ભારતની અધ્યક્ષતામાં પહેલીવાર G20 શેરપા ટ્રેકની બેઠક આજે સોમવારે ઉદયપુરમાં શરૂ થઈ છે. ભારતે આ શિખર સમારોહમાં દક્ષિણ એશિયાના મહત્વ તરફ સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચવાનો પ્રયાસ કર્યો છે. જેમાં G20 સમિટમાં મુખ્ય પ્રાથમિક મુદ્દાઓમાં ટકાઉ વિકાસના લક્ષ્યાંકો,ખાસ કરીને આરોગ્ય અને શિક્ષણ પર ઝડપી, સાર્વત્રિક અને સ્થિતિસ્થાપક વૃદ્ધિ અને વિકાસ પર ભાર મૂક્યો છે.
‘3F’ પર ધ્યાન કેન્દ્રિત કરાશે
ભારતના શેરપા અમિતાભ કાંતે ભારતના G20 પ્રમુખપદની થીમ ‘વસુધૈવ કુટુમ્બકમ (એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય) માટે ગ્રીન ડેવલપમેન્ટ, ક્લાયમેન્ટ ફાઇનાન્સ, ટેકનોલોજીકલ ટ્રાન્સફોર્મેશન અને ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓને ઉત્તેજન આપવા, 21મી સદી માટે મલ્ટિલિટરલ ઇન્સ્ટિટ્યૂશન સંસ્થાઓ તૈયાર કરવા માટેની વ્યૂહરચનાઓ વિકસાવવા મહિલાઓની આગેવાની હેઠળના વિકાસની વ્યાપક થીમ સાથે ‘3F’ – (ફૂડ (ખોરાક), ફ્યૂઅલ (બળતણ) અને ફર્ટિલાઇઝર (ખાતર) પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે આહવાન કર્યું છે.
અમિતાભ કાંતે તેમના નિવેદનમાં જણાવ્યુ કે, “અમારો પરિપ્રેક્ષ્ય એ છે કે આપણો તમામ વિકાસશીલ દેશો, દક્ષિણ એશિયાના દેશો અને વિકસીત અર્થતંત્રો વચ્ચે વિવિધ પ્રકારના સહયોગ સાંધવાનો હોવો જોઈએ. આપણે નવા અભિગમો લાવવાની જરૂર છે. આ વિકસિત વિશ્વના દેશો અને ઉભરતી અર્થવ્યવસ્થા બંનેનું એક અનોખું મંચ છે, તેથી આપણે મુખ્ય વૈશ્વિક મુદ્દાઓ પર વિશ્વને ફાયદો થાય તેવા અભિગમો બનાવવાની જરૂર છે. સમગ્ર વિશ્વ હાલ વિવિધ પડકારોનો સામનો કરી રહ્યું છે. ”
“આજે આપણે જે પડકારોનો સામનો કરીએ છીએ તે આશા, સંવાદ અને પગલાંઓ લઇ સાથે મળી કામગીરી કરીને જ ઉકેલી શકાય છે અને આપણી પ્રથમ ચિંતા કોની સૌથી વધુ જરૂરિયાત છે તેના તરફ હોવી જોઈએ અને તેથી, આપણે દક્ષિણ એશિયા પર પણ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. અમારું G20 પ્રમુખપદ ‘એક પૃથ્વી, એક કુટુંબ, એક ભવિષ્ય’ ની અમારી થીમ અનુસાર બધાની એકતાની હિમાયત કરવાનો પ્રયાસ કરશે અને અમારી પ્રાથમિકતાઓ ફક્ત તમારા બધાની, G20 ભાગીદારોની જ નહીં પરંતુ ગ્લોબલ સાઉથની પણ આકાંક્ષાઓને પ્રતિબિંબિત કરશે, જે અવાજ ઘણીવાર સંભળાતો નથી,” એવુ તેમણે ઉમેર્યું હતુ.
40 દેશોના પ્રતિનિધિઓ હાજર
રવિવારથી શરૂ થયેલા શેરપા ટ્રેકના સમારોહની સોમવારે 40 દેશોના પ્રતિનિધિઓ સાથે તેની પ્રથમ ઔપચારિક બેઠક શરૂ થઇ છે, જે ચાર દિવસ ચાલશે. આ શેરપા ટ્રેક આગામી વર્ષે સપ્ટેમ્બરના G20 લિડર નેતાઓ માટે એજન્ડા નક્કી કરશે, ઊર્જા, વેપાર અને રોકાણ, વિકાસ, રોજગાર, પર્યટન, કૃષિ, ડિજિટલ અર્થતંત્ર, આરોગ્ય, શિક્ષણ, સંસ્કૃતિ, પર્યાવરણ અને ભ્રષ્ટાચાર વિરોધન વિષયોને લઈને 13 વર્કિગ ગ્રૂપો જોડાશે, ઉપરાંત બે નવા જૂથો – આપત્તિ, જોખમ અને સ્થિતિસ્થાપકતા ગ્રૂપ અને સ્ટાર્ટઅપ20 એંગેજમેન્ટ ગ્રૂપના મુદ્દાઓને ભારતે ઉઠાવ્યા છે.
વેપાર અને રોકાણ, ગ્લોબલ વેલ્યૂ ચેઇનમાં સ્થિતિસ્થાપકતા ઉપર કેન્દ્રિત ચર્ચાઓ, નાના અને મધ્યમ ઉદ્યોગોને એકીકૃત કરવા અને વૃદ્ધિ અને સમૃદ્ધિ માટે વૈશ્વિક વેપાર અને વેપાર પર ધ્યાન કેન્દ્રિત કરાશે, એવું કાંતે જણાવ્યું હતું.
નોંધનિય છે કે, G20ની બેઠક એવા સમયે યોજાઇ રહી છે જ્યારે વૈશ્વિક અર્થતંત્ર વધતા વૈશ્વિક દેવા, વધતી ફુગાવો અને આર્થિક મંદીના રૂપમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે, જેની ચર્ચા શેરપા ટ્રેકમાં પણ કરવામાં આવશે. G20માં બે સમાંતર ટ્રેકનો સમાવેશ થાય છે: નાણા મંત્રીઓ અને કેન્દ્રીય બેંકના ગવર્નરોની આગેવાની હેઠળનો ફાયનાન્સ ટ્રેક અને શેરપા ટ્રેક. પ્રમુખપદ આગામી સપ્ટેમ્બરમાં અંતિમ સમિટ સુધી એક વર્ષ માટે G20 એજન્ડાનું સંચાલન કરે છે.
G20માં ક્યા-ક્યા દેશો સામેલ
ગ્રૂપ ઑફ ટ્વેન્ટી (G20)માં 19 દેશો આર્જેન્ટિના, ઑસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચીન, ફ્રાન્સ, જર્મની, ભારત, ઇન્ડોનેશિયા, ઇટાલી, જાપાન, કોરિયા પ્રજાસત્તાક, મેક્સિકો, રશિયા, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા, તુર્કી, યુનાઇટેડ કિંગડમ અને અમેરિકા અને યુરોપિયન યુનિયનનો સમાવેશ થાય છે જે એક પ્રકારનું ઇન્ટરગવર્નમેન્ટલ ફોરમ છે. આ G20 સભ્યો વૈશ્વિક જીડીપીના લગભગ 85 ટકા, વૈશ્વિક વેપારના 75 ટકાથી વધુ અને વિશ્વની લગભગ બે તૃતીયાંશ વસ્તીનું પ્રતિનિધિત્વ કરે છે.
ભારત 200થી વધુ બેઠકોનું આયોજન કરશે
ભારત G20ના પ્રમુખપદની સમયગાળા દરમિયાન 50 શહેરોમાં 32 વિવિધ વર્કસ્ટ્રીમમાં 200 થી વધુ બેઠકો યોજશે, જેમાં મંત્રીઓ, સરકારી અધિકારીઓ અને નાગરિક સમાજના સભ્યો સામેલ થશે અને આ બેઠકો સપ્ટેમ્બર 2023માં નવી દિલ્હીમાં અંતિમ સમિટ સુધી ચાલુ રહેશે. વર્ષ 2024ની લોકસભા ચૂંટણી પહેલા યોજાઇ રહેલી આ સમિટનો રાજકીય દ્રષ્ટિએ પણ બહુ જ નિર્ણાયક માનવામાં આવી રહી છે.