scorecardresearch

H3N2 ઇન્ફ્લુએન્ઝાથી બે લોકોના મોત, જાણો આ વાયરસના લક્ષણો અને બચવાના ઉપાયો

H3N2 Influenza: ભારતમાં H3N2 ઇન્ફ્લુએન્ઝા વાયરસના અત્યાર સુધીમાં કુલ 90 કેસ નોંધાયા છે અને 2 લોકોના મોત થયા છે. આ વાયરસ કેવી રીતે ફેલાય છે, તેના લક્ષણો અને બચવાના ઉપાયો તેમજ તેની સારવાર વિશેની સંપૂર્ણ જાણકારી મેળવો.

H3N2 Influenza virus
H3N2 ઇન્ફ્લુએન્ઝા વાયરસથી ભારતમાં બે લોકોના મોત.

ભારતમાં H3N2 ઇન્ફ્લુએન્ઝા વાયરસનો કહેર ફેલાઇ રહ્યો છે અને અત્યાર સુધી આ વાયરસના સંક્રમણથી દેશમાં બે લોકોના મોત થયા છે. મીડિયા રિપોર્ટ અનુસાર H3N2 ઇન્ફ્લુએન્ઝા વાયરસથી પ્રથમ મોત કર્ણાટકમાં અને બીજી મોટ હરિયાણામાં થઇ છે. દેશમાં અત્યાર સુધી H3N2 ઇન્ફ્લુએન્ઝાના કુલ 90 કેસ અને H1N1ના 8 કેસ નોંધાયા છે. સુત્રોએ જણાવ્યુ કે, ભારતમાં ફેલાઇ રહેલા બે પ્રકારના ઇન્ફ્લુએન્ઝા વાયરસને શોધી કાઢવામાં આવ્યા છે. ચાલો આ ઇન્ફ્લુએન્ઝા વાયરસના લક્ષણો, કેવી રીતે ફેલાય છે અને તેનાથી બચવાના ઉપાયો વિશે જાણીયે…

H3N2 ઇન્ફ્લુએન્ઝા વાયરસ શું છે?

H3N2 ઈન્ફલ્યુએન્ઝા એ ઈન્ફલ્યુએન્ઝા A નો સબ વેરિયન્ટ છે. તેને હોંગકોંગ ફ્લૂ પણ કહેવામાં આવે છે. H3N2 ઇન્ફ્લુએન્ઝા વાયરસ દેશમાં આ અગાઉ ઘણી વાર મહામારીનું કારણ બન્યું છે. H3N2 એક પ્રકારનો ઇન્ફ્લુએન્ઝા વાયરસ છે, જે શ્વાસ સંબંધિત ઘણા પ્રકારની બીમારીઓનું કારણ બને છે. H3N2 વાયરસ પક્ષીઓ અને સ્તનધારીઓને પણ સંક્રમિત કરી શકે છે. પક્ષી અને અન્ય જાનવરોમાં તે ઘણા પ્રકારના મ્યૂટેટમાં રૂપાંતરીત થઇ ગયું છે.

H3N2 Influenza deaths
H3N2 ઇન્ફ્લુએન્ઝાથી ભારતમાં અત્યારસુધી બે લોકોના મોત થયા

H3N2 ઈન્ફલ્યુએન્ઝા વાયરસ કેવી રીતે ફેલાય છે?

અત્યંત ચેપી સંક્રમણ ગણાતું H3N2 ઈન્ફલ્યુએન્ઝા વાયરસથી સંક્રમિત કોઇ વ્યક્તિ છિંક ખાય કે ઉધરસ ખાય ત્યારે તેનાથી હવામાં ફેલાતા વાયરસથી આ બીમારી ફેલાય છે. ચેપગ્રસ્ત વ્યક્તિએ વાપરેલી કોઇ ચીજવસ્તુ કે તેના સંપર્કમાં આવેલી કોઇ સપાટીને અડવાથી પણ આ વાયરસ ફેલાઇ શકે છે. સગર્ભા સ્ત્રીઓ, નાના બાળકો, વૃદ્ધો અને અન્ય ગંભીર બીમારીથી પીડિત વ્યક્તિઓને વાયરસનું સંક્રમણ થવાનું જોખમ વધારે હોય છે.

H3N2 ઇન્ફ્લુએન્ઝા વાયરસના લક્ષણો

થોડા દિવસો પહેલા જ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) એ એક માર્ગદર્શિકા બહાર પાડી હતી જેમાં આ વાયરસના સંક્રમણના લક્ષણો જણાવ્યા છે. જો નીચે જણાવેલા કોઇ પણ લક્ષણ હોય તો ડૉક્ટરનો સંપર્ક કરો.

 • તીવ્ર તાવ
 • માથામાં ભયંકર દુખાવો
 • શરીરમાં થાક લાગવો અને દુખાવો થવો
 • ગળામાં દુખાવો થવો
 • તીવ્ર ઉધરસ, શરૂઆતમાં કફવાળી અને ત્યારબાદ સુકી ઉધરસ આવવી.
 • શરદી થવી, સતત નાક વહેવું
 • ગળામાં ખારાશ

H3N2 ઇન્ફ્લુએન્ઝા વાયરસથી કોને સૌથી વધુ જોખમ

આમ તો ઈન્ફલ્યુએન્ઝા વાયરસનું સંક્રમણ કોઈપણ ઉંમરની વ્યક્તિને કોઈપણ સમયે થઈ શકે છે. પરંતુ સૌથી વધુ જોખમ સગર્ભા સ્ત્રીઓ, 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો, વૃદ્ધો અને ગંભીર બીમારી વાળા વ્યક્તિઓને થઇ શકે છે.

ઉપરાંત હેલ્થવર્કર્સને પણ ઇન્ફ્લ્યુએન્ઝા વારસનું સંક્રમણ થવાનો સૌથી વધારે ખતરો રહે છે.

H3N2 Influenza symetomus
ભારતમાં H3N2 ઇન્ફ્લુએન્ઝા વાયરસના કેસોમાં ચિંતાજનક વધારો થયો.

H3N2 ઇન્ફ્લુએન્ઝા વાયરસથી બચાવાના ઉપાયો

 • હાથને નિયમિત રીતે સાબુ કે હેન્ડ વોશ વડે ચોખ્ખા પાણીથી બરાબર ધોવા.
 • માસ્ક પહેરો અને ભીડવાળા સ્થળોએ જવાનું ટાળો.
 • પોતાની નાક અને મોંને અડવાનું ટાળો.
 • ઉધરસ ખાતી કે છિંકતી વખતે તમારા નાક અને મોં આગળ રૂમાલ રાખો.
 • પુરતા પ્રમાણમાં પાણી પીવું અને પ્રવાહી ખોરાક લેવો.
 • જો કે શરીરમાં તાવ કે દુખાવો હોય તો ડોક્ટર પાસે તપાસ કરાવો.

કઇ-કઇ સાવધાનીઓ રાખવી

 • કોઇન હાથે મિલાવવાનું કે કોઇ પણ પ્રકારના સામુહિક મેળાવડા કે ગેધરિંગમાં જવાનું ટાળવું
 • જાહેર સ્થળોએ થુકવું નહીં
 • ડોકટરની સલાહ વગર એન્ટીબાયોટિક દવાનું સેવન ન કરવું
 • એકદમ નજીક બેસીને ભોજન કરવું નહીં

એન્ટીબાયોટિક ન લેવા ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલની ભલામણ

આ દરમિયાન ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલે દેશભરમાં શરદી-ઉધરક અને તાવના વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખી એન્ટીબાયોટિક દવાઓ ડોક્ટરની સૂચના વગર ન લેવાની ભલામણ કરી છે. સામાન્ય રીતે સિનઝલ શરદી-તાવ 5 થી 7 દિવસ રહે છે.

કાઉન્સિલની એન્ટી – માઇક્રોબિયલ રેસિસ્ટેન્સ માટેની સ્થાયી સમિતિએ કહ્યું કે, તાવ ત્રણેક દિવસમાં મટી જાય છે પરંતુ શરદીની અસર ત્રણ સપ્તાહ સુધી રહીશકે છે.

H3N2 ઇન્ફ્લુએન્ઝા વાયરસ ઝડપથી વધવાનું કારણ?

દિલ્હી સ્થિત સર ગંગા રામ હોસ્પિટલના બાળરોગ નિષ્ણાત ડૉ. ધીરેન ગુપ્તા કહે છે કે એવું માનવામાં આવે છે કે કોરોના મહામારી બાદ લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી પડી ગઈ છે. આવી પરિસ્થિતિમાં ન માત્ર વાયરલ ઇન્ફ્કેશન વધી રહ્યા છે, ઉપરાંત તેની ગંભીર અસર થઇ રહી છે.

તેમણે વધુમાં ઉમેર્યું કે, અગાઉ વાયરલ ઇન્ફેક્શનના કેસોની સંખ્યા સામાન્ય રીતે 5 ટકાથી ઓછી રહેતી હતી, જો કે તેમાં ગંભીર રીતે વધારો થઇ રહ્યો છે. ઉત્તર પ્રદેશના ઘણા હોસ્પિટલોમાં આવી બીમારીના કેસોમાં 30 ટકાનો વધારો જોવા મળ્યો છે જ્યારે દિલ્હીના હોસ્પિટલોમાં પણ આ વાયરસના સંક્રમણના કેસ 20 ટકા જેટલા વધી ગયા છે.

Web Title: H3n2 influenza virus symetomus treatment prevention know all details here heath news

Best of Express