. રાજગોપાલાચારી ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન – ભારત રત્ન મેળવનાર પ્રથમ વ્યક્તિઓ પૈકીના એક હતા. તેમણે સ્વતંત્ર રાજકીય પાર્ટી પણ બનાવી હતી.
ભારતના પ્રથમ ગવર્નર-જનરલ તરીકેનો તેમનો કાર્યકાળ 21 જૂન 1948 થી 26 જાન્યુઆરી 1950 સુધી રહ્યો હતો. અખંડ ભારતના વિભાજન સમયે તેમને પશ્ચિમ બંગાળના રાજ્યપાલ પણ બનાવવામાં આવ્યા હતા. સી રાજગોપાલાચારીએ 10 એપ્રિલ 1952ના રોજ મદ્રાસના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. શાળાઓમાં હિન્દીને ફરજિયાત ભાષા તરીકે દાખલ કરવાની તેમની નીતિનો મદ્રાસના લોકોએ ભારે વિરોધ કર્યો હતો. ત્યારબાદ તેમણે 13 એપ્રિલ 1954ના રોજ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું. રાજીનામું આપ્યા પછી તેમણે લેખન પર ધ્યાન આપવાનું શરૂ કર્યું. રાજગોપાલાચારીએ રામાયણનો તમિલ અનુવાદ કર્યો, જે પાછળથી ચક્રવર્તી થિરુમગન તરીકે પ્રકાશિત થયો હતો. આ પુસ્તકે 1958માં તમિલ ભાષામાં સાહિત્ય અકાદમીનો પુરસ્કાર જીત્યો હતો.