Dussehra accident : દશેરાના તહેવાર (Dussehra festival) નિમિત્તે દેશના વિવિધ રાજ્યોમાંથી આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. રાજસ્થાનમાં મૂર્તિ વિસર્જન દરમિયાન 6 લોકોના મોત થયા હતા, જ્યારે ફરીદાબાદમાં ગટર સાફ કરતી વખતે 4 લોકોના મોત થયા હતા, જ્યારે રાજધાની દિલ્હીમાં આગને કારણે હાહાકાર મચી ગયો હતો. જો કે આગ પર કાબુ મેળવવા માટે 30 ફાયર ટેન્ડર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
રાજસ્થાનના અજમેર જિલ્લામાં બુધવાર (5 ઓક્ટોબર, 2022)ના રોજ મૂર્તિ વિસર્જન દરમિયાન વરસાદી પાણીથી ભરેલી ગેરકાયદે ખાણમાં ડૂબી જવાથી છ લોકોના મોત થયા હતા. યુવકની શોધખોળ ચાલુ છે. ઘટના નસીરાબાદ સદર પોલીસ સ્ટેશન વિસ્તારના નાંદલા ગામની છે, જ્યાં યુવક મૂર્તિ વિસર્જન કરવા ગયો હતો. માહિતી મળતા જ પોલીસ દળની સાથે અજમેર કલેક્ટર અને એસપી પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.
6 મૃતદેહ મળી આવ્યા, 1ની શોધ ચાલુ
ઘટના અંગે માહિતી આપતા પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, વિસર્જન માટે ગયેલા યુવાનોને લાગ્યું કે ખાડો બહુ ઊંડો નથી અને તેઓ વિસર્જન કરવા માટે નીચે ઉતર્યા હતા પરંતુ ખાડો ઊંડો હતો, જેમાં તેઓ ડૂબી ગયા હતા. 6 મૃતદેહો મળી આવ્યા છે. એકની શોધ ચાલુ છે. મૃતદેહોને મોર્ચરીમાં રાખવામાં આવ્યા છે.
તમામ મૃતકોની ઉંમર 25-30 વર્ષની હતી
હરિયાણાના ફરીદાબાદમાં QRG હોસ્પિટલમાં સેપ્ટિક ટાંકીની સફાઈ કરી રહેલા ચાર સફાઈ કામદારોના ટેંકમાંથી નીકળતા ગેસને કારણે મોત થયા હતા. ફાયર બ્રિગેડની મદદથી તેમના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. તમામ મૃતકોની ઉંમર 25-30 વર્ષની હતી. ફરીદાબાદ પોલીસે ઘટનાની જાણકારી આપી હતી.
આ પણ વાંચો – વડોદરા અકસ્માત : કન્ટેનરની ટક્કરથી છકડાના ફૂરચે-ફૂરચા ઉડી ગયા, 10ના મોત, 4 ઈજાગ્રસ્ત
30 ફાયર ટેન્ડર સ્થળ પર, કોઈ જાનહાનિના અહેવાલ નથી
તો, રાજધાની દિલ્હીના ગાંધી નગર ટેક્સટાઇલ માર્કેટમાં એક દુકાનમાં આગ લાગી હતી. 30 ફાયર ફાઈટર ઘટનાસ્થળે આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ફાયર બ્રિગેડના અધિકારીઓના જણાવ્યા અનુસાર હજુ સુધી કોઈ જાનહાની થઈ નથી. ઘટનાસ્થળે નજીક પાણીનો પુરવઠો ન હોવાથી ફાયર ફાયટરોને આગ ઓલવવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. કાપડ માર્કેટની ગલી સાંકડી હોવાને કારણે ફાયર એન્જિનને દૂર પાર્ક કરવું પડે છે.