Uddhav Thackeray vs Eknath Shinde : ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે જૂથ દ્વારા શિવસેના પર માલિકી હક અંગેના વિવાદને પગલે ચૂંટણીપંચે ‘શિવસેના’ નામ અને તેના ‘ધનૂષબાણ’ પ્રતિકના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો હતો.
મહારાષ્ટ્રમાં શિવસેનાના બે જૂથો વચ્ચે ચાલી રહેલ વિવાદનો નિર્ણય લેતા ચૂંટણી પંચે ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે – બંને જૂથો અલગ-અલગ નામ અને ચિહ્ન ચિહ્નનોની ફાળવણી કરી છે. જેમાં આજે મંગળવારે ચૂંટણી પંચે એકનાથ શિંદેની આગેવાની હેઠળના સત્તાધારી શિવસેના જૂથને નવું ચૂંટણી ચિહ્ન ‘બે તલવાર અને ઢાલ’ ફાળવ્યુ છે.
નોંધનિય છે કે, ગઇકાલે સોમવારે ચૂંટણીપંચે મહારાષ્ટ્રના રાજકીય પક્ષ શિવસેનાના બે હરીફ જૂથોને નવા નામ ફાળવ્યા હતા. જેમાં ચૂંટણીપંચે ઉદ્ધવ ઠાકરેના જૂથને ‘ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે’ (Uddhav Balasaheb Thackeray) અને એકનાથ શિદેના જૂથને ‘બાલાસાહેબચી શિવસેના’ (Balasahebchi Shiv Sena) નામ ફાળવ્યુ છે. આ ઉપરાંત ઉદ્ધવ ઠાકરેના જૂથના માટે ચૂંટણી ચિહ્ન તરીકે ‘મશાલ’ (Mashaal)નું પ્રતિક પણ ફાળવ્યુ હતું.
આ પણ વાંચોઃ- ચૂંટણીપચે ઠાકરે અને શિંદે જૂથને નવા નામ ફાળવ્યા – ઉદ્ધવને મળી ‘મશાલ’
જો કે સોમવારે એકનાથ શિંદેના જૂથને કોઇ ચૂંટણી ચિહ્નની ફાળવણી કરવામાં આવી નથી કારણ કે તેમણે જે ચિહ્નની પસંદગી કરી હતી તે ચૂંટણીપંચની મફત પ્રતિકની યાદીમાં ન હતું. જો કે એવું મનાય છે કે ધાર્મિંક કારણોસર એકનાથ શિંદેના જૂથે પસંદ કરેલા ચૂંટણી ચિહ્નની ફાળવણી કરાઇ ન હતી. શિંદે જૂથે ગદા, ઉગતા સૂર્ય અને ત્રિશૂલનું પ્રતિકની પસંદગી કરી હતી. ચૂંટણીપંચે શિંદે જૂથને મંગળવારે નવા ચૂંટણી ચિહ્નોનો પ્રસ્તાવ રજૂ કરવા જણાવ્યુ હતુ.
‘શિવસેના’ નામ અને ‘ધનૂષબાણ’ ચિહ્નના ઉપયોગ પર પ્રતિબંધ
ઉલ્લેખનિય છે કે, ગત સપ્તાહે ચૂંટણી પંચે ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે બંને જૂથો દ્વારા ‘શિવસેના’ નામ અે જૂના ચૂંટણી ચિન્હ ‘ધનુષબાર’નો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો