દિલ્હીમાં ફરી ખેડૂતોની વિશાળ રેલી યોજાઇ હતી જેમાં તેમાં 55,000થી વધારે ખેડૂતોએ રામલીલા મેદાનમાં વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. આ રેલી અને વિરોધ પ્રદર્શન ભારતીય કિસાન સંઘની આગેવાની હેઠળ થઇ રહ્યુ છે. આ ખેડૂતો મુખ્યત્વે બે માંગણીઓને લઈને વિરોધ કરી રહ્યા છે. ખેડૂતોએ ખેતીવાડીમાં વપરાતી ચીજવસ્તુઓ પરથી GST નાબૂદ કરવા અને પીએમ કિસાન સન્માન નિધિની રકમ અને કૃષિ પાકોના ટેકાના ભાવમાં વધારો કરવાની માંગણી કરી છે.
ખેડૂતોની 3 મુખ્ય માંગણીઓ
ભારતીય કિસાન સંઘ (Bharatiya Kisan Sangh), રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (Rashtriya Swayamsevak Sangh/RSS) હેઠળના જૂથ સાથે જોડાયેલા હજારો ખેડૂતોએ સોમવારે સવારે દિલ્હીના રામલીલા મેદાનમાં એક વિશાળ રેલી યોજી હતી.
આ રેલીમાં ખેડૂતોએ કૃષિ કાયદાઓ અને નીતિઓ સામે વિરોધ દર્શાવ્યો હતો અને ઘઉં અને કઠોળ પર લઘુત્તમ ટેકાના ભાવની માંગણી તેમજ કૃષિ પ્રવૃત્તિઓ અને સંશાધનો પર GST નાબૂદ કરવાની માંગણી કરી હતી. જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો દિલ્હી સહિત અન્ય રાજ્યોમાં “ચક્કા જામ” ની ચેતવણી પણ આપી છે.
ભારતીય કિસાન સંઘ (BKS) એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “ખેડૂતો કૃષિ સંશાધનો પર GST નાબૂદ કરવાની માંગ કરી રહ્યા છે કારણ કે તેઓને તેમના ઉત્પાદનો માટે ઇનપુટ ક્રેડિટ મળતી નથી. ઉપરાંત કૃષિ સંશાધનો ફુગાવો વધે તેટલા પ્રમાણમાં કિસાન સન્માન નિધિની રકમ વધારવાની માંગણી કરી છે.
ખેડૂતોને મળ્યો વિપક્ષનો સાથ
ખેડૂતોના વિરોધ પ્રદર્શનને વિપક્ષો પણ સમર્થન આપી રહ્યા છે. કોંગ્રેસના મહાસચિવ અને સાંસદ કેસી વેણુગોપાલે કહ્યું કે, ભારત સરકાર ખેડૂતોની સમસ્યાઓ અને પ્રશ્નો પર ધ્યાન આપે તે બહું જ જરૂરી છે નહીંત્તર તેમમે ખેડૂતોના વધુ એક વિરોધનો સામનો કરવો પડશે.
BKSના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ રાઘવેન્દ્ર પટેલે સમાચાર એજન્સી ANIને જણાવ્યું હતું કે, “છેલ્લા 4 મહિનામાં લગભગ 20,000 કિમી ફૂટ માર્ચ, 13,000 કિમી સાઇકલ રેલી અને 18,000 રોડ મીટિંગ્સ યોજાઈ હતી. મધ્ય ભારતના દક્ષિણ રાજ્ય તેલંગાણા અને મધ્ય પ્રદેશમાં મોટી સભાઓ યોજાઇ છે. ભારતીય કિસાન સંઘ દ્વારા દેશભરમાં સભાઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના પરિણામ સ્વરૂપ આજે દિલ્હીના રામલીલા મેદાનમાં આ વિશાળ રેલીનું આયોજન થઇ શક્યું છે.”
ખેડૂતોએ જણાવ્યુ કે, અમે વર્તમાન પરિસ્થિતિથી ખુશ નથી. સરકાર કૃષિ પાકોના લઘુત્તમ ટેકાના ભાવ નક્કી કરે છે પરંતુ શું તેઓ તપાસ કરવા જાય છે કે કૃષિ માર્કેટયાર્ડોમાં ખરેખર શું થાય છે? અમને જણાવવામાં આવ્યું હતું કે, અમારા ઘઉં 2,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે વેચાશે, પરંતુ વચેટિયાઓ ઘઉંને 1,500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે વેચાય તેવું ઇચ્છતા હોય છે. તે અમારી માટે કેવી રીતે વાજબી છે? સરકારે આવી બાબતોમાં હસ્તક્ષેપ કરવો જોઈએ, કારણ કે આવી ઘટનાઓ દરરોજ બને છે.