Atiq Ahmed Property Net Worth Details: યુપી પોલીસ માફિયા અતીક અહેમદને ગુજરાતની સાબરમતી જેલમાંથી પ્રયાગરાજ પરત લાવી રહી છે. અતીક લાંબા સમયથી સાબરમતી જેલમાં બંધ હતો. તાજેતરમાં, બાહુબલી અતીક અહેમદનું નામ બહુજન સમાજ પાર્ટીના પૂર્વ ધારાસભ્ય રાજુ પાલ હત્યા કેસના સાક્ષી ઉમેશ પાલ મર્ડર કેસ બાદ હેડલાઇન્સમાં હતું. ત્યારે ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે વિધાનસભામાં અતિકનું નામ લીધું હતું અને કહ્યું હતું કે, તેમની સરકાર માફિયાઓને ખતમ કરવાનું કામ કરશે.
અતીક અહેમદ અત્યાર સુધીમાં 5 વખત ધારાસભ્ય અને એક વખત સાંસદ બની ચૂક્યા છે. વર્ષ 2004માં તેઓ સમાજવાદી પાર્ટીની ટિકિટ પર ફૂલપુર સીટથી ચૂંટણી જીતીને લોકસભામાં પહોંચ્યા હતા. તેમણે 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં પણ પોતાનું નસીબ અજમાવ્યું હતું, પરંતુ તેમને હારનો સામનો કરવો પડ્યો હતો.
પીએમ સામે લડ્યા, માત્ર 855 વોટ મળ્યા
અતીક અહેમદે 2019ની લોકસભા ચૂંટણીમાં વારાણસી સીટ પરથી પીએમ નરેન્દ્ર મોદી સામે પોતાનું નસીબ અજમાવ્યું, પરંતુ તેમને માત્ર 855 વોટ મળ્યા. 2019ની ચૂંટણી દરમિયાન અતીક અહેમદે પોતાની સંપત્તિ અને ગુનાહિત રેકોર્ડની વિગતો પણ સોંપી હતી. ત્યારે આતિકે કહ્યું કે, તે આઠમું પાસ છે. વર્ષ 1979 માં, દસમાની પરીક્ષા આપી, પરંતુ પાસ ન થઈ શક્યો.
અતીક અહેમદે 2019ની ચૂંટણીના એફિડેવિટમાં જણાવ્યું હતું કે, તેમની પાસે કુલ 25 કરોડ (25,50,20,529) થી વધુની સંપત્તિ છે. જેમાં તેમના નામે 1,80,20,315 રૂપિયાની જંગમ સંપત્તિ અને તેમની પત્ની શાઇસ્તા પરવીનના નામે 81,32,946 રૂપિયાની જંગમ મિલકતો હતી. આ સિવાય તેમની પાસે 19 કરોડ (19,65,98,500) થી વધુની સ્થાવર મિલકત હતી, જેમાં ખેતીની જમીન, રહેણાંક મકાનો વગેરેનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે, યુપી સરકારે તાજેતરના દિવસોમાં અતીકની ઘણી સંપત્તિઓને ગેરકાયદેસર જાહેર કરીને તેના પર બુલડોઝર ચલાવ્યું છે.
અતીક અને તેની પત્નીના નામે 7 હથિયાર હતા
અતીક અહેમદે પોતાના સોગંદનામામાં જણાવ્યું હતું કે, તેના અને તેની પત્નીના નામે કુલ 7 હથિયારો છે. જેમાં રિવોલ્વર, રાઈફલ અને SSBL પિસ્તોલ સામેલ હતી. જો કે, બાદમાં સરકારે અતીકનું શસ્ત્ર લાઇસન્સ રદ કરવાની પ્રક્રિયા પણ શરૂ કરી હતી.
અતીકની પત્ની શાઇસ્તા ઘરેણાંની શોખીન છે
અતીક અહેમદની પત્ની શાઇસ્તાને જ્વેલરીનો પણ ખૂબ શોખ છે. આ માહિતી 2019ના એફિડેવિટમાંથી બહાર આવી છે. ત્યારે અતીકે જણાવ્યું હતું કે, તેની પત્ની પાસે લગભગ 1.2 કિલો સોનાના ઘરેણા અને 3810 ગ્રામ ચાંદીના ઘરેણા હતા. જેની કુલ કિંમત 54,21,450 જણાવવામાં આવી હતી.
આ પણ વાંચો – માફીયા અતીક અહમદને લઇને યૂપી પોલીસ રવાના, સાબરમતી જેલમાંથી ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ લઇ જવાશે
પજેરો-લેન્ડ ક્રુઝર જેવા વાહનોના માલિક
અતીક પાસે પજેરો, ટોયોટા લેન્ડ ક્રુઝર, મહિન્દ્રા જીપ અને જીપ્સી સહિત અડધો ડઝન લક્ઝરી વાહનો હતા. અતીકે 2019માં જણાવ્યું હતું કે, તેની સામે કુલ 59 કેસ પેન્ડિંગ છે. જો કે, તાજેતરના અહેવાલો અનુસાર, હવે અતીક પર કેસની સંખ્યા વધીને લગભગ 70 થઈ ગઈ છે. જેમાં હત્યા, હત્યાનો પ્રયાસ જેવા ગંભીર આરોપો છે.