ભારતીય ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ અને ઓરિસ્સાના ભૂવિજ્ઞાન નિર્દેશાલયના સર્વેમાં દેવગઢ, ક્યોંઝર અને મયૂરભંજ જિલ્લામાં સોનાના ભંડાર હોવાના સંકેત સામે આવ્યા છે. આ પહેલા કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરમાં લિથિયમનો ખજાનો મળવાના સમાચાર સામે આવ્યા હતા. ઓરિસ્સાના સ્ટિલ અને ખનન મંત્રી પ્રફુલ્લ મલિકે સોમવારે વિધાનસભામાં જાણકારી આપી કે રાજ્યના ત્રણ જિલ્લામાં ઘણા સ્થાનો પર સોનાની ખાણો મળી છે.
બીજા સર્વેમાં સામે આવ્યા સોનાના ભંડારના સંકેત
ખનન મંત્રી પ્રફુલ્લ કુમાર મલિકે જણાવ્યું કે GSIના નેતૃત્વમાં છેલ્લા બે વર્ષમાં આ ત્રણ જિલ્લાના ઘણા સ્થળો પર ફરી સર્વે કરવામાં આવ્યો હતો. સર્વેમાં ઓરિસ્સાના દેવગઢ, ક્યોંઝર અને મયૂરભંજના ઘણા વિસ્તારમાં સોનાના ભંડાર મળવાના સંકેત સામે આવ્યા છે. આ સ્થળોમાં ક્યોંઝર જિલ્લાના દિમિરમુંડા, કુશકલા, ગોટીપુર, ગોપુર, મયૂરભંજ જિલ્લાના જોશીપુર, સુરિયાગુડા, રુઆંસિલા, ધુશુરા પહાડી અને દેવગઢ જિલ્લાના અદાસ સામેલ છે. ઓરિસ્સાના ખનન વિભાગ, ભૂવિજ્ઞાન નિર્દેશાલય અને GSIએ આ વિસ્તારમાં પ્રથમ સર્વે 1970 અને 80ના દશકમાં કર્યો હતો. ત્યારે તેના પરિણામ સાર્વજનિક કરવામાં આવ્યા ન હતા.
આ પણ વાંચો – જમ્મુ અને કાશ્મીર: લિથિયમ ભંડાર ભારતનો ચહેરો બદલી નાખશે
સોનાના ભંડારને લઇને વિધાનસભામાં ઉઠ્યો હતો સવાલ
ઓરિસ્સા વિધાનસભામાં ઢેંકનાલથી ધારાસભ્ય સુધીર કુમાર સામલેએ રાજ્યમાં સોનાના ભંડાર સાથે જોડાયેલો એક સવાલ કર્યો હતો. ખનન મંત્રી પ્રફુલ્લ કુમાર મલિકે તેના લેખિત જવાબમાં રાજ્યના ત્રણ જિલ્લામાં સોનાના ભંડાર મળવાની સંભાવનાઓ વિશે સદનને જાણકારી આપી હતી. જોકે તેમણે એ જણાવ્યું નથી કે આ સોનાનો ભંડાર કેટલો મોટો છે. આ સિવાય એ પણ સ્પષ્ટ નથી કે આ ત્રણ જિલ્લામાં મળેલા સોનાના ભંડારમાં કેટલી માત્રામાં સોનું હોઇ શકે છે.
જમ્મુ કાશ્મીરમાં મળ્યો હતો કિંમતી લિથિયમનો ભંડાર
આ પહેલા કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરમાં કિંમત લિથિયમના 59 લાખ ટન ક્ષમતાના ભંડારની શોધ કરવામાં આવી હતી. ચિલી અને ઓસ્ટ્રેલિયા પછી આ દુનિયામાં ત્રીજો સૌથી મોટો ભંડાર છે. હવે લિથિયમ ક્ષમતાના મામલામાં ભારત દુનિયામાં ત્રીજા નંબરે આવી ગયું છે. નોન ફેરસ મેટલ લિથિયમનો ઉપયોગ મોબાઇલ, લેપટોપ, ઇલેક્ટ્રિક વ્હીકલ સહિત ઘણી જરૂરી વસ્તુઓમાં કામ આવતી ચાર્જેબલ બેટરીમાં કરવામાં આવે છે. ભારતના ખનિજ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારતીય ભૂસ્તરશાસ્ત્રીય સર્વેક્ષણે રિયાસી જિલ્લાના સલાલ હેમના બ્લોકમાં લિથિયમના ભંડારની શોધ કરી છે. આ વિસ્તાર ચેનાબ નદી પર 690 મેગાવોટના સલાલ પાવર સ્ટેશનથી લગભગ આઠ કિલોમીટર દૂર છે. જમ્મુ અને કાશ્મીરના ખાણ વિભાગના સચિવ અમિત શર્માના જણાવ્યા અનુસાર, લિથિયમના ભંડારની શોધને કારણે આ ક્ષેત્રમાં આપણી હાજરી વૈશ્વિક નકશા પર નોંધાઈ છે.