INDIA Alliance : ઇન્ડિયા એલાયન્સની ચોથી બેઠકમાં ભાગ લેનારી પાર્ટીઓ વચ્ચે ઘણા મહત્વના મુદ્દાઓ પર સહમતિ બની છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ બેઠકમાં ઇન્ડિયા ગઠબંધનના પીએમ પદના ઉમેદવાર પર ચર્ચા કરવામાં આવી હતી. અહેવાલ છે કે આ બેઠકમાં મમતા બેનર્જીએ મલ્લિકાર્જુન ખડગેને વિપક્ષી ગઠબંધનનો ચહેરો બનાવવાનો પ્રસ્તાવ મુક્યો હતો. જેને આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે સમર્થન આપ્યું હતું.
જોકે મલ્લિકાર્જુન ખડગેને જ્યારે આ સવાલ પૂછવામાં આવ્યો તો તેમણે કહ્યું કે પીએમ પર નિર્ણય જીત બાદ લેવામાં આવશે. તેમણે કહ્યું કે પહેલા આપણે જીતવું પડશે અને બહુમતી મેળવવી પડશે પછી સાંસદો લોકતાંત્રિક રીતે નિર્ણય લેશે. તેમણે કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી વિચારે છે કે શાસન કરવા માટે તેમનાથી વધુ સારું કોઈ નથી, અમે તે વિચાર સાથે મુકાબલો કરીશું.
બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સમાં મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે ચોથી બેઠકમાં 28 પાર્ટીઓએ હાજરી આપી હતી અને તેમણે પોતાના વિચારો રજૂ કર્યા હતા. તેમણે કહ્યું કે બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે તમામ પાર્ટીઓ મળીને 8 થી 10 મીટિંગ કરશે.
બેઠકોની વહેંચણીનો મુદ્દો રાજ્ય સ્તરે રહેશે
સીટોની વહેંચણીના સવાલ પર મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે તમિલનાડુ, કેરળ, તેલંગાના, બિહાર, ઉત્તર પ્રદેશ, દિલ્હી કે પછી પંજાબ હોય સીટોની વહેંચણી સાથે જોડાયેલા મુદ્દાઓનો ઉકેલ લાવવામાં આવશે. તેમણે કહ્યું કે બેઠકોની વહેંચણી રાજ્ય સ્તરે કરવામાં આવશે. જો કોઈ મુદ્દો હશે તો તેને કેન્દ્રીય સ્તરે ઉકેલવામાં આવશે.
આ પણ વાંચો – ‘રથમાં 27 ઘોડા છે પણ સારથિ નથી’, શિવસેનાએ બેઠક પહેલા સંયોજકને લઈને કોંગ્રેસ પર નિશાન સાધ્યું
પત્રકાર પરિષદમાં મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે અમે સાંસદોના સસ્પેન્શનને બિનલોકશાહી ગણાવીને એક ઠરાવ પસાર કર્યો છે. લોકશાહીને બચાવવા માટે આપણે બધાએ સાથે મળીને લડવું પડશે અને અમે બધા તેના માટે તૈયાર છીએ. અમે સંસદમાં સુરક્ષાના ભંગનો મુદ્દો ઉઠાવ્યો હતો. અમે ગૃહમંત્રી અમિત શાહ અથવા પીએમ નરેન્દ્ર મોદી પાસે નિવેદનની માંગ કરી રહ્યા છીએ પરંતુ તેઓ તૈયાર નથી.
22 ડિસેમ્બરે સાંસદોને સસ્પેન્ડ કરવા સામે વિરોધ પ્રદર્શન
તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ પહેલીવાર છે જ્યારે 151 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અમે તેની સામે લડીશું, આ ખોટું છે. અમે તેની સામે લડવા માટે એકથયા છીએ. અમે નક્કી કર્યું છે કે અમે 22 ડિસેમ્બરે સાંસદોના સસ્પેન્શન સામે વિરોધ પ્રદર્શન કરીશું. બેઠક બાદ સપા અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું કે ટૂંક સમયમાં સીટોની વહેંચણીનું કામ થઇ જશે. તેમણે કહ્યું કે અમે પીડીએ દ્વારા ભાજપને હરાવીશું.
ડી રાજાએ કહ્યું – પહેલા સાંસદોના સસ્પેન્શનનો મુદ્દો ઉઠાવીશું
બેઠક બાદ મીડિયા સાથે વાતચીત કરતા સીપીઆઈના મહાસચિવ ડી રાજાએ કહ્યું કે બેઠકમાં સીએમપી પર ચર્ચા થઈ. હવે નક્કી થયું છે કે સાંસદોને સસ્પેન્ડ કરવાનો મુદ્દો પહેલા ઉઠાવવામાં આવશે, કારણ કે તે લોકતંત્ર પર હુમલો છે. આ આપણી સંસદીય પ્રણાલી પર હુમલો છે. આથી સમગ્ર દેશમાં દેખાવો થવા જોઈએ. આ અંગે મોટા મોટા દેખાવો થશે. પીએમ પદના ઉમેદવાર પર કંઈ નક્કી નથી થયું. 22 ડિસેમ્બરે તમામ રાજ્યના મુખ્યાલયો પર મોટા પ્રદર્શન થશે. અમે શક્ય તેટલી વહેલી તકે બેઠક વહેંચણીની વ્યવસ્થા પર કામ કરીશું. આપણે સાથે મળીને ભાજપ સામે લડવું પડશે.
ઇવીએમ પર પણ ચર્ચા થઇ
કોંગ્રેસ પાર્ટીના સાંસદ અને મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું કે આ બેઠક ઘણી સફળ રહી. બધાએ ખુલીને વાત કરી. હવે સીટોની વહેંચણી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. ઘણી બધી બાબતો પર ચર્ચા થઈ હતી પરંતુ દરેક વિષય પર એક જ દિવસે ચર્ચા થઈ શકતી નથી. સીટ શેરિંગ પર ચર્ચા જલ્દી શરૂ થવી જોઈએ. બેઠકમાં સામેલ થયેલા સીપીઆઈ (એમએલ)ના નેતા સીતારામ યેચુરીએ કહ્યું કે બેઠકમાં ઈવીએમનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો. અમે આ મામલો ચૂંટણી પંચ સમક્ષ ઉઠાવીશું.