Lalmani Verma : ભાજપના નેતૃત્વ હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (એનડીએ) અને વિરોધ પક્ષોનું ઇન્ડિયા ગઠબંધન જૂથ રાષ્ટ્રીય રાજકીય મંચ પર એકબીજા સાથે સ્પર્ધા કરી રહ્યું છે. ત્યારે આવતા મહિને ઉત્તર પ્રદેશમાં ઘોસી પેટાચૂંટણી બંને પક્ષોની કસોટી થશે. બહુજન સમાજ પાર્ટી (બસપા) અને કોંગ્રેસે ઉમેદવારે ઉતાર્યા નથી, જેથી ભાજપ અને સમાજવાદી પાર્ટી (સપા) વચ્ચે સીધી હરીફાઈ થશે. નોમિનેશન કરવાની તારીખ પુરી થઇ ગઇ છે.
મઉ જિલ્લાના મતવિસ્તારમાં પેટાચૂંટણી 5 સપ્ટેમ્બરના રોજ યોજાશે. સપાના સીટીંગ ધારાસભ્ય દારાસિંહ ચૌહાણે રાજીનામું આપ્યું હતું અને જુલાઈમાં ભાજપમાં ગયા હતા તેથી પેટા ચૂંટણી યોજાઇ રહી છે. ભાજપે દારાસિંહ ચૌહાણને મેદાનમાં ઉતાર્યા છે જ્યારે પૂર્વ ધારાસભ્ય સુધાકરસિંહ વિરોધી પક્ષનું નેતૃત્વ કરી રહ્યા છે.
યુપીમાં ભાજપ સરકારના અડધો ડઝનથી વધુ મંત્રીઓ, સહયોગી પક્ષો અપના દળ (એસ) અને સુહુલદેવ ભારતીય સમાજ પાર્ટી (એસબીએસપી)ના નેતાઓ સાથે બુધવારે ચૌહાણના નામાંકન પહેલા ભાજપે યોજેલી બેઠકમાં હાજર હતા. મહત્વનું છે કે સ્ટેજ પર બ્રાહ્મણ, જાટ, રાજભર, પટેલ, યાદવ, ભૂમિહાર, ઠાકુર અને મુસ્લિમ સમાજના નેતાઓ હાજર રહ્યા હતા.
જયંત ચૌધરીના નેતૃત્વવાળી રાષ્ટ્રીય લોકદળ (આરએલડી) પહેલેથી જ જાહેરાત કરી ચૂકી છે કે તે સપા માટે પ્રચાર કરશે. બંને પક્ષો લાંબા સમયથી સાથી છે અને તેમનું ગઠબંધન ઇન્ડિયા ગઠબંધનની રચના પહેલાંનું છે. વિપક્ષની વાટાઘાટોમાં આગેવાની લઈ રહેલી કોંગ્રેસે હજુ સુધી સત્તાવાર રીતે સપાને ટેકો જાહેર કર્યો નથી, ત્યારે નેતાઓનું કહેવું છે કે ઉમેદવાર ન ઉતારવો એ પોતે જ એક સંદેશ હતો.
યુપી કોંગ્રેસના નેતા બ્રિજલાલ ખાબરી, જેમને ગુરુવારે રાજ્ય એકમના પ્રમુખ તરીકે બદલવામાં આવ્યા હતા. તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે તેમને સપાને ટેકો આપવા અંગે પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વ તરફથી કોઈ નિર્દેશ મળ્યો નથી. કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે પાર્ટી ભાજપને હરાવવા માટે જોડાણની ભાવનાને પૂર્ણ કરશે.
આ પણ વાંચો – યુપી કોંગ્રેસના નવા અધ્યક્ષ અજય રાયે કહ્યું – રાહુલ ગાંધી અમેઠીથી ચૂંટણી લડશે
ઘોસીમાં કોંગ્રેસની ખાસ પકડ નથી અને 2022ની વિધાનસભાની ચૂંટણીમાં તેને માત્ર 0.78 % મત મળ્યા હતા. ભાજપ અને સપા વચ્ચે મુખ્ય હરીફાઈ છે. 2022માં સપાને 42.21% મત મળ્યા હતા અને ભાજપનો વોટ શેર 33.57% રહ્યો હતો. 2019ની પેટાચૂંટણીમાં પણ જોરદાર હરીફાઈ થઈ હતી. જ્યારે ભાજપના ધારાસભ્ય ફાગુ ચૌહાણને બિહારના રાજ્યપાલ તરીકેની નિમણૂક બાદ ચૂંટણી યોજવામાં આવી હતી. રાજભરે ત્યાર પછીની ચૂંટણીમાં 31.24 ટકા મતો સાથે વિજય મેળવ્યો હતો જ્યારે તે સમયે સપાના ટેકાથી અપક્ષ સુધાકર સિંહને 30.43 ટકા મત મળ્યા હતા.
આ વખતે એક આશ્ચર્યજનક વાત બસપાની ગેરહાજરી છે, જેણે વર્ષોથી આ ક્ષેત્રમાં એક આધાર બનાવ્યો છે અને વર્ષોથી નોંધપાત્ર વોટ શેર પણ મેળવ્યા છે. 2022ની વિધાનસભાની ચૂંટણીમાં બસપાના વસીમ ઇકબાલને 21.12% મત મળ્યા હતા અને તે ત્રીજા સ્થાને રહ્યા હતા. 2019ની પેટાચૂંટણીમાં બસપાને 23 ટકા વોટ મળ્યા હતા.
બસપાના પ્રદેશ અધ્યક્ષ વિશ્વનાથ પાલે જણાવ્યું હતું કે માયાવતીના નેતૃત્વવાળી પાર્ટીએ કહ્યું કે તે આ બેઠક પર ચૂંટણી લડી રહ્યા નથી કારણ કે તેમનું ધ્યાન 2024ની લોકસભાની ચૂંટણી પર છે. અમે 2024ની ચૂંટણીની તૈયારી કરી રહ્યા છીએ, એ જ અમારી પ્રાથમિકતા છે. અમે કોઈ ચોક્કસ નેતાને ટેકો આપી રહ્યા નથી. બેહનજી (માયાવતી) તરફથી પણ કોઈ નિર્દેશ આપવામાં આવ્યો નથી.
ભાજપ આ બેઠક પર પ્રચાર માટે તમામ પ્રયાસો કરી રહ્યું છે, પરંતુ ચૌહાણને ભાજપના વર્ગો તરફથી પણ કેટલાક વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. વિવાદનો મુખ્ય મુદ્દો એ છે કે તેમણે ગયા વર્ષે વિધાનસભાની ચૂંટણી પહેલા સપામાં પક્ષપલટો કર્યો હતો. ભાજપના એક સ્થાનિક કાર્યકર્તાએ કહ્યું કે ઘોસીમાં કેટલાક ચૌહાણ (ઓબીસી) નેતાઓ દારાને ઓબીસી ચહેરા તરીકે ઉભરવા દેવા માંગતા નથી. સમર્પિત કાર્યકર્તાઓની અવગણના કરીને દારાને ટિકિટ આપવાના પાર્ટીના નિર્ણયથી કેટલાક કાર્યકર્તાઓ પણ નારાજ છે. તેમણે ગયા વર્ષે જાન્યુઆરીમાં સપાની ટિકિટ પર ચૂંટણી લડવા માટે પાર્ટી છોડી દીધી હતી. તે હવે પાછા આવી ગયા છે. અમે તેમના માટે પ્રચાર કેવી રીતે કરી શકીએ?
ભૂતકાળની નજીકની હરીફાઈને જોતાં ભાજપને આશા છે કે ચૌહાણ જે મતવિસ્તારમાં ઓબીસી મતો આકર્ષી શકે છે તેનો લાભ ઉઠાવશે. ઘોસીમાં 60,000 રાજભર મતદારો, 50,000 ચૌહાણ (નોનિયા-ઓબીસી) અને 40,000 યાદવ મતદારો છે. 60 હજાર દલિત અને 90 હજાર મુસ્લિમ છે. ભાજપના એક નેતાએ જણાવ્યું હતું કે મુસ્લિમો ચોક્કસપણે સપાના ઉમેદવારને ટેકો આપશે કારણ કે બસપા અને કોંગ્રેસ ચૂંટણી લડી રહ્યા નથી. તે સ્થિતિમાં દલિત મતદારો પરિણામ નક્કી કરશે.
Disclaimer :- આ આર્ટિકલ Indian Express પરથી અનુવાદિત છે. મૂળ આર્ટીકલ તમે અહીં વાંચી શકો છો





