અર્જુનસેન ગુપ્તા : વૃંદાવન, આ એવું માનવામાં આવે છે કે, જ્યાં ભગવાન કૃષ્ણએ તેમનું બાળપણ વિતાવ્યું હતું, આ સ્થાન સદીઓથી વિધવા હિન્દુ મહિલાઓ માટે આશ્રય રહ્યું છે. વૃંદાવનની વિધવાઓ સમાજથી દૂર, રાજ્ય, એનજીઓ અને પવિત્ર શહેરના ઘણા મંદિરો અને આશ્રમોના દાન પર નિર્ભર, મુશ્કેલ જીવન જીવે છે.
વિધવાપણું, ખાસ કરીને ઉચ્ચ જાતિના હિંદુઓમાં, હંમેશા સામાજિક કલંક રહ્યું છે. સતી પ્રથાથી લઈને શુભ પ્રસંગોમાં વિધવાઓની હાજરી અંગેના વર્જ્ય સુધી, પોતાના પતિને ગુમાવવાનો અર્થ ઘણા લોકો માટે સામાજિક પ્રતિષ્ઠાનું નુકસાન માનવામાં આવે છે. વિધવા સ્ત્રી પાસેથી અપેક્ષા રાખવામાં આવે છે કે, તેઓ સફેદ વસ્ત્રો પહેરે અને હંમેશા તપસ્યાનું જીવન જીવે, જેથી તેમના જીવનનું કેન્દ્રીય ઉદ્દેશ્ય ‘ઈશ્વર પ્રત્યેની ભક્તિ’ બને. ઘણીવાર કૌટુંબિક જીવનમાં તેવી સ્ત્રીને માત્ર એક વિધવા ગણવામાં આવે છે, જેથી ઘણી વિધવાઓ પોતાને પવિત્ર સ્થળો જેમ કે વારાણસી અને વૃંદાવનમાં સ્થાયી કરી દે છે.
છતાં, દર વર્ષે, હોળી વૃંદાવનની વિધવાઓના કઠોર જીવનમાં થોડો રંગ લાવી દે છે. પરંપરાગત રીતે ઉત્સવોમાં ભાગ લેવાથી પ્રતિબંધિત, આજકાલ હોળી એક એવો તહેવાર બની ગયો છે, જ્યાં વિધવાઓ જીવનનો આનંદ માણવા માટે રીત-રિવાજો થોડા સમય માટે છોડી શકે છે.
વૃંદાવનની વિધવાઓ
એક વિધવાએ 1998માં ધ ન્યૂ યોર્ક ટાઈમ્સને કહ્યું, “આ અમારું જીવન છે, અને આપણે તેને જીવવું જોઈએ, અને આગામી સમયમાં વધુ સારૂ બને તેની આશા રાખવી જોઈએ.”
આજે, હજારો વિધવાઓ વૃંદાવનમાં રહે છે, જેમાંથી મોટાભાગની બંગાળની છે – રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW) દ્વારા 2010ના અભ્યાસમાં આ સંખ્યા 74 ટકા છે. એવું માનવામાં આવે છે કે, ચૈતન્ય મહાપ્રભુ, 16મી સદીના પૂર્વ ભારતના સંત અને સમાજ સુધારક, ચૈતન્ય મહાપ્રભુ નગરમાં આવ્યા હતા, તેઓના એક જૂથને સતી પ્રથાથી બચાવવા માટે ત્યાં લાવવામાં આવ્યા હતા, જે હવે પ્રતિબંધિત પ્રથા બની ગઈ છે. આ પ્રથામાં પતિના અંતિમ સંસ્કાર સમયે સવર્ણ હિન્દુ મહિલાઓ ચીતા પર બેસી પોતાના પ્રાણ આપી દેતી હતી.
જ્યારે કેટલીક વિધવાઓ પોતાની સ્વતંત્ર ઇચ્છાથી વૃંદાવનમાં આવે છે, ત્યારે કેટલીક ઘરમાં શારીરિક અને માનસિક રીતે અપમાનજનક પરિસ્થિતિઓમાંથી મુક્તી મેળવવા આવે છે, તો કેટલીક મહિલાઓને વૃંદાવનમાં મુકી જવામાં આવે છે.
108 વર્ષીય લલિતા અધિકારીએ 2014માં ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, “મારા પતિના મૃત્યુ પછી મારા જીવનમાંથી રંગ ગાયબ થઈ ગયો. હું માત્ર 20 વર્ષની હતી. હું રંગબેરંગી કપડાં પહેરી શકતી ન હતી, કે હું મારા હોઠ પર લીપ્સ્ટીક લગાવી શકતી ન હતી. હું ઉજવણી કે તહેવારોથી દૂર થઈ ગઈ હતી.” તેમણે વૃંદાવનમાં 70 વર્ષથી વધુ સમય પસાર કર્યો.
વૃંદાવન વિધવાઓને તેમના પરિવાર સાથેના અપમાનમાંથી મુક્ત કરી શકે છે, પરંતુ ગરીબી નિરાશા લાવે છે. ઘણી વિધવાઓ શહેરની મુલાકાતે આવતા ભક્તો પાસે ભીખ માંગીને દિવસો પસાર કરે છે. અન્ય લોકો મામૂલી પગાર સાથે વિચિત્ર નોકરીઓ કરે છે. લગભગ બધી વિધવાઓ ગરીબીમાં રહે છે અથવા તેની ખૂબ નજીક છે.
NCW 2010 નો અહેવાલ કહે છે, “વૃંદાવનમાં ઉપલબ્ધ તકો અને સુવિધાઓ મહિલાઓને દિવસમાં બે સમયનું ભોજન મેળવવા અને તેમના પર લાદવામાં આવતા વર્જિત અને ઉત્પીડનથી બચવા સક્ષમ બનાવે છે.” પરંતુ, મોટા ભાગની મહિલા (લગભગ 90 ટકા) અભણ છે, અથવા વૃદ્ધાવસ્થાના કારણે શ્રમવાળી મજૂરી માટે અયોગ્ય છે, જેમના માટે દિવસમાં બે ટાઈમનું ભોજન માટે શ્રેષ્ઠ જગ્યા છે.
“શું આ સારું લાગે છે?” સીએનએન દ્વારા તેમના જીવન વિશે પૂછવામાં આવતા 70 વર્ષીય રાદા રાની બિસ્વાસે જવાબ આપ્યો. “હવે બસ મારે ખાવા માટે ભટકવું પડે છે.”
“સફેદ” શહેરમાં રંગ
હિંદુઓમાં વિધવાપણાનું સૌથી સ્પષ્ટ પ્રતીક સફેદ વસ્ત્ર છે, જે સાંસારિક જોડાણો અને ઈચ્છાઓના ત્યાગનું પ્રતીક માનવામાં આવે છે. સરેરાશના દિવસોમાં, વૃંદાવનની ધૂળભરી શેરીઓ સફેદ વસ્ત્રો પહેરેલી સ્ત્રીઓથી ભરેલી હોય છે, કેટલીક ભીખ માંગતી હોય છે અને ભગવાન કૃષ્ણના સ્તોત્ર ગાતી રહેતી હોય છે.
જો કે, તાજેતરના વર્ષોમાં હોળીના તહેવારે આવકારદાયક પરિવર્તન આપ્યું છે. વર્ષો જૂની પરંપરાઓ વિધવાઓને રંગ અને આનંદ બંનેથી વંચિત રાખે છે, હોળી એ સમયગાળો બની ગયો છે, જ્યાં ભાગ્યના હાથે પીડિત મહિલાઓ સમાજ દ્વારા તેમના પર લાદવામાં આવેલી બેડીઓમાંથી બહાર આવે છે.
તેઓ નૃત્ય કરે છે, બ્રિજભાષામાં પરંપરાગત હોળીના ગીતો ગાય છે અને સૌથી અગત્યનું, રંગબેરંગી ગુલાલ, ફૂલો અને રંગીન પાણી વડે રમે છે. વિધવાઓ વિમલા દાસી (65), રતનિયા દેવી (67) અને છાયા (66) એ 2022 માં એકસાથે પીટીઆઈને કહ્યું, “અમારી ખુશી વ્યક્ત કરવા માટે અમારી પાસે કોઈ શબ્દો નથી.”
એનજીઓ દ્વારા સંચાલીત
વિધવાઓ હોળી રમતી હોવાના અલગ-અલગ ઉદાહરણો હોઈ શકે છે, વિધવાઓ દ્વારા પ્રથમ મોટી ઉજવણી 2013 માં યોજાઈ હતી. ત્યારે જ સુપ્રીમ કોર્ટે 2012માં નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજીના જવાબમાં વિધવાઓની દુર્દશા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. સુલભ ઇન્ટરનેશનલ જેવી એનજીઓ, જે વૃંદાવનમાં 1500 થી વધુ વિધવાઓની સંભાળ રાખે છે, તેમણે આ પરિવર્તનનું નેતૃત્વ કર્યું છે.
સુલભના સ્થાપક ડો. બિંદેશ્વર પાઠકે 2014માં ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, “તહેવાર તેમને એ કહેવાની એક રીત હતી કે, તેઓ આપણામાંના જ એક છે. તેઓ રંગબેરંગી કપડાં પહેરી શકે છે, તેઓ જે ઈચ્છે તે ખાઈ શકે છે. જેઓ ફરીથી લગ્ન કરવા માગે છે તેઓ કરી શકે છે.”
પીટીઆઈએ અહેવાલ આપ્યો હતો કે, ત્યારથી સુલભે વિધવા મહિલાઓ માટે અત્યાર સુધી સૌથી મોટી હોળીની ઉજવણીનું આયોજન કર્યું છે. આ વર્ષે, વિધવાઓએ સોમવારે (6 માર્ચ) વૃંદાવનના ઐતિહાસિક ગોપીનાથ મંદિરમાં હોળી રમી હતી. પ્રેક્ષકો તરીકે ઘણા વિદેશીઓ સહિત સેંકડો ભક્તો હતા.
આનંદની ક્ષણિક પળો
2012 થી ઘણી વસ્તુઓ નિઃશંકપણે સુધરી રહી છે, ધ ન્યૂ યોર્ક ટાઇમ્સે 2019 માં અહેવાલ આપ્યો હતો. 2012ના એક ખૂબ જ સાર્વજનિક કેસમાં સુપ્રીમ કોર્ટે આ બાબત પર ધ્યાન આપ્યા પછી રોકાણ અને નવેસરથી ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું. પરંતુ ઘણી વિધવાઓ માટે, તેમના પરિવારોના હાથે જે આઘાત સહન કરવો પડે છે તે હજુ પણ ભારે દુખ દાયક છે. ગરીબી પણ હજુ એવી જ સમસ્યા છે.
જેમ કે લલિતા અધિકારીએ 2014 માં ધ ઈન્ડિયન એક્સપ્રેસને કહ્યું હતું કે, “વિધવાઓની હાલત એક વાર હોળી રમવાથી બદલાવાની નથી. આ કોઈપણ રીતે સતત ગરીબી અને સામાજિક બહિષ્કારનો સામનો કરવાના તેમના જીવનની ભરપાઈ નથી કરી શકતી. પરંતુ વૃંદાવનમાં વિધવાઓ હોળીની ઉજવણી કરે છે તે આવકાર્ય પરિવર્તન છે.”
અનુવાદ – કિરણ મહેતા