રાહુલ ગાંધીએ કહ્યું – ઈલેક્ટોરલ બોન્ડ મોદી સરકારની ભ્રષ્ટ નીતિઓનો વધુ એક પુરાવો

Electoral Bond Scheme : સુપ્રીમ કોર્ટે ઈલેક્ટોરલ બોન્ડ પર પ્રતિબંધ લગાવી દીધો. વિરોધ પક્ષોએ સુપ્રીમ કોર્ટના નિર્ણયને આવકાર્યો છે અને ભાજપ પર પ્રહારો કર્યા છે

Written by Ashish Goyal
February 15, 2024 18:08 IST
રાહુલ ગાંધીએ કહ્યું – ઈલેક્ટોરલ બોન્ડ મોદી સરકારની ભ્રષ્ટ નીતિઓનો વધુ એક પુરાવો
ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન રાહુલ ગાંધી (YouTube/Screengrab)

Electoral Bond Scheme : સુપ્રીમ કોર્ટે આજે ઈલેક્ટોરલ બોન્ડ પર પ્રતિબંધ લગાવી દીધો છે. કોર્ટે કહ્યું કે ઈલેક્ટોરલ બોન્ડ માહિતીના અધિકારનું ઉલ્લંઘન છે. કોર્ટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)ને 2019થી લઇને ચૂંટણી બોન્ડ સાથે જોડાયેલી તમામ જાણકારી ત્રણ સપ્તાહની અંદર ચૂંટણી પંચને આપવા માટે આદેશ આપ્યો છે. આ સાથે જ ચૂંટણી પંચે આ તમામ જાણકારી પોતાની વેબસાઈટ પર પબ્લિશ કરવી પડશે. વિરોધ પક્ષોએ સુપ્રીમ કોર્ટના નિર્ણયને આવકાર્યો છે અને ભાજપ પર પ્રહારો કર્યા છે.

રાજ્યસભાના સાંસદ કપિલ સિબ્બલે કહ્યું કે આ સમગ્ર આયોજન અરુણ જેટલીના મગજની ઉપજ છે. આ યોજના માત્ર ભાજપને લાભ આપવા માટે લાવવામાં આવી હતી. તેમણે કહ્યું કે ભાજપ સત્તામાં છે અને તેને ચૂંટણી બોન્ડથી સૌથી વધુ ફાયદો તેમને જ થશે. આ ફક્ત ઉદ્યોગ અને ભાજપ વચ્ચેનો સંબંધ છે. આ કારણે પાર્ટીને સૌથી વધુ ફંડ મળ્યું હતું.

છેલ્લા કેટલાક વર્ષોમાં ભાજપને લગભગ 5 થી 6 હજાર કરોડ રૂપિયાનું દાન મળ્યું છે. સિમ્બલ કહ્યું કે જો તમારી પાસે આટલી મોટી રકમનું ભંડોળ છે, તો તમે તમારી પાર્ટીને ખૂબ મજબૂત કરી શકો છો. આરએસએસનું માળખું મજબૂત કરી શકીએ છીએ.

ઈલેક્ટોરલ બોન્ડ – કોંગ્રેસ અધ્યક્ષે આ નિર્ણયને આવકાર્યો

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આ નિર્ણયને આવકાર્યો છે. તેમણે કહ્યું કે કોર્ટે મોદી સરકારની આ કાળા નાણાં રૂપાંતર યોજનાને ગેરબંધારણીય ગણાવીને રદ કરી છે. અમને ખબર છે કે કેવી રીતે મોદી સરકાર, પીએમઓ અને નાણાં મંત્રાલયે ભાજપની તિજોરી ભરવા માટે સંસ્થા આરબીઆઈ, ચૂંટણી પંચ, સંસદ અને વિપક્ષ પર બુલડોઝર ચલાવ્યું હતું.

આ પણ વાંચો – ચૂંટણી બોન્ડ પર સુપ્રીમ કોર્ટે મૂક્યો પ્રતિબંધ, લોકસભા ચૂંટણી પહેલા બંધારણીય બેંચનો મહત્ત્વનો નિર્ણય

કોંગ્રેસ અધ્યક્ષ આગળ કહ્યું કે આ યોજના હેઠળ ભાજપને 95 ટકા દાન મળ્યું તેમાં કોઈ નવાઈ નથી. તેમણે કહ્યું કે અમને આશા છે કે મોદી સરકાર ભવિષ્યમાં આવા વિચારોનો સહારો લેવાથી દૂર રહેશે અને સુપ્રીમ કોર્ટની વાત સાંભળશે. જેથી લોકશાહી, પારદર્શિતા અને સમાન તક જાળવી શકાય.

નરેન્દ્ર મોદીની ભ્રષ્ટ નીતિઓનો વધુ એક પુરાવોઃ રાહુલ ગાંધી

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડથી સાંસદ રાહુલ ગાંધીએ ચૂંટણી ઈલેક્ટોરલ બોન્ડ યોજનાને લઈને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરીને ભાજપ પર પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદીની ભ્રષ્ટ નીતિઓનો વધુ એક પુરાવો તમારી સામે છે. ભાજપે ચૂંટણી બોન્ડને લાંચ અને કમિશન લેવાનું માધ્યમ બનાવ્યું હતું. આજે આ મામલે મહોર મારવામાં આવી છે.

સીતારામ યેચુરીએ કહ્યું – અમારી પાર્ટીએ ઈલેક્ટોરલ બોન્ડ સ્વીકાર્યા નથી

ઇલેક્ટોરલ બોન્ડ યોજના અંગે સુપ્રીમ કોર્ટના નિર્ણય અંગે સીપીઆઇ(એમ)ના મહાસચિવ સીતારામ યેચુરીએ જણાવ્યું હતું કે સીપીએમ એકમાત્ર અરજદાર છે જેને ઇલેક્ટોરલ બોન્ડ સામે દલીલ કરવાનો અધિકાર છે. અમે એકમાત્ર એવો પક્ષ છીએ કે જેણે ચૂંટણી બોન્ડનો સ્વીકાર કર્યો નથી. અમે ચૂંટણી બોન્ડને રાજકીય ભ્રષ્ટાચારનું કાયદેસરકરણ માનીએ છીએ.

લોકોને રાજકીય પક્ષોને મળતા દાન વિશે જાણવાનો અધિકાર છે – પવન ખેડા

કોંગ્રેસ પાર્ટીના નેતા પવન ખેડાએ કહ્યું કે સુપ્રીમ કોર્ટનો નિર્ણય અંધારામાં પ્રકાશના કિરણ સમાન છે. કોંગ્રેસ પાર્ટી શરૂઆતથી જ ચૂંટણી ઈલેક્ટોરલ બોન્ડ યોજનાની વિરુદ્ધમાં છે. લોકોને રાજકીય પક્ષોને મળતા દાન વિશે જાણવાનો અધિકાર છે. ખેડાએ કહ્યું કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અત્યાર સુધીના ઇલેક્ટોરલ બોન્ડની જાણકારી સાર્વજનિક કરે. ચૂંટણી બોન્ડનું 95 ટકા દાન ભાજપને મળ્યું છે. કોંગ્રેસને ડર છે કે સરકાર સુપ્રીમ કોર્ટના નિર્ણયને પલટાવવા માટે કોઈ અધ્યાદેશ ના લાવી દે. આજે સ્પષ્ટ થઈ ગયું છે કે આ પીએમ દ્વારા કરવામાં આવેલો ભ્રષ્ટાચાર છે.

સુપ્રીમ કોર્ટે નિર્ણયમાં શું કહ્યું

ચૂંટણી વર્ષમાં સુપ્રીમ કોર્ટનો ચૂંટણી બોન્ડ યોજનાને ગેરબંધારણીય જાહેર કરવાનો નિર્ણય કેન્દ્ર સરકાર માટે મોટો ઝટકો છે. આ અંગે કોર્ટે કહ્યું હતું કે કાળા નાણાંને રોકવા માટે માહિતીના અધિકારનું ઉલ્લંઘન કરવું યોગ્ય નથી. ઇલેક્ટોરલ બોન્ડ યોજના માહિતીના અધિકાર અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનું ઉલ્લંઘન કરે છે. રાજકીય પક્ષો માટે નાણાં અંગેની માહિતી જાહેર ન કરવી તે કાયદાની વિરુદ્ધ છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ