Delhi Jama Masjid : દિલ્હીની જામા મસ્જિદમાં એકલી યુવતી અને યુવતીઓના ગ્રુપ પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. મસ્જિદના પીઆરઓનું કહેવું છે કે યુવતીઓ અહીં આવીને મિટિંગ કરે છે અને વીડિયો બનાવે છે. જામા મસ્જિદના પીઆરઓ સબીઉલ્લાહ ખાનનું કહેવું છે કે એકલી યુવતીના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ એક ધાર્મિક સ્થળ છે તેને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઇબાદત કરનાર પર કોઇ પ્રતિબંધ નથી. વિવાદ વધતા એલજી વીકે સક્સેનાએ જામા મસ્જિદના ઇમામ સાથે વાત કરી હતી. એલજીએ ઇમામને મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવાના આદેશને પરત લેવાની વિનંતી કરી હતી. ઇમામ બુખારીએ મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધના આદેશને રદ કરવાની સહમતિ વ્યક્ત કરી છે એ શરત સાથે કે જામા મસ્જિદ આવનાર લોકો તેના સન્માન અને પવિત્રતાને બનાવી રાખે.
પરિવાર સાથે આવવા પર કોઇ પ્રતિબંધ નહીં
જામા મસ્જિદના પીઆરઓ સબીઉલ્લાહ ખાને ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાતચીત દરમિયાન કહ્યું કે મહિલાઓની એન્ટ્રી પર રોક લગાવવામાં આવી નથી. જે એકલી યુવતી અહીં આવે છે, યુવકોને ટાઇમ આપે છે, અહીં આવીને ખોટી હરકતો કરે છે, વીડિયો બનાવવામાં આવે છે. ફક્ત આ બાબતોને રોકવા માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે તમે પરિવાર સાથે આવો કોઇ પ્રતિબંધ નથી, મેરિડ કપલ આવે કોઇ પ્રતિબંધ નથી. જોકે મસ્જિદને મિટિંગ પોઇન્ટ બનાવી લેવી, પાર્ક સમજી લેવો, ટિકટોક વીડિયો બનાવવા, ડાન્સ કરવો આ કોઇપણ ધાર્મિક સ્થળ પર યોગ્ય નથી. પછી તે મંદિર હોય, મસ્જિદ હોય કે ગુરુદ્વારા હોય.
ઇબાદત કરવા પર કોઇ પ્રતિબંધ નથી
પીઆરઓ સબીઉલ્લાહ ખાને કહ્યું કે કોઇપણ ધાર્મિક સ્થળના પ્રોટોકોલનું પાલન કરવું ઘણું જરૂરી છે. પ્રતિબંધ લગાવવાનો આ જ ઉદ્દેશ છે કે મસ્જિદ ઇબાદત માટે છે અને તેનો ઉપયોગ ફક્ત ઇબાદત માટે કરવામાં આવે. જો કોઇ અહીં આવીને ઇબાદત કરવા માંગે તો તેના પર કોઇ પ્રતિબંધ નથી. જોકે મસ્જિદનો ઉપયોગ ફક્ત મસ્જિદની જેમ થાય.
આ પણ વાંચો – ભારત જોડો યાત્રા: રાહુલ ગાંધીની યાત્રા રાજસ્થાનમાં ગુર્જર ફોલ્ટલાઇનમાં ચાલી શકે છે
મહિલા આયોગના અધ્યક્ષે ગણાવ્યો ખોટો નિર્ણય
દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલિવાલે જામા મસ્જિદમાં મહિલાઓની એન્ટ્રી પર પ્રતિબંધને ખોટો ગણાવ્યો છે. તેમણે કહ્યું કે જામા મસ્જિદના ઇમામને નોટિસ આપવા જઈ રહી છું. સ્વાતિ માલિવાલે ટ્વિટર પર લખ્યું કે જામા મસ્જિદમાં મહિલાઓની એન્ટ્રી રોકવાનો નિર્ણય બિલકુલ ખોટો છે. જેટલો હક એક પુરુષને ઇબાદતનો છે તેટલો જ હક એક મહિલાને પણ છે. હું જામા મસ્જિદના ઇમામને નોટિસ જાહેર કરીશ. આ રીતે મહિલાઓની એન્ટ્રી પ્રતિબંધ કરવાનો અધિકાર કોઇને નથી.
VHP પ્રવક્તાએ કર્યો વિરોધ
વિશ્વ હિન્દુ પરિષદના પ્રવક્તા વિનોદ બંસલે ટ્વિટ કર્યું કે ભારતને સીરિયા બનાવવાની માનસિકતા પાળનાર આ મુસ્લિમ કટ્ટરપંથી ઇરાનની ઘટનાઓથી બોધ લઇ રહ્યા નથી, આ ભારત છે. અહીંની સરકાર બેટી બચાવો, બેટી પઢાવો પર ભાર આપી રહી છે. યુવતીઓ એકલી ચાંદ પર જાય છે અને મુસ્લિમ કટ્ટરપંથી તેમને જામા મસ્જિદ સુધી જવામાં રોકી રહ્યા છે.