આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી એન કિરણ કુમાર રેડ્ડીએ રવિવારે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. સૂત્રોએ જણાવ્યું કે ચિત્તુર જિલ્લાથી ચાર વખત ધારાસભ્ય રહેલા કિરણ કુમાર આવનાર દિવસોમાં ભાજપમાં સામેલ થાય તેવી સંભાવના છે. સૂત્રોના મતે કિરણ કુમારને રાજ્ય કે રાષ્ટ્રીય સ્તર પર પાર્ટીમાં મહત્વનું પદ આપવાની સંભાવના છે.
દાવો કરવામાં આવી રહ્યો છે કે છેલ્લા કેટલાક સમયમાં કોંગ્રેસમાં થઇ રહેલી ઉપેક્ષાથી નારાજ હતા. આ કારણે તેમણે આ નિર્ણય કર્યો છે. 11 માર્ચે કોંગ્રેસના અધ્યક્ષને મોકલાવેલા પોતાના પત્રમાં કહ્યું કે આ પત્રના માધ્યમથી તેમનું કોંગ્રેસ પાર્ટીની પ્રાથમિક સદસ્યતાથી રાજીનામું સ્વીકાર કરવામાં આવે. જોકે આ પત્રમાં તેમણે કોઇ કારણનો ઉલ્લેખ કર્યો નથી.
કિરણ રેડ્ડી ભાજપમાં સામેલ થાય તેવી સંભાવના
કિરણ કુમાર રેડ્ડીના પાર્ટીમાં સામેલ થવાની સંભાવના પર રાજ્યના ભાજપ પ્રમુખ સોમુ વીરરાજુએ કહ્યું કે તે કોઇપણ નેતાનું સ્વાગત કરશે જે પાર્ટીમાં સામેલ થવાનો રસ દેખાડે છે. વીરરાજુએ કહ્યું કે કિરણ કુમારના સામેલ થવાથી નિશ્ચિત રુપથી રાજ્યમાં પાર્ટી મજબૂત થશે. તેમણે કહ્યું કે પૂર્વ મુખ્યમંત્રી એક સક્રિય રાજનેતા છે.
આ પણ વાંચો – કર્ણાટકમાં પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું- તે મારી કબર ખોદવાના સપના જોવે છે, હું ગરીબોનું જીવન આસાન બનાવવામાં વ્યસ્ત
રેડ્ડીએ 1989માં રાજનીતિક ઇનિંગ્સની શરૂઆત કરી, 2010માં મુખ્યમંત્રી બન્યા
કિરણ કુમારે 1989માં પોતાની રાજનીતિની શરૂઆત કરી હતી અને વાયલપાડુથી કોંગ્રેસની ટિકિટ પરથી જીત મેળવી હતી. તેમણે 1999 અને 2004માં એક જ વિધાનસભા ક્ષેત્રથી પછી 2009માં પિલેરુ વિધાનસભા ક્ષેત્રથી ચૂંટણી જીતી હતી. 2009માં તત્કાલિન મુખ્યમંત્રી વાયએસ રાજશેખર રેડ્ડીના નિધનથી ઉભી થયેલી નાટકીય રાજનીતિક ઘટનાક્રમ પછી કિરણ કુમાર રેડ્ડીએ 2010માં અવિભાજિત આંધ્ર પ્રદેશની સત્તા સંભાળી હતી. તેમણે 11 નવેમ્બર 2010માં સીએમ પદના શપથ લીધા હતા. જોકે તત્કાલિન યૂપીએ સરકાર દ્વારા સંયુક્ત આંધ્ર પ્રદેશના વિભાજન પછી રેડ્ડીએ 10 માર્ચ 2014ના રોજ સીએમ પદેથી રાજીનામું આપ્યું હતું. આ સાથે તેમણે કેન્દ્ર સરકારના આ નિર્ણયનો વિરોધ પણ કર્યો હતો અને મનમોહન સરકારના વિધેયકના વિરોધમાં રાજ્યની વિધાનસભામાં એક પ્રસ્તાવ પણ પારિત કર્યો હતો.
કિરણ કુમાર રેડ્ડીએ 2014 પોતાની પાર્ટી બનાવી
મુખ્યમંત્રી પદથી રાજીનામું આપ્યા પછી કિરણ કુમાર રેડ્ડી કોંગ્રેસથી અલગ થઇ ગયા હતા. 2014માં તેમણે પોતાનું રાજનીતિક સંગઠન જય સમૈક્ય આંધ્ર બનાવી અને લોકસભા ચૂંટણી લડી હતી. જોકે તે એકપણ સીટ જીતવા સફળ રહ્યા ન હતા. હારથી હતાશ 2018માં કિરણ કુમારે પાર્ટી ભંગ કરી દીધી અને ફરી કોંગ્રેસનો હાથ પકડી લીધો હતો. જોકે આ પછી તે રાજનીતિક રુપથી ચુપ રહ્યા હતા.