Asad Rehman : ઉત્તર પ્રદેશમાં બેઠકોની વહેંચણી અંગે ઇન્ડિયા ગઠબંધના ઘટકોમાં હજુ બધુ વ્યવસ્થિત સેટ થયું નથી. સપા અને કોંગ્રેસ સિવાય મહાગઠબંધનના ત્રીજા ભાગીદાર રાષ્ટ્રીય લોકદળ (આરએલડી) કઈ બેઠકો પર ચૂંટણી લડશે તે અંગે સ્પષ્ટતાના અભાવથી નાખુશ છે. સપા અને આરએલડીએ 19 જાન્યુઆરીએ બેઠકોની વહેંચણીની સમજૂતી કરી હતી. જેમાં જયંત ચૌધરીના નેતૃત્વ હેઠળની પાર્ટીને સાત બેઠકો મળી હતી.
જોકે આરએલડીએ બેઠકોની વહેંચણી અંગે ટિપ્પણી કરવાનું ટાળ્યું છે. પરંતુ પક્ષના નેતાઓએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે જો કોંગ્રેસ અને અખિલેશ યાદવની આગેવાની હેઠળની પાર્ટી વચ્ચેની વાટાઘાટો નિષ્ફળ જશે તો તે સપાનો પક્ષ લેશે.
આરએલડીને કઇ બેઠકો મળશે તેને લઇને સસ્પેન્સ
આરએલડીના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું કે કોંગ્રેસ અને સપા વચ્ચે જે પણ થાય અમે સપા સાથે અમારું ગઠબંધન ચાલુ રાખીશું કારણ કે રાજ્યમાં મતદાર આધારનો અભાવ ધરાવતી કોંગ્રેસ સાથે જવું અમારા માટે ફાયદાકારક રહેશે નહીં. જયંતજી અને અખિલેશજીએ આરએલડીને કઈ બેઠકો મળશે તે જાહેર કરવાનો ઇન્કાર કરી દીધો છે અને તેના પરિણામે આરએલડીના ચિન્હ પર ચૂંટણી લડવાની તૈયારી કરી રહેલા નેતાઓમાં થોડી ચિંતા ઉભી થઈ છે.
પાર્ટીના અન્ય એક નેતાએ કહ્યું કે કેટલાક મતવિસ્તારો પર સમજૂતી થઈ ગઈ છે. અમને ખાતરી છે કે અમને બાગપત અને મથુરા મળશે. પરંતુ મેરઠ, મુઝફ્ફરનગર, નગીના, આગ્રા અને હાથરસ જેવી બેઠકો માટે કોઈ નિશ્ચિતતા નથી. તેથી, ત્યાંના ઉમેદવારો તેમના વિકલ્પો ખુલ્લા રાખવા કે નહીં તે વિશે ચોક્કસ નથી.
પરંતુ આરએલડીના રાષ્ટ્રીય મહાસચિવ અનુપમ મિશ્રાએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે પાર્ટી કેડર તમામ બેઠકો પર કામ કરી રહી છે અને આવા મુદ્દાઓ તેમને અસર કરતા નથી. તેમણે કહ્યું કે અમને ગમે તે બેઠકો મળે અમે જમીન પર તૈયારી કરી રહ્યા છીએ અને તે જ મહત્વનું છે.
સપા અને કોંગ્રેસને બેઠકોની વહેંચણીની ડીલ પર અડચણોનો સામનો કરવો પડી રહ્યો છે. ગત અઠવાડિયે કોંગ્રેસે કહ્યું હતું કે સપાએ 16 ઉમેદવારોની યાદી જાહેર કર્યા પછી તે આંખ આડા કાન કરી રહી હોવાનું અનુભવે છે. જેમાંથી કેટલીક કોંગ્રેસને મળવાની અપેક્ષા છે. બંને પક્ષો વચ્ચેના સંબંધો તંગ બન્યા છે કારણ કે સપાએ તેના માટે 11 બેઠકો અલગ રાખવાની જાહેરાત કરીને કોંગ્રેસને આશ્ચર્યચકિત રી દીધી હતી. કોંગ્રેસનો આગ્રહ છે કે બેઠકોની વહેંચણીને હજુ આખરી ઓપ અપાયો નથી.
કોંગ્રેસ અન્ય વિકલ્પો પર વિચાર કરી શકે છે
અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ (એઆઈસીસી)ના ઉત્તર પ્રદેશના પ્રભારી અવિનાશ પાંડેએ આ સપ્તાહની શરૂઆતમાં કહ્યું હતું કે કોંગ્રેસ અન્ય વિકલ્પો પર વિચાર કરી શકે છે અને કહ્યું હતું કે તેમની પાર્ટી વિરુદ્ધ આધાર બનાવવાનો પ્રયાસ કરનારાઓએ જાણવું જોઈએ કે કોંગ્રેસ નમ્ર હોઈ શકે છે, તે ટેકો આપી શકે છે, પરંતુ તે લાચાર નથી.
આ પણ વાંચો – શિવરાજ સિંહ ચૌહાણથી હટીને મોહન યાદવ મધ્ય પ્રદેશ સરકારને કેવી રીતે આપી રહ્યા છે નવો આકાર?
સપાએ આરએલડી રેન્કમાં નારાજગીની વાતને નકારી કાઢતાં કહ્યું હતું કે આરએલડી કઈ બેઠકો પર ચૂંટણી લડશે તે નક્કી કરવા માટે પૂરતો સમય છે. પક્ષના રાષ્ટ્રીય પ્રવક્તા રાજેન્દ્ર ચૌધરીએ જણાવ્યું હતું કે આરએલડી તેના ઉમેદવારો નક્કી કરી રહી છે અને ટૂંક સમયમાં જ કોઈ નિષ્કર્ષ પર પહોંચશે.
સપા અને આરએલડી 2019ની લોકસભાની ચૂંટણીથી રાજ્યમાં સાથી પક્ષો છે
સપા અને આરએલડી 2019ની લોકસભાની ચૂંટણીથી રાજ્યમાં સાથી પક્ષો છે, જ્યારે જયંત ચૌધરીની આગેવાની હેઠળની પાર્ટીએ મહાગઠબંધનના ભાગ રૂપે ત્રણ બેઠકો પર ચૂંટણી લડી હતી. જેમાંથી બહુજન સમાજ પાર્ટી પણ સાથે હતી. સપાએ 37 બેઠકો પર ચૂંટણી લડી હતી, જેમાંથી પાંચ બેઠકો પર તેણે વિજય મેળવ્યો હતો. 2022ની વિધાનસભા ચૂંટણીમાં સપા-આરએલડી ગઠબંધને 120 સીટો પર જીત મેળવી હતી. જ્યારે સપાએ લડેલી 347 બેઠકોમાંથી 111 બેઠકો જીતી હતી, જ્યારે આરએલડીએ 33 બેઠકોમાંથી નવ બેઠકો જીતી હતી જ્યાં તે મેદાનમાં હતી.





