India Agni Prime Missile Test Launch: ભારતે રેલ આધારિત મોબાઇલ લોન્ચર સિસ્ટમથી મધ્યમ અંતરની ‘અગ્નિ-પ્રાઇમ’ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું હતું. દેશના રક્ષામંત્રી રાજનાથ સિંહે આ જાણકારી આપી છે. તેમણે માહિતી આપી હતી કે ખાસ ડિઝાઇન કરાયેલ રેલ આધારિત મોબાઇલ લોન્ચરથી હાથ ધરવામાં આવેલું આ પ્રકારનું આ પ્રથમ પરીક્ષણ છે. તેમણે કહ્યું કે નેક્સ્ટ જનરેશન ‘અગ્નિ-પ્રાઇમ’ મિસાઇલ 2,000 કિમી સુધીના લક્ષ્યોને નિશાન બનાવી શકે છે.
રેલ આધારિત મોબાઇલ લોન્ચર્સના ફાયદા શું છે?
રક્ષામંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, અગ્નિ-પ્રાઇમ મિસાઇલને ખાસ ડિઝાઇન કરેલા રેલ આધારિત મોબાઇલ લોન્ચર વડે લોન્ચ કરવામાં આવી હતી. આ પ્રકારનું આ પ્રથમ લોન્ચિંગ છે. આ લોન્ચિંગ માટે કોઈ ફેરફારની જરૂર નથી, તેમાં કોઈ પૂર્વશરત વિના રેલવે નેટવર્ક પર ચલાવવાની ક્ષમતા ધરાવે છે.
આનો ફાયદો એ છે કે આ લોન્ચર સિસ્ટમને ટ્રેન દ્વારા દેશમાં ગમે ત્યાં સરળતાથી પહોંચાડી શકાય છે. તે ઓછી વિઝિબિલિટી સાથે ઓછા રિએક્શન સમયમાં લોન્ચ કરવામાં સક્ષમ છે. સફળ પરીક્ષણે ભારતને એવા પસંદગીના દેશોમાં સ્થાન આપ્યું છે જે રેલ નેટવર્કથી કેનિસ્ટરાઇઝ્ડ લોન્ચ સિસ્ટમ વિકસાવવાની ક્ષમતા ધરાવે છે.