Diya Kumari Deputy CM Of Rajasthan: ભાજપે રાજસ્થાન માટે સીએમ અને ડેપ્યુટી સીએમના નામ પણ જાહેર કર્યા છે. રાજ પરિવાર સાથે જોડાયેલા વસુંધરા રાજે સિંધિયાને ગાદી મળી નથી. ભાજપે મુખ્યમંત્રી પદે ભજનલાલ શર્માની પસંદગી કરી છે, પરંતુ, બે નાયબ મુખ્યમંત્રીમાંથી એક રાજવી પરિવાર સાથે સંબંધ ધરાવે છે. દિયા કુમારી, જે જયપુર (અગાઉના આમેર) શાહી પરિવાર સાથે સંબંધ ધરાવે છે, તેમને રાજસ્થાનના નાયબ મુખ્ય પ્રધાન તરીકે જાહેર કરવામાં આવ્યા છે. તેમની સાથે પ્રેમ ચંદ બૈરવ પણ ડેપ્યુટી સીએમ હશે.
દિયા કુમારીના પરિવાર અને મુઘલ બાદશાહ અકબર સાથે શું સંબંધ છે?
દિયા કુમારી માત્ર જયપુરના રાજવી પરિવારની જ નથી, તેમના પરિવારના મુઘલો સાથે પણ સંબંધ છે. દિયા કુમારીના દાદા મહારાજા માન સિંહ દ્વિતીય જયપુર રજવાડાના છેલ્લા શાસક હતા. ભારતમાંથી અંગ્રેજોની વિદાય સાથે રજવાડા પણ અદૃશ્ય થઈ ગયા. આ પરિવારનો અંગ્રેજો સાથે જ નહીં પણ મુઘલો સાથે પણ ખાસ સંબંધ હતો. દિયા કુમારીના પૂર્વજ ‘માન સિંહ પ્રથમ’ મુઘલ સમ્રાટ અકબરના નવ રત્નો પૈકીના એક હતા.

વર્ષ 1562માં માનસિંહ પ્રથમ અકબરના દરબારમાં સામેલ થયા હતા. માન સિંહને આ તક લગ્નના કારણે મળી. હકીકતમાં અકબરે આમેરના રાજા બિહાર માલની સૌથી મોટી પુત્રી સાથે લગ્ન કર્યા હતા. અકબરની આ પત્નીએ માનસિંહ પ્રથમને દત્તક લીધા હતા. આવી રીતે માનસિંહ પ્રથમ મુઘલો સાથે જોડાયા હતા. પાછળથી તે અકબરને ખૂબ પ્રિય બની ગયા હતા. પાછળથી, માનસિંહના પરિવારના અન્ય મુઘલ શાસકો સાથે પણ સારા સંબંધો હતા.
રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં દિયા કુમારીને વિદ્યાધર નગરથી ટિકિટ આપવામાં આવતા સીટીંગ ધારાસભ્ય નરપત સિંહ રાજવી ખૂબ નારાજ થયા હતા. દિયા કુમારી પર સવાલ ઉઠાવતા રાજવીએ તેના પરિવારને મુઘલો સમક્ષ આત્મસમર્પણ કરનાર ગણાવ્યો હતો.
કોણ છે દિયા કુમારી?
પ્રિન્સેસ દિયા કુમારી ફાઉન્ડેશનની વેબસાઈટ અનુસાર, દિયા કુમારી સવાઈ ભવાની સિંહ અને મહારાણી પદ્મિની દેવીની એકમાત્ર સંતાન છે. સવાઈ ભવાની સિંહ જયપુર રજવાડાના છેલ્લા શાસક માન સિંહ દ્વિતીયના પુત્ર હતા.
દિયા કુમારીની માતા પદ્મિની દેવી પણ રાજવી પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તેઓ સિરમૌર (હવે હિમાચલ પ્રદેશનો ભાગ)ના મહારાજાની પુત્રી હતી. એટલે કે દિયા કુમારીના દાદા-દાદી પણ મહારાજા અને મહારાણી હતા.
દિયા કુમારીના પિતા સવાઈ ભવાની સિંહે 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં સેવા આપી હતી. તેઓ 10મી પેરાશૂટ રેજિમેન્ટના પેરા કમાન્ડોના લેફ્ટનન્ટ કર્નલ અને કમાન્ડિંગ ઓફિસર હતા. યુદ્ધ પછી તેમને મહાવીર ચક્રથી સમ્માનિત કરવામાં આવ્યા હતા.
દિયા કુમારી 2019માં રાજસમંદથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. પરંતુ, ભાજપે તેમને 2023માં રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં ઉતાર્યા છે અને તેમને વિદ્યાધર નગરથી ટિકિટ આપી છે. ભાજપે ત્રણ વખત ધારાસભ્ય નરપત સિંહ રાજવીની ટિકિટ રદ કરીને વિદ્યાધર નગરથી દિયા કુમારીને મેદાનમાં ઉતાર્યા હતા.
તાજમહેલનો દાવો કર્યો હતો
રાજસ્થાનના જયપુરના પૂર્વ શાહી પરિવારની સભ્ય દિયા કુમારીએ વર્ષ 2022માં દાવો કર્યો હતો કે તાજમહેલ તેમના પરિવારની જમીન પર બન્યો છે. પત્રકારો સાથે વાત કરતા કુમારીએ કહ્યું હતું કે જે જમીન પર તાજમહેલ બનેલો છે તે શાહી પરિવારનો મહેલ હતો અને તેને મુઘલ બાદશાહ શાહજહાંએ કબજે કર્યો હતો.
તેમણે કહ્યું હતું કે, “તે સમયે તેમની (મુઘલ) સરકાર હતી. આજે પણ જો કોઈ સરકાર તમારી પાસેથી જમીન લે છે, તો તે તમને વળતર આપે છે. મેં સાંભળ્યું છે કે તે સમયે કોઈ વળતર આપવામાં આવ્યું ન હતું. પરંતુ તે સમયે કોઈ કાયદો ન હતો જ્યાં તમે અપીલ કરી શકે છે. તાજમહેલની જમીન ચોક્કસપણે શાહી પરિવારની જમીન છે.”
આ પણ વાંચો | રાજસ્થાનમાં બે નાયબ મુખ્યમંત્રી, જાણો કોણ છે દિયા કુમારી અને પ્રેમ ચંદ બૈરવા, કેટલી સંપત્તિના માલિક છે?
અલ્હાબાદ હાઈકોર્ટમાં ચાલી રહેલા કેસનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે, “એ સારું છે કે કોઈએ અવાજ ઉઠાવ્યો અને અરજી દાખલ કરી. જો કોઈ દસ્તાવેજ અથવા કંઈપણની જરૂર પડશે, તો કોર્ટ આદેશ કરશે તો અમે દસ્તાવેજ આપીશું.”





