ઉત્તર પ્રદેશ ATS એ વિદેશ મંત્રાલયમાં તૈનાત સત્યેન્દ્ર સિવાલ નામના કર્મચારીની મેરઠથી ધરપકડ કરી છે. તેના પર ISI માટે ગુપ્તચર સહાયકની ભૂમિકા ભજવવાનો આરોપ છે. હાલ તે મોસ્કોમાં ભારતીય દૂતાવાસમાં તૈનાત છે. સત્યેન્દ્ર સિવાલ હાપુડનો રહેવાસી છે અને વર્ષ 2021 થી ઈન્ડિયા બેસ્ટ સિક્યોરિટી આસિસ્ટન્ટ (IBSA) ની પોસ્ટ પર કાર્યરત છે. મીડિયા રિપોર્ટ્સને ટાંકીને કહેવામાં આવી રહ્યું છે કે, તેની મેરઠથી ધરપકડ કરવામાં આવી છે.
જાસૂસીનો આરોપ
સત્યેન્દ્ર સિવાલ પર ISI ને મહત્વપૂર્ણ ગુપ્ત માહિતી આપવાનો આરોપ છે. ATS એ તેની ધરપકડ કરી, પૂછપરછ કરી અને માહિતી આપી કે, તેણે આરોપો પણ કબૂલ કર્યા છે.
એટીએસના એડિશનલ ડાયરેક્ટર જનરલ મોહિત અગ્રવાલે મીડિયાને જણાવ્યું કે, સતેન્દ્ર મોસ્કોમાં ભારતીય દૂતાવાસમાં મલ્ટી-ટાસ્કિંગ સ્ટાફ મેમ્બર તરીકે તૈનાત હતો. તેના પર ISI માટે કથિત રીતે જાસૂસી કરવાનો અને સરહદ પારથી માહિતી શેર કરવાનો આરોપ છે. મોહિત અગ્રવાલે કહ્યું, “તે છેલ્લા છ મહિનાથી દેખરેખ હેઠળ હતો અને મોસ્કોમાં એમ્બેસીમાંથી રજા લઈને હાપુડ પરત ફરતા જ પકડાયો હતો.” એટીએસ વડાએ કહ્યું કે, સતેન્દ્ર 2021 થી મોસ્કોમાં ભારતીય દૂતાવાસમાં ભારત સ્થિત સુરક્ષા સહાયક (IBSA) તરીકે કામ કરી રહ્યો હતો.
નિવેદનમાં ઉમેર્યું હતું કે, “એવું જાણવા મળ્યું છે કે, તે ISI હેન્ડલર્સ સાથે ભારત વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ હતો. તે પૈસાના બદલામાં ISI હેન્ડલર્સને ભારતીય સેના અને સૈન્ય ગતિવિધિઓ વિશે વર્ગીકૃત માહિતી પૂરી પાડતો હતો. તેને મેરઠમાં ATS ઓફિસમાં બોલાવવામાં આવ્યો હતો જ્યાં, તે તેના દ્વારા મોકલવામાં આવેલી માહિતી અંગે સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો. વધુ પૂછપરછમાં તેણે પોતાનો ગુનો કબૂલી લીધો હતો.”
આ પણ વાંચો – એલકે અડવાણીને ભારત રત્નથી સન્માનિત કરી પીએમ મોદીએ આપી ગુરુદક્ષિણા; શું આ લોકસભા ચૂંટણી પહેલા ભાજપનો માસ્ટરસ્ટ્રોક છે?
શું શેર કર્યું?
એટીએસના એડિશનલ ડાયરેક્ટર જનરલ મોહિત અગ્રવાલે વધુમાં જણાવ્યું કે, સતેન્દ્ર પર સેના સાથે જોડાયેલી માહિતી અને દૂતાવાસના વિદેશ કાર્યાલય સાથે સંબંધિત દસ્તાવેજો શેર કરવાનો આરોપ છે. એટીએસ વડાએ કહ્યું, “અમે તેના બેંક ખાતાઓની તપાસ કરી રહ્યા છીએ અને તેના સહયોગીઓ વિશે વધુ માહિતી એકઠી કરવા માટે તેનો મોબાઈલ ફોન પણ જપ્ત કર્યો છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, તેની પાસેથી બે મોબાઈલ ફોન, એક આધાર કાર્ડ, PAN કાર્ડ, એક ઓળખ દસ્તાવેજ અને 600 રૂપિયા રોકડા જપ્ત કરવામાં આવ્યા હતા.





