communal violence in Haryana : હરિયાણાના મેવાત-નૂહમાં સોમવારે બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કાઢવા આવેલી એક ધાર્મિક યાત્રા દરમિયાન બે સમુદાયો વચ્ચે હિંસા થઇ હતી. હિંસામાં બે હોમગાર્ડના જવાન સહિત પાંચ લોકોના મોત થયા છે. જ્યારે 30થી વધારે પોલીસકર્મી ઇજાગ્રસ્ત છે. હિંસા દરમિયાન ઉપદ્રવીઓએ ગાડીઓ અને દુકાનો સળગાવી દીધી હતી. જોતજોતામાં આ હિંસા ગુરુગ્રામ સુધી ફેલાઇ હતી. હિંસા પર કાબુ મેળવવા માટે અર્ધ સૈનિક દળોની 16 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે.
નૂહની ઘટના પર હરિયાણાના સીએમ મનોહર લાલ ખટ્ટરે કહ્યું હતું કે આ એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. એક યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું હતું. જે દરમિયાન કેટલાક લોકોએ યાત્રીઓ અને પોલીસ પર હુમલો કર્યો હતો. નૂહ જિલ્લામાં મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરવામાં આવી છે.
તેમણે જણાવ્યું કે આસપાસના વિસ્તાર અને નૂહમાં કર્ફ્યુ લગાવી દીધો છે અને કેટલાક સ્થાનો પર કલમ 144 લગાડવામાં આવી છે. લગભગ 42 એફઆઈઆર નોધાઇ છે અને 70 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમની સામે સખત કાર્યવાહી કરવામાં આવશે. અત્યાર સુધીમાં 5 લોકોના મોત થયા છે. જેમાં બે પોલીસ જવાન સામેલ છે. અમે તેમને દરેક સંભવ સહાય પ્રદાન કરીશું. હું લોકોને જિલ્લામાં શાંતિ જાળવી રાખવાની અપીલ કરું છું.
આ પણ વાંચો – હરિયાણા હિંસા | મેવાત અને સોહનામાં હિંસક ઝડપ, 2 મોત, 10 ઇજાગ્રસ્ત, વાહનોમાં આગચંપી
વિસ્તારમાં સાંપ્રદાયિક હિંસા ભડક્યા પછી ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. રાજ્યના ગૃહમંત્રી અનિલ વિજે કેન્દ્ર સરકાર પાસે વધારાના સુરક્ષા દળોની માંગ કરી છે. તેમણે કહ્યું કે આની પાછળ કોણ છે અને શું કારણ છે તે તપાસ પછી જાણવામાં આવશે અને દોષિતોને છોડવામાં આવશે નહીં.ગુરુગ્રામ અને આસપાસના વિસ્તારમાં તણાવ યથાવત્ છે.
નૂહ જિલ્લા પ્રશાસને મંગળવારે સવારે હિન્દુ અને મુસ્લિમ બન્ને કમિટીઓને બેઠક માટે બોલાવી હતી અને તેમની સાથે લાંબી વાતચીત કરી હતી. આ દરમિયાન બન્ને પક્ષો તરફથી શાંતિ સ્થાપિત કરવા માટે સહયોગ માંગવામાં આવ્યો હતો.