Number of Medical Colleges In India Increased: દેશમાં મેડિકલ શિક્ષણને લઇ કેન્દ્રીય આરોગ્ય પ્રધાન નડ્ડાએ શનિવારે કહ્યું હતું કે, છેલ્લા 11 વર્ષમાં દેશમાં મેડિકલ કોલેજોની સંખ્યા 387 થી વધીને 819 થઈ ગઈ છે. ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (એઈમ્સ)ના 50મા વાર્ષિક દીક્ષાંત સમારોહને સંબોધિત કરતા નડ્ડાએ કહ્યું કે, આ જ સમયગાળામાં એમબીબીએસ (અંડર ગ્રેજ્યુએટ)ની બેઠકો 51,000 થી વધીને 1.29 લાખ થઈ ગઈ છે, જ્યારે પીજી (પોસ્ટ ગ્રેજ્યુએટ)ની બેઠકો 31,000 થી વધીને 78,000 થઈ ગઈ છે. તેમણે એવી પણ માહિતી આપી હતી કે, આગામી પાંચ વર્ષમાં વધારાની 75,000 મેડિકલ બેઠકો ઉમેરવામાં આવશે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે પી નડ્ડાએ કહ્યું હતું કે, “વાજપેયીજીના કાર્યકાળ દરમિયાન 6 એઈમ્સની સ્થાપના થઈ હતી, જેમાંથી હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના કાર્યકાળ દરમિયાન ભારતમાં કુલ 23 એઈમ્સ છે. મેડિકલ કોલેજોની સંખ્યા બમણી કરતા વધુ થઈ ગઈ છે, જે 387 થી વધીને 819 થઈ ગઈ છે. વડાપ્રધાન મોદીએ આગામી પાંચ વર્ષમાં વધુ 75,000 યુજી-પીજી બેઠકો ઉમેરવાનું વચન આપ્યું છે, જેમાંથી છેલ્લા દોઢ વર્ષમાં 23,000 બેઠકો ઉમેરવામાં આવી છે.”
આરોગ્ય મંત્રી દ્વારા નવા ડોકટરોને આહ્વાન
દેશના તબીબી વિદ્યાર્થીઓ અને સંસ્થાઓની પ્રશંસા કરતા આરોગ્ય મંત્રીએ કહ્યું કે AIIMSએ તબીબી શિક્ષણ, સંશોધન અને આરોગ્ય સેવાઓના ક્ષેત્રમાં દેશનું નામ રોશન કર્યું છે. તેમણે નિયો-ડૉક્ટરોને સહાનુભૂતિ, નૈતિકતા અને ઇનોવેશન સાથે દેશની સેવા કરવા આહ્વાન કર્યું હતું.
ભારતમાં માતા અને નવજાત મૃત્યુદરમાં ઘટાડો થયો
જેપી નડ્ડાએ કહ્યું કે, ભારતે માતા અને બાળકના સ્વાસ્થ્યના ક્ષેત્રમાં પણ નોંધપાત્ર પ્રગતિ કરી છે. માતૃત્વ મૃત્યુ દર (એમએમઆર) 130 થી ઘટીને 88 થયો છે, જ્યારે બાળ મૃત્યુ દર (આઈએમઆર) 39 થી ઘટીને 27 થયો છે. તેવી જ રીતે, પાંચ વર્ષથી ઓછી ઉંમરના મૃત્યુ દર (યુ5એમઆર) અને નવજાત મૃત્યુ દર (એનએમઆર) અનુક્રમે 42% અને 39% ઘટ્યો છે, જે વૈશ્વિક સરેરાશ કરતા વધુ સારો છે.
ટીબીના કેસોની ટકાવારી ઘટી
આરોગ્ય મંત્રીએ વધુમાં માહિતી આપી હતી કે ભારતમાં ટીબીના કેસોમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. ધ લેન્સેટના અહેવાલ અનુસાર, દેશમાં ટીબીના દરમાં 17.7 ટકાનો ઘટાડો નોંધાયો છે, જે વૈશ્વિક સરેરાશ (8.3 ટકા) કરતા બમણો છે.
નડ્ડાએ વિદ્યાર્થીઓને સંશોધન અને શિક્ષણમાં સક્રિયપણે યોગદાન આપવા, એઈમ્સની પ્રતિષ્ઠા જાળવી રાખવા અને આજીવન શિક્ષણ અને સમાજ સેવાની ભાવનાને જીવંત રાખવા વિનંતી કરી.





