Cyclone Sitrang News: બંગાળની ખાડીમાં ઉદ્ભવેલું ચક્રવાત તોફાન ‘સિતરંગ’ (Cyclone Sitrang) બાંગ્લાદેશના તટે ટકરાયું છે. ચક્રવાતના કારણે વૃક્ષ પડવાથી એક જ પરિવારના ત્રણ સભ્યો સહિત ઓછામાં ઓછા સાત લોકોના મોત થયા છે. કેટલાક ભાગમાં મકાનો ક્ષતિગ્રસ્ત થયા છે. અધિકારીઓએ આ દરમિયાન હજારો લોકોને સુરક્ષિત સ્થળ પર પહોંચાડ્યા છે.
ચક્રવાત ‘સિતરંગ’ના કારણે ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ, મિઝોરમ, મણિપુર અને નાગાલેન્ડમાં 60થી 70 કિલોમીટર/પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઇ રહ્યો છે. પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા અને અસમના ઘણા જિલ્લામાં વરસાદ શરૂ થઇ ગયો છે. મંગળવારે ગુવાહાટીમાં વરસાદના કારણે રસ્તા પર પાણી ભરાઇ ગયા છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ પ્રશાસનને એલર્ટ મોડ પર રહેવા કહ્યું છે.
હજારો લોકોને કરવામાં આવ્યા વિસ્થાપિત
સોમવારે મોસમને જોતા બાંગ્લાદેશના કોક્સ બજાર તટ પાસે હજારો લોકોને બીજા સ્થાને શિફ્ટ કરવામાં આવ્યા છે. ન્યૂઝ એજન્સી એનઆઈએ કોક્સ બજારના ડિપ્ટી કમિશનર મામુનુર રાશિદના હવાલાથી કહ્યું કે નજીકની શૈક્ષણિક સંસ્થાનોને તૈયાર રાખવામાં આવી છે. જેથી જરૂર પડતા તેનો ઉપયોગ શેલ્ટર તરીકે કરવામાં આવી શકે.
બંગાળના ઘણા જિલ્લામાં એલર્ટ
સિતરંગ તોફાનના કારણે બંગાળના ઘણા જિલ્લામાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી મમતા બેનરજીએ લોકોને સુંદરવન સહિત સમુદ્રી વિસ્તારમાં ન જવાની અપીલ કરી છે. પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગના, ઉત્તર 24 પરગના, મિદનાપુર, કોલકાતા અને મુર્શિદાબાદમાં વધારે વરસાદનો અંદાજ છે. આ સિવાય હાવડા અને હુગલીમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
SDRF અને NDRF ટીમોને અલગ-અલગ સ્થાને તૈનાત કરવામાં આવી છે. સરકારે લગભગ સવા બે લાખ લોકોને સુરક્ષિત સ્થાન પર પહોંચાડ્યા છે. લોકો માટે રહેવાની વ્યવસ્થા પણ કરી છે.