Semiconductor : ભારતમાં સેમિકંડક્ટરની મેન્યુફેક્ચરિંગને મોટો ઝટકો લાગ્યો છે. ગયા વર્ષે સેમિકંડક્ટર બનાવનાર કંપની ફોક્સકોનને ભારતમાં તેનું ઉત્પાદન કરવા માટે વેદાંતા સાથે કરાર કર્યો હતો. પરંતુ કંપનીએ હવે પીછેહઠ કરી છે. ગયા વર્ષે વેદાંતા અને ફોક્સકોન દ્વારા ગુજરાતમાં લગભગ દોઢ લાખ કરોડના રોકાણ સાથે સેમિકંડક્ટર અને ડિસ્પ્લે પ્રોડક્શન પ્લાન્ટ સ્થાપવાની યોજનાની જાહેરાત કરી હતી.
ફોક્સકોને વેદાંતા સાથેનો સોદો રદ કર્યો
ન્યૂઝ એજન્સી રોયટર્સના મતે ફોક્સકોને એક નિવેદન જાહેર કરીને કહ્યું કે કંપની વેદાંતાની સંપૂર્ણ માલિકીની કંપનીમાંથી પોતાનું નામ હટાવવાનું કામ કરી રહી છે. કંપનીએ વેદાંતા સાથે જોઇન્ટ વેન્ચરને આગળ નહીં વધારવાનો નિર્ણય લીધો છે. ફોક્સકોને જણાવ્યું હતું કે વેદાંતા સાથે હવે કંપનીનું કોઇ કનેક્શન રહ્યું નથી અને ઓરિજનલ નામને લઇને પહેલેથી જ કન્ફ્યુઝન થઇ રહ્યું હતું, જે પછી કંપનીએ આ નિર્ણય લીધો છે.
આ ઉપરાંત ફોક્સકોને કહ્યું કે અમને ભારતના સેમિકંડક્ટર ડેવલપમેન્ટ પર અમને પુરો વિશ્વાસ છે. અમે ભારત સરકારની મેક ઇન ઇન્ડિયા પહેલને સંપૂર્ણ ટેકો આપીએ છીએ અને અમારા શેરધારકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ભવિષ્યમાં પાર્ટનરશિપ કરીશું.
આ પણ વાંચો – વેદાંતા – ફોક્સકોનનો ગુજરાતમાં ચીપ મેન્યુફેક્ચરિંગ પ્રોજેક્ટ : ભારત માટે આ સેમીકન્ડક્ટર પ્રોજેક્ટ કેમ મહત્વપૂર્ણ છે
13 સપ્ટેમ્બરના રોજ ગુજરાતના ગાંધીનગરમાં ભારત સરકાર, વેદાંતા અને ફોક્સકોન વચ્ચે એક કરાર પર હસ્તાક્ષર થયા હતા. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. ભુપેન્દ્ર પટેલે કહ્યું હતું કે બંને કંપનીઓએ ગુજરાતમાં યુનિટ સ્થાપવા માટે 1 લાખ 54 હજાર કરોડનું રોકાણ કરવાનો નિર્ણય લીધો છે.
રાજીવ ચંદ્રશેખરે પ્રતિક્રિયા આપી પ્રતિક્રિયા
ફોક્સકોન અને વેદાંતા વચ્ચે કરાર તુટવા પર કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને ટેકનોલોજી મંત્રી રાજીવ ચંદ્રશેખરે ટ્વિટ કરીને કહ્યું કે વેદાંતા સાથેના તેના સંયુક્ત સાહસમાંથી ખસી જવાના ફોક્સકોનના નિર્ણયની ભારતના સેમિકંડક્ટર સેક્ટરમાં નિર્ધારિત લક્ષ્યો પર કોઈ અસર નહીં પડે. તેમણે કહ્યું કે ફોક્સકોન અને વેદાંતા વચ્ચેના કરાર તુટવાને ખોટી નજરથી જોવું જોઈએ નહીં. તેમણે કહ્યું કે ભારત અને પીએમ મોદીના કામ પર સવાલ ઉઠાવવા યોગ્ય નથી.
ઇલેક્ટ્રિક પ્રોડક્ટમાં ચીપ એટલે કે સેમિકંડક્ટરનો ઉપયોગ થાય છે
સેમિકંડક્ટર અને માઇક્રો ચીપ માટે ચીન અને તાઇવાન પર નિર્ભરતા ઘટાડવા માટે અમેરિકા સહિત દુનિયાભરના દેશો પોતાને ત્યાં ચીપનું મેન્યુફેક્ચરિંગ કરવાની યોજના ઘડી રહ્યા છે. આ કડીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતમાં ચીપના પ્રોડક્શનની માટે 1 હજાર કરોડ ડોલરની ડ્રાઇવ શરૂ કરી હતી. જોકે ભારતમાં અત્યાર સુધી આ અંગે કોઇ પ્રગતિ થઇ શકી નથી. હાલ મોબાઇલ, કોમ્પ્યુટર, લેપટોપ નાની-મોટી તમામ ઇલેક્ટ્રિક પ્રોડક્ટમાં ચીપ એટલે કે સેમિકંડક્ટરનો ઉપયોગ થાય છે. કોરોના કાળમાં ચીન અને તાઇવાનમાં ચીપનું પ્રોડક્શન અટકતા સપ્લાય ઠપ થઇ ગઇ હતી.





