Weather Report: દિલ્હી સહિત ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી પડી રહી છે. પહાડી રાજ્યો હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ કાશ્મીરમાં જોરદાર હિમ વર્ષા થઇ રહી છે. જેના કારણે મેદાની વિસ્તારોમાં શીત લહેર જોવા મળી રહી છે. રવિવારે રાજસ્થાનના ઘણા વિસ્તારમાં તાપમાન ફ્રીજિંગ પોઇન્ટથી નીચે નોંધાયું છે. રાજસ્થાનના સીકરમાં છોડ પર અને ખેતરમાં બરફની ચાદર જોવા મળી હતી. અહીં તાપમાન શૂન્યથી નીચે પહોંચી ગયું છે. ગુજરાતમાં પણ કડકડતી ઠંડી પડવાની આગાહી કરી છે. કચ્છમાં આગામી 24 કલાકમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે.
રાજસ્થાનના ફતેહપુર-શેખાવટીમાં -4.7 ડિગ્રી તાપમાન
કૃષિ અનુસંધાન કેન્દ્ર (ARS), ફતેહપુર-શેખાવટીના ઝોનલ નિર્દેશક શીશરામ ઢાકાનું કહેવું છે કે ફતેહપુર-શેખાવટીમાં તાપમાન -4.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. બે દિવસોથી સીકર, ચુરુ અને ઝુંઝુનુ જેવા વિસ્તારમાં તાપમાન માઇનસમાં આવી રહ્યું છે અને સખત ઠંડી પડી રહી છે.
રાજસ્થાનના માઉન્ટ આબુમાં બરફની ચાદર જોવા મળી રહી છે અને તાપમાન બધા જૂના રેકોર્ડ તોડી રહ્યું છે. અહીં તાપમાન -4 ડિગ્રી સેલ્સિયસ રેકોર્ડ થયું છે. વિસ્તારમાં 4 થી 5 ઇંચ મોટી બરફ જોવા મળી છે. છેલ્લા 24 કલાક દરમિયાન લદાખ, જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશના ઘણા ભાગોમાં ઘણી બરફ વર્ષા થઇ છે.
આ પણ વાંચો – શું ખરેખર મેદાનો ઉપર -4 ડિગ્રી સુધી જઈ શકે છે તાપમાન? સતત થઈ રહી છે હિમવર્ષા, શું હકીકત?
પંજાબ-હરિયાણામાં ઓરેન્જ એલર્ટ
આઈએમડીએ સોમવારે પંજાબ અને હરિયાણામાં ગાઢ ધુમ્મસ અને ઠંડીની સ્થિતિ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. સ્કાઇમેટ વેધરના મતે 23 જાન્યુઆરીથી 26 જાન્યુઆરી સુધી પહાડી વિસ્તારોમાં ભારે બરફ વર્ષા થઇ શકે છે. બીજી તરફ પૂર્વોત્તરમાં વરસાદ પડી શકે છે. મધ્ય ભારત સુધી વરસાદનું પૂર્વાનુમાન છે.
Skymetના મતે આગામી 24 કલાક દરમિયાન ઉત્તમ પશ્ચિમ અને મધ્ય ભારતના તાપમાનમાં 2 થી 3 ડિગ્રી ઘટાડો જોવા મળી શકે છે. જેમાં રાજસ્થાના કેટલાક વિસ્તારો અને હરિયાણાના કેટલાક ભાગોમાં શીત લહેરની સ્થિતિ જોવા મળી શકે છે. હિમાચલ પ્રદેશમાં પણ શીત લહેરની સંભાવના છે. અરુણાચલ પ્રદેશમાં હળવો વરસાદ અને બરફ વર્ષાની સંભાવના છે. પૂર્વી અસમમાં હળવો વરસાદ આગામી 24 કલાક દરમિયાન થઇ શકે છે.