પંજાબથી દિલ્હી તરફ પોતાની માંગણીઓ સાથે કૂચ કરી રહેલા ખેડૂતો શંભુ બોર્ડર પર હરિયાણા પ્રશાસન સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. હરિયાણા સરકાર ખેડૂતોને રોકવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. આ દરમિયાન હરિયાણાના મનોહર લાલ ખટ્ટરના પ્રશાસને ખેડૂતો વિરુદ્ધ રાષ્ટ્રીય સુરક્ષા કાયદો લાગુ કર્યો હતો પરંતુ ખાસ વાત એ છે કે, તેમણે આ નિર્ણય થોડા કલાકોમાં પાછો ખેંચી લીધો હતો. આને એક મોટા પગલા તરીકે જોવામાં આવી રહ્યું છે પરંતુ સવાલ એ છે કે, ખટ્ટર સરકારે પોતાનો નિર્ણય કેમ પાછો ખેંચ્યો.
આ મામલે પોલીસે કહ્યું કે, અમે NSA લગાવી નથી, અમે બસ તેની પ્રક્રિયા શરૂ કરી છે. અંબાલા પોલીસ ઇન્સ્પેક્ટર જનરલ સિબાશ કબીરાજે કહ્યું છે કે, ખેડૂત નેતાઓ સામે લાદવામાં આવેલા NSA કાયદા પર પુનર્વિચાર કરવામાં આવ્યો હતો અને પછી તેને પાછો ખેંચી લેવામાં આવ્યો હતો. આ મામલે એક સરકારી અધિકારીએ કહ્યું કે, ખેડૂત નેતાઓ સામે NSA લાદવો તેમના માટે મુશ્કેલી બની શકે છે. અધિકારીએ કહ્યું કે, નુકસાનને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
તમને જણાવી દઈએ કે, પંજાબના એક 22 વર્ષીય યુવા આંદોલનકારી ખેડૂતના મોત બાદ ખેડૂત નેતાઓ પર NSA લાદવામાં આવ્યો હતો પરંતુ, તે પછી નિર્ણય પલટી દેવામાં આવ્યો હતો. ભારતીય કિસાન યુનિયનના ચઢુની ગ્રુપના રાકેશ બેન્સે આને સરમુખત્યારશાહી ગણાવ્યું હતુ. બેન્સે કહ્યું કે, સરકાર ખેડૂતોને દરેક કિંમતે રોકવા માંગે છે. એવું માનવામાં આવે છે કે, લોકસભા ચૂંટણી પહેલા હરિયાણા સરકાર એવું કોઈ પગલું ભરવા માંગતી નથી, જેનાથી આંદોલનકારી ખેડૂતો વધુ નારાજ થાય. જો કે, સરકાર પણ હરિયાણામાં ખેડૂતોનો મોટો જમાવડો ઇચ્છતી નથી, નહીં તો હરિયાણામાં પણ ખેડૂતોનું આંદોલન ઊભું થઈ શકે છે.
2020-21 માં ત્રણ વિવાદાસ્પદ કેન્દ્રીય કૃષિ કાયદાઓ સામે ખેડૂતોના આંદોલન દરમિયાન, વિરોધીઓએ ભાજપ અને તેના સહયોગી, ડેપ્યુટી સીએમ દુષ્યંત ચૌટાલાની આગેવાની હેઠળના જનનાયક જનતા પાર્ટી (જેજેપી) ના નેતાઓને હરિયાણાના કેટલાક ગામોમાં પ્રવેશતા અટકાવ્યા હતા. આવી સ્થિતિમાં, મહાગઠબંધન નથી ઈચ્છતું કે, લોકસભાની ચૂંટણી પહેલા ફરી આવી જ સ્થિતિ ઉભી થાય. આ સિવાય લોકસભા ચૂંટણી બાદ હરિયાણા વિધાનસભાની ચૂંટણી પણ ઓક્ટોબરમાં યોજાવાની છે, આવી સ્થિતિમાં ખટ્ટર સરકાર કોઈ જોખમ લેવા માંગતી નથી.
આ પણ વાંચો – પેપર લીક નહીં થાય, કોણ આપશે ગેરંટી? કરોડો યુવાનોનું ભવિષ્ય લાગ્યું દાવ પર
2021 દરમિયાન ખેડૂતોના આંદોલનને સમર્થન આપતી પાર્ટીઓને પંજાબમાં ઘણો ફાયદો મળ્યો અને તેથી જ આ વખતે પણ તમામ વિપક્ષી પાર્ટીઓ ખેડૂતોની સાથે જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં ખટ્ટર સરકાર એનએસએના આ મુદ્દાને વધુ હવા આપીને પોતાના માટે મુશ્કેલી ઊભી કરવા માંગતી નથી. બીજી તરફ ભાજપ વિરોધી કોંગ્રેસ અને AAP ખટ્ટર સરકારથી નારાજ છે. ભાજપ લોકસભા ચૂંટણી પહેલા આ પક્ષોને સંજીવની આપવાના મૂડમાં નથી, જેના કારણે તેઓએ વિચાર્યા વિના પહેલા ખેડૂતો પર NSA લાદ્યો અને પછી થોડા જ સમયમાં તેને પાછો ખેંચી લીધો.





