ED Attacked : પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમ પર શુક્રવારે સવારે થયેલા હુમલા અંગે રાજ્યના રાજ્યપાલ સીવી આનંદ બોસે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે આ એક ભયંકર ઘટના છે. ચિંતાજનક અને નિંદનીય છે. લોકશાહીમાં બર્બરતા અને હુમલાને રોકવા એ એક સભ્ય સરકારની ફરજ છે. જો કોઈ સરકાર તેની મૂળભૂત ફરજમાં નિષ્ફળ જશે તો ભારતનું બંધારણ તેનો માર્ગ અપનાવશે. હું મારા તમામ બંધારણીય વિકલ્પોને કાર્યવાહી માટે સુરક્ષિત રાખું છું. આ ચૂંટણી પહેલા હિંસા ઝડપથી સમાપ્ત થવી જોઈએ, અને આ તે અંતની શરૂઆત છે.
TMCએ કહ્યું- ઉશ્કેરણીનું પરિણામ; ભાજપે કહ્યું- બંગાળમાં લોકશાહી નિષ્ફળ ગઈ
આ ઘટનાને લઈને રાજકીય ગરમાવો પણ શરૂ થઈ ગયો છે. ટીએમસીનું કહેવું છે કે કેન્દ્રની ભાજપ સરકાર એજન્સીઓ દ્વારા તેમના ઘરો પર દરોડા પાડીને વિરોધ પક્ષોના નેતાઓને ડરાવવા અને ધમકાવવા માંગે છે. સંદેશખાલીની ઘટના પણ ઉશ્કેરણીનું પરિણામ છે. બીજી તરફ ભાજપનું કહેવું છે કે રાજ્યની મમતા સરકાર કાયદો અને વ્યવસ્થાને કાબૂમાં રાખવામાં સક્ષમ નથી અને અરાજકતા ચરમસીમાએ છે. જેના કારણે ત્યાં લોકશાહી નિષ્ફળ ગઈ છે.
રાશન કૌભાંડને લઈને ટીએમસી નેતા શાહજહાં શેખના ઠેકાણા પર દરોડા પાડવા માટે ઈડીની ટીમ રાજ્યના 24 પરગણા જિલ્લામાં પહોંચી હતી. આ દરમિયાન 250થી વધુ લોકોએ ટીમને ઘેરી લીધી અને તેના પર હુમલો કર્યો હતો.
કુણાલ ઘોષે કહ્યું- એજન્સીઓ ભાજપના નિર્દેશ પર ઉશ્કેરણી કરી રહી છે
TMC નેતા કુણાલ ઘોષે કહ્યું કે સંદેશખાલીમાં જે પણ થયું તે ઉશ્કેરણીનું પરિણામ હતું. ભાજપના નિર્દેશ પર પશ્ચિમ બંગાળમાં કેન્દ્રીય એજન્સીઓ એક યા બીજા ટીએમસી નેતાને હેરાન કરવાનો, નકારાત્મક સમાચાર ફેલાવવાનો અને લોકોને ઉશ્કેરવા માટે તેમના ઘરે જઇ રહી છે. કુણાલ ઘોષે કહ્યું કે અમને આવી માહિતી મળી રહી છે ભાજપે સુવેન્દુ અધિકારીને ચોર કહ્યા હતા પરંતુ તેમના ઘરે કોઈ દરોડા પાડવામાં આવ્યા ન હતા. તેઓએ માત્ર TMC નેતાઓના ઘર પર દરોડા પાડ્યા હતા.
આ પણ વાંચો – લોકસભા ચૂંટણી માટે 11 વિશેષ કાર્યક્રમો પર ભાજપનું ફોકસ, 70 દિવસ સુધી ચાલશે વ્યાપક પ્રચાર
ભાજપ અધ્યક્ષે કહ્યું- મમતા બેનર્જી સરકારમાં આવું થતું રહેશે
TMC પર પ્રહાર કરતા ભાજપના પ્રદેશ પ્રમુખ સુકાંત મજુમદારે કહ્યું કે આજે સંદેશખાલીમાં જે રીતે ED પર હુમલો કરવામાં આવ્યો તે દર્શાવે છે કે રોહિંગ્યાઓ બંગાળમાં ઘૂસીને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા માટે શું કરી રહ્યા છે. આ ફક્ત ED સાથે જ નહીં આવનાર સમયમાં આવું બંગાળીઓ સાથે પણ થશે. જો આ સરકાર સત્તામાં હશે, તો આવું થતું રહેશે.
બીજી તરફ કેન્દ્રીય મંત્રી નિસિથ પ્રામાણિકે કહ્યું કે સંદેશખાલીમાં જે બન્યું તેની હું સખત નિંદા કરું છું. આ માત્ર કેન્દ્રીય એજન્સી EDની ટીમ પર હુમલો નથી, પરંતુ સમગ્ર બંધારણ પર હુમલો છે. આવી ઘટનાઓ પશ્ચિમ બંગાળમાં સતત થઈ રહી છે. અમે તપાસ કરીશું કે આવું શા માટે થઈ રહ્યું છે. જ્યારે કોઈ રાજ્યમાં આવી ઘટનાઓ વારંવાર બને છે, ત્યારે તે દર્શાવે છે કે રાજ્ય સરકાર કાયદો અને વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ રહી છે.
ભાજપના સાંસદ જગન્નાથ સરકારે પણ રાજ્ય સરકારને ભીંસમાં લીધી હતી. તેમણે કહ્યું કે પશ્ચિમ બંગાળમાં લોકશાહી વારંવાર નિષ્ફળ થઈ રહી છે, જેના કારણે EDની ટીમ પર હુમલો કરવામાં આવ્યો. દેશ વિરુદ્ધ કામ કરી રહેલા સંગઠનો મજબૂત થઈ રહ્યા છે. દરરોજ બૉમ્બ, પિસ્તોલ વગેરે મળી રહ્યા છે. પરંતુ કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી રહી નથી. તેથી સરકારને હટાવવા અને રાજ્યમાં કટોકટી જાહેર કરવી મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે એક વખત આવું થઈ જવા પર બધું સુધરી જશે અને કોઈ ED ટીમ પર હુમલો કરવાની હિંમત કરશે નહીં.