Delhi ordinance : કોંગ્રેસે રવિવારે સ્પષ્ટ કર્યું હતું કે તે દિલ્હીમાં સેવાઓના નિયંત્રણ પર કેન્દ્રના અધ્યાદેશને ટેકો આપશે નહીં. કોંગ્રેસના મહાસચિવ કે સી વેણુગોપાલે કહ્યું કે પાર્ટીનું વલણ સ્પષ્ટ છે કે તે રાજ્યપાલો દ્વારા વિપક્ષી દળો દ્વારા શાસિત રાજ્યોમાં હસ્તક્ષેપ કરવાના કેન્દ્રના આવા કોઈપણ પગલાનો વિરોધ કરશે. તેમણે કહ્યું કે કોંગ્રેસે સંસદમાં દિલ્હી અધ્યાદેશ પર બિલ આવશે ત્યારે તેનો વિરોધ કરવાનો નિર્ણય કર્યો છે. કોંગ્રેસના આ નિર્ણય પછી આમ આદમી પાર્ટી (AAP) એ જાહેરાત કરી કે તે આવતીકાલે બેંગલુરુમાં વિપક્ષની બેઠકમાં ભાગ લેશે.
કોંગ્રેસ અધ્યાદેશનો વિરોધ કરશે
કોંગ્રેસના મહાસચિવ કે સી વેણુગોપાલે પીટીઆઈને જણાવ્યું હતું કે અમે સંઘવાદને સમાપ્ત કરવાના કેન્દ્ર સરકારના પ્રયાસોનો સતત વિરોધ કરી રહ્યા છીએ. અમે રાજ્યપાલો દ્વારા વિપક્ષ શાસિત રાજ્યો ચલાવવાના કેન્દ્ર સરકારના વલણનો સતત વિરોધ કરી રહ્યા છીએ. અમારૂ સ્ટેન્ડ એકદમ સ્પષ્ટ છે, અમે દિલ્હી વટહુકમનું સમર્થન કરવાના નથી.
રાઘવ ચઢ્ઢાએ કોંગ્રેસના નિર્ણયને આવકાર્યો
કોંગ્રેસની આ જાહેરાતની સાથે જ આમ આદમી પાર્ટી (આપ)નો સોમવારે બેંગલુરુમાં શરૂ થનારી બીજી વિપક્ષની બેઠકમાં ભાગ લેવાનો માર્ગ ખુલી ગયો છે. આપ કહેતી હતી કે કોંગ્રેસ દિલ્હી અધ્યાદેશ પર પોતાનું વલણ સ્પષ્ટ કરે અને પછી જ તે વિપક્ષી પક્ષોની આગામી બેઠકમાં ભાગ લેવા અંગે નિર્ણય લેશે. દરમિયાન આપના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢાએ આ અધ્યાદેશ સામે કોંગ્રેસના વિરોધ કરવાનું નિર્ણયને આવકાર્યો છે અને કહ્યું કે આ એક સકારાત્મક ઘટનાક્રમ છે.
આ પણ વાંચો – સંસદનું ચોમાસુ સત્ર તોફાની બનશે; કોંગ્રેસ મણિપુર હિંસા, UCC મુદ્દે કેન્દ્રની ભાજપ સરકારને ઘેરશે
વિપક્ષની બેઠક પર ચર્ચા માટે આપની પોલિટિકલ અફેર્સ કમિટી (PAC)ની સાંજે બેઠક મળી હતી છે. આ બેઠક પછી આમ આદમી પાર્ટી (AAP) એ જાહેરાત કરી કે તે આવતીકાલે બેંગલુરુમાં વિપક્ષની બેઠકમાં ભાગ લેશે.