G20 Summit: દિલ્હીમાં યોજાયેલી G-20 બેઠક દરમિયાન PM નરેન્દ્ર મોદીએ ગ્લોબલ બાયોફ્યુઅલ એલાયન્સની જાહેરાત કરી હતી. અત્યાર સુધીમાં કુલ 19 દેશો અને 12 આંતરરાષ્ટ્રીય સંગઠનો તેના સભ્ય બન્યા છે. આમાં G20 સભ્ય અને બિન-સભ્ય દેશો બંનેનો સમાવેશ થાય છે. ભારત, બ્રાઝિલ અને અમેરિકા આ જોડાણના સ્થાપક સભ્યો છે. ચીન અને તેલ ઉત્પાદકો સાઉદી અરેબિયા અને રશિયાએ જોડાણનો ભાગ ન બનવાનો નિર્ણય કર્યો છે.
બાયોફ્યુઅલ એલાયન્સ શું છે?
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ G-20 સમિટના પ્રથમ દિવસના પ્રથમ સત્રને સંબોધિત કરતા કહ્યું કે, તમામ દેશોએ ઇંધણના મિશ્રણના મામલામાં સાથે મળીને કામ કરવું જોઈએ. PM એ ભારત વતી પ્રસ્તાવ મૂક્યો કે, વૈશ્વિક સ્તરે પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલ ભેળવવું જોઈએ. આ ઉપરાંત, પીએમએ અન્ય સંમિશ્રણ મિશ્રણો શોધવાનો પણ પ્રસ્તાવ મૂક્યો. પેટ્રોલમાં ઇથેનોલ મિક્સ કરવાથી પેટ્રોલ પરની નિર્ભરતા ઓછી થશે. આ પ્રોજેક્ટ પર્યાવરણને બચાવવામાં મદદ કરશે.
કયા દેશો તેનો ભાગ છે?
ભારત, અમેરિકા અને બ્રાઝિલ આ જોડાણના સ્થાપક સભ્યો છે. આર્જેન્ટિના, બાંગ્લાદેશ, ઈટાલી, મોરેશિયસ, દક્ષિણ આફ્રિકા, યુએઈ, કેનેડા, સિંગાપોર પણ આ જોડાણનો ભાગ છે.
બાયોફ્યુઅલ શું છે?
બાયોફ્યુઅલને પર્યાવરણીય બળતણ પણ કહેવામાં આવે છે. બાયોફ્યુઅલ ઝાડ-છોડ, અનાજ, ફૂડ વેસ્ટ, ઔદ્યોગિક કચરામાંથી બનાવવામાં આવતુ બળતણ છે. જો તેનો ઉપયોગ વધશે, તો પરંપરાગત ઇંધણ પેટ્રોલ-ડીઝલ પર વિશ્વની નિર્ભરતા ઘટશે અને પર્યાવરણીય પ્રદૂષણ પણ ઘટશે. તમને જણાવી દઈએ કે, બાયોફ્યુઅલનો ઉપયોગ પ્રથમ વખત વર્ષ 1890 માં કરવામાં આવ્યો હતો, જ્યારે રૂડોલ્ફ ડીઝલે ખેતી માટે કમ્બશન એન્જિન ચલાવવા માટે વનસ્પતિ તેલનો ઉપયોગ કર્યો હતો.
આ પણ વાંચો – G20 Summit : ભારત-મધ્ય પૂર્વ-યુરોપ મેગા કોરિડોર શું છે? આનાથી ભારતને કેટલો ફાયદો થશે, જાણો બધું
કયો દેશ સૌથી વધુ બાયોફ્યુઅલનું ઉત્પાદન કરે છે?
અમેરિકા સૌથી વધુ ઇથેનોલનું ઉત્પાદન કરે છે. અમેરિકા 57.5 અબજ લિટર ઇથેનોલનું ઉત્પાદન કરે છે. અમેરિકા પછી બ્રાઝિલ સૌથી વધુ ઇથેનોલનું ઉત્પાદન કરે છે. બ્રાઝિલ લગભગ 35 અબજ લિટર ઇથેનોલનું ઉત્પાદન કરે છે. એલાયન્સના ત્રણ સ્થાપક સભ્યો, અમેરિકા, ભારત અને બ્રાઝિલ લગભગ 85 ટકા વૈશ્વિક ઇથેનોલ ઉત્પાદન કરે છે. અને 81 ટકા વપરાશ પણ કરે છે.





