IMD South West Monsoon 2025 Prediction in India : દક્ષિણ પશ્ચિમ ચોમાસુ આ વખતે નિર્ધારિત સમય કરતા વહેલું કેરળ પહોંચી શકે છે. કેરળમાં આગામી ચારથી પાંચ દિવસમાં ચોમાસું ત્રાટકવાની શક્યતા છે, એમ ભારતીય હવામાન વિભાગ (આઇએમડી)એ મંગળવારે જણાવ્યું હતું. સામાન્ય રીતે કરેળમાં 1 જૂને ચોમાસાનો વરસાદ આવી પહોંચે છે, પરંતુ આ વખતે તે વહેલું આવી શકે છે. આ પહેલા 27 મે સુધી ચોમાસુ કેરળ પહોંચી જશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. જો ચોમાસું વહેલું આવશે તો 2009 પછી આ સૌથી વહેલું ચોમાસું હશે. તે વર્ષે 23 મેથી ચોમાસાની શરૂઆત થઈ હતી.
મંગળવારે બપોરે ભારતીય હવામાન વિભાગ (IMD) એ એક નવું અપડેટ આપ્યું હતું. કેરળમાં આગામી 4-5 દિવસમાં ચોમાસાના આગમન માટે પરિસ્થિતિઓ અનુકૂળ દેખાઈ રહી છે, એમ તેમાં જણાવાયું હતું. કેરળમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાની સામાન્ય શરૂઆતની તારીખ 1 જૂન છે. આ પછી, તે 8 જુલાઈ સુધીમાં દેશભરમાં ફેલાઇ જાય છે. ત્યાર પછી 17 સપ્ટેમ્બરની આસપાસ ઉત્તર પશ્ચિમ ભારતથી ચોમાસું પરત ફરવાનું શરૂ થાય છે અને 15 ઓક્ટોબર સુધીમાં સંપૂર્ણ રીતે વરસાદની સીઝન સમાપ્ત થઇ જાય છે.
2025માં કેરળમાં ક્યારે પહોંચ્યું હતું ચોમાસું?
હવે જો છેલ્લા કેટલાક આંકડા પર નજર કરીએ તો વર્ષ 2024માં ચોમાસું 30 મેના રોજ કેરળ પહોંચ્યું હતું. 2023માં 8 જૂને કેરળમાં ચોમાસાની શરૂઆત થઇ હતી. વર્ષ 2022માં 29 મેના રોજ ચોમાસું કેરળ પહોંચ્યું હતું. તો 2021માં 3 જૂન, 2020માં 1 જૂન, 2019માં 8 જૂન અને 2018માં 29 મેના રોજ ચોમાસું કેરળ પહોંચ્યું હતું.
ચોમાસામાં સામાન્યથી વધુ વરસાદની આગાહી
આઇએમડીએ આગાહી કરી હતી કે આ વર્ષે ચોમાસામાં સામાન્યથી વધુ વરસાદ જોવા મળી શકે છે. આ વખતે અલનીનોની અસર જોવા નહીં મળે તેમ પણ જણાવ્યું હતું. અલ નીનો એ હવામાનની સ્થિતિ છે જેમા સામાન્ય રીતે ભારતમાં ઓછો વરસાદ પડે છે.
IMDના સરેરાશ આંકડાને સમજો
આઇએમડીના જણાવ્યા અનુસાર, 50 વર્ષની સરેરાશ 87 સેમીના 96 ટકાથી 104 ટકા વચ્ચે વરસાદ સામાન્ય માનવામાં આવે છે. લાંબા ગાળાની સરેરાશના 90 ટકાથી ઓછો વરસાદ ઓછો ગણવામાં આવે છે. 90 ટકાથી 95 ટકા વચ્ચેના વરસાદને “સામાન્યથી ઓછો” માનવામાં આવે છે. 105 ટકાથી 110 ટકા વચ્ચેના વરસાદને “સામાન્યથી વધુ” ગણવામાં આવે છે, અને 110 ટકાથી વધુ વરસાદને “અતિશય” વરસાદ માનવામાં આવે છે.
ચોમાસાનો વરસાદ ભારત માટે મહત્વપૂર્ણ
ભારતની ખેતી માટે ચોમાસું ખૂબ મહત્વનું છે. દેશની લગભગ 42.3 ટકા વસ્તી ખેતી દ્વારા આજીવિકા મેળવે છે. એટલું જ નહીં દેશના જીડીપીમાં કૃષિ ક્ષેત્રનું યોગદાન 18.2 ટકા છે. સાથે જ દેશભરમાં પીવાના પાણી અને વીજળી ઉત્પન્ન કરવા માટે મહત્વના જળાશયો ભરવા પણ જરૂરી છે.