ભાજપ સરકાર ભારતને ‘ગ્લોબલ એજ્યકેશન હબ’ એટલે કે ‘શિક્ષણનું વૈશ્વિક કેન્દ્ર’ બનાવવાના દાવા કરે છે જો કે વાસ્તવિકતા તેનાથી તદ્દન વિપરીત છે. દેશમાં મોટી સંખ્યામાં શાળાઓ બંધ થવાથી અને શિક્ષકોની સંખ્યાથી ઘટવાથી શિક્ષણનું સ્તર કથળી રહ્યુ છે. શિક્ષણ મંત્રાલયે ખુદ એક અહેવાલમાં જણાવ્યુ છે કે, વર્ષ 201-22 દરમિયાન દેશમાં 20,000થી વધુ શાળાઓ બંધ થઇ છે તેની સાથે સાથે શિક્ષકોની સંખ્યામાં પણ 2.8 લાખનો ઘટાડો થયો છે.
UDISE+ રિપોર્ટમાં ઘટસ્ફોટ
વર્ષ 2021-22 માટે ભારતમાં શાળા શિક્ષણ પર યુનિફાઇડ ડિસ્ટ્રિક્ટ ઇન્ફર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશન પ્લસ (UDISE+) શીર્ષક ધરાવતા અહેવાલમાં એ પણ દર્શાવવામાં આવ્યું છે કે માત્ર 44.85 ટકા શાળાઓમાં કોમ્પ્યુટરની સુવિધા છે જ્યારે લગભગ 34 ટકા શાળાઓમાં ઇન્ટરનેટ કનેક્શન છે.
દેશમાં 20,000 શાળાઓ બંધ થઇ
ગુરુવારે રજૂ કરાયેલા આ અહેવાલ અનુસાર “વર્ષ 2020-21માં 15.09 લાખ શાળાની સરખામણીમાં વર્ષ 2021-22માં શાળાઓની કુલ સંખ્યા 14.89 લાખ નોંધાઇ હતી. દેશભરમાં શાળાઓની કુલ સંખ્યામાં ઘટાડો મુખ્યત્વે ખાનગી અને અન્ય મેનેજમેન્ટ હેઠળની શાળાઓ બંધ થવાનું પરિણામ છે. ”
શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા વધી
કોરોના મહામારીની વિપરિત અસરો વચ્ચે દેશભરની શાળાઓમાં નોંધાયેલા વિદ્યાર્થીઓની સંખ્યામાં એકંદરે વધારો જોવા મળ્યો છે. વર્ષ 2021-22 દરમિયાન પ્રાથમિકથી ઉચ્ચ માધ્યમિક સુધીની શાળાઓમાં નોંધાયેલા વિદ્યાર્થીઓની કુલ સંખ્યા 25.57 કરોડ હતી. જે વર્ષ 2020-21ની તુલનાએ 19 લાખ વધારે છે. વર્ષ 2021-22માં શાળામાં છોકરાઓની સંખ્યા 13.28 કરોડ અને છોકરીઓની સંખ્યા 12.28 કરોડ છે. ઉચ્ચ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના સ્તરે વિદ્યાર્થીઓની નોંધણીમાં વધારો થયો છે, જે શાળાની શિક્ષણ વ્યવસ્થામાં વધુને વધુ બાળકોને જાળવી રાખવાની ક્ષમતામાં સુધારાને દર્શાવે છે.
કન્યા વિદ્યાર્થીઓની સંખ્યા વધી
વર્ષ 2021-22 દરમિયાન પ્રાથમિકથી ઉચ્ચ માધ્યમિકના વર્ગોમાં 12.28 કરોડથી વધુ કન્યા વિદ્યાર્થીઓ નોંધાયેલી હતી, જે વર્ષ 2020-21ની તુલનાએ 8.19 લાખ વધારે છે.
શિક્ષકોની સંખ્યા 2.8 લાખ ઘટી
ભારતમાં વર્ષ 2021-22 દરમિયાન કુલ શિક્ષકોની સંખ્યા 95.07 લાખ હતી, જે 2020-21માં ઘટીને 97.87 લાખ થઈ છે. આમ આંકડાની દ્રષ્ટિએ દેશભરની શાળાઓમાં શિક્ષકોની સંખ્યા 2.8 લાખ અને ટકાવારીની રીતે 1.95 ટકા ઘટી છે. પ્રાથમિક શાળામાં ભણાવતા શિક્ષકોની ટકાવારી વર્ષ 2020-21ના 35.4 ટકાથી ઘટીને વર્ષ 2021-22માં 34.4 ટકા થઇ છે તેવી જ રીતે ઉચ્ચ પ્રાથમિકમાં 21.5 ટકાથી ઘટીને 2021-22માં 18.9 ટકા થઇ છે.
વર્ષ 2020-21 દરમિયાન સરકારી શાળાઓમાં શિક્ષકોની સંખ્યા 0.9 ટકા, સરકારી ગ્રાન્ટેડ શાળાઓમાં 1.45 ટકા, ખાનગી શાળામાં 2.94 ટકા અને અન્ય શાળાઓમાં 8.3 ટકા ઘટી છે.
દેશમાં કેટલી શાળામાં કઇ સુવિધા ઉપલબ્ધ છે:
- વીજ જોડાણ: 89.3 ટકા
- પીવાનું પાણી: 98.2 ટકા
- કન્યા શૌચાલય: 97.5 ટકા
- CWSN શૌચાલય: 27 ટકા
- હાથ ધોવાની સુવિધા: 93.6 ટકા
- રમતનું મેદાન: 77 ટકા
- પુસ્તકાલય/ વાંચન ખંડ: 87.3 ટકા
UDISE+ રિપોર્ટમાં શાળામાં વિદ્યાર્થીઓ માટેની સુવિધાનો અભાવ હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ અહેવાલ અનુસાર દેશમાં માત્ર 27 ટકા શાળાઓમાં દિવ્યાંગ બાળકો માટે વિશિષ્ટ પ્રકારના શૌચાલયની (CSWN) સુવિધા ઉપલબ્ધ હતી .