farmers Announced Bharat Bandh : ખેડૂતો સરકાર સાથે લડી લેવાના મૂડમાં છે. પોતાની માંગણીઓ સાથે દિલ્હી કૂચ કરવાની તૈયારી કરી રહેલા ખેડૂતોએ 16 ફેબ્રુઆરીએ ભારત બંધનું એલાન કર્યું હતું. સરકારે તેમને 12 ફેબ્રુઆરીએ ચંડીગઢમાં વાતચીત માટે આમંત્રણ આપ્યા બાદ આ ઘોષણા કરવામાં આવી છે. તમામ ખેડૂત સંગઠનોએ ભારત બંધમાં ભાગ લેવાનો નિર્ણય કર્યો છે.
સંયુક્ત કિસાન મોરચા દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે ખેડૂતોના આ બંધના એલાનને મજૂર સંગઠનોએ પણ સમર્થન આપ્યું છે. ખેડૂતોએ કહ્યું છે કે બંધ દરમિયાન તમામ હાઈવે 4 કલાક માટે બ્લોક કરવામાં આવશે.

એમએસપીની ગેરંટી, દેવા માફી માટે 13 ફેબ્રુઆરીએ દિલ્હી ચલો કૂચ કરશે ખેડૂત
ખેડૂતોની મુખ્ય માંગણીઓમાં પાક પર લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી)ની ગેરંટી અને લોન માફી જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે. આ અંગે ખેડૂત સંગઠનો 13 ફેબ્રુઆરીએ ‘દિલ્હી ચલો માર્ચ’ની જાહેરાત કરી ચૂક્યા છે. જો કે કેન્દ્ર સરકારે 12 ફેબ્રુઆરી, 2024ને શનિવારે ખેડૂતોની માંગણીઓ અને તેમના મુદ્દાઓને લઈને વાટાઘાટોનું આમંત્રણ આપ્યું છે, પરંતુ ખેડૂતો આરપારની લડાઇ લડવાના મૂડમાં છે. સરકાર અને ખેડૂતો વચ્ચે એક તબક્કાની મંત્રણા થઇ ચૂકી છે.
કેન્દ્રીય કૃષિ મંત્રી અર્જુન મુંડા, ખાદ્ય અને નાગરિક પુરવઠા મંત્રી પીયૂષ ગોયલ અને ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાય સહિત ત્રણ સભ્યોની કેન્દ્રીય ટીમ આ બેઠકમાં ભાગ લેશે. આ મંત્રણા મહાત્મા ગાંધી સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન, ચંડીગઢ ખાતે યોજાવાની છે.
હરિયાણાના ઘણા શહેરોમાં ઇન્ટરનેટ બંધ, સરહદો બંધ
13 ફેબ્રુઆરીએ ખેડૂતોની ‘દિલ્હી ચલો માર્ચ’ને ધ્યાનમાં રાખીને દિલ્હી પહોંચતા પંજાબ, હરિયાણા અને યુપીની સરહદો પર સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. અફવાઓથી બચવા માટે હરિયાણાના ઘણા શહેરોમાં સરહદો સીલ કરી દેવામાં આવી છે અને ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે. દરમિયાન, સરકાર ખેડૂતોને તેમનું આંદોલન પાછું ખેંચવા માટે સમજાવવાનો પ્રયાસ કરી રહી છે. સરકારે ખેડૂતોને વાટાઘાટો દ્વારા રસ્તો કાઢવાની અપીલ કરી છે.
દિલ્હીમાં ખેડૂતોએ તેમના પાક અને અન્ય ઘણી માંગણીઓ માટે લઘુત્તમ ટેકાના ભાવ (MSP)ને લઈને ફરી એકવાર આંદોલનનું વલણ અપનાવ્યું હોવાથી સરકાર સતર્ક થઈ ગઈ છે. ખેડૂત સંગઠનોએ ‘દિલ્હી ચલો માર્ચ’ અભિયાન હેઠળ 13 ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય રાજધાનીમાં ખેડૂતોને ભેગા થવાનું આહ્વાન કર્યું છે. તેમાં યુપી, પંજાબ, હરિયાણા અને દિલ્હી સહિત ઘણા રાજ્યોના ખેડૂત સંગઠનો સામેલ છે. ખેડૂતોની દિલ્હી ચલો માર્ચને ધ્યાનમાં રાખીને રાજધાનીના ગાઝીપુર બોર્ડર પર બેરિકેડિંગ કરવામાં આવ્યું છે.
હરિયાણાના પંચકુલામાં કલમ 144 લાગુ
હરિયાણાના પંચકુલામાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. પંચકુલા ડીસીપી સુમેરસિંહ પ્રતાપે ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે, પગપાળા કે ટ્રેક્ટર ટ્રોલી અને અન્ય વાહનોની સાતે સરધસ, પ્રદર્શન, કૂચ અને કોઇ પણ પ્રકારની લાકડી, રોડ કે હથિયાર લઇ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આ પણ વાંચો | હરિયાણાના 7 જિલ્લામાં ઇન્ટરનેટ બંધ, 13 ફેબ્રુઆરીએ ખેડૂતો દિલ્હી કૂચ કરશે, મંત્રણ કરવા સરકારનું આમંત્રણ
અનેક રસ્તાઓ પર કાંટાળા તાર લગાવવામાં આવ્યા
ખેડૂતોને દિલ્હીમાં આવતા રોકવા માટે પંજાબ અને હરિયાણા વચ્ચેની શંભુ સરહદને સિમેન્ટના બેરિકેડ અને કાંટાળા તાર લગાવીને બંધ કરી દેવામાં આવી છે. હરિયાણા પોલીસે રસ્તાને મોટા પથ્થરો અને બેરિકેડથી સીલ કરી દીધા છે. ઘગ્ગર નદી પરના પુલ પર પણ વાહનવ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. ખેડૂતોના ટ્રેક્ટરને રોકવા માટે જમીનને ખોદી દેવામાં આવી છે.