ભારતમાં આજે 74માં પ્રજાસત્તાક દિવસની ઉજવાયો છે અને સર્ચ એન્જિન ગુગલે તેને વિશેષ અને યાગદાર બનાવી દીધો છે. ગુગલે સ્પેશિયલ ‘ડૂડલ’ બનાવીને દેશને ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવી છે. પ્રજાસત્તાક દિવસની થીમ દર્શાવતા આ ડૂડલમાં દિલ્હીના કર્તવ્ય પથ પર પ્રજાસત્તાક દિવસની ઝાંખી પ્રદર્શિત કરી છે. સૌથી વિશેષ બાબત એ છે કે, આ ડૂડલમાં ‘હેન્ડ-કટ પેપર આર્ટ’ની શૈલીનો ઉપયોગ કર્યો છે અને તે તૈયાર કરનાર એક અમદાવાદી આર્ટીસ્ટ છે. જાણો જાણીયે વિગતવાર…
આ ગુગલ ડૂડલમાં શું ખાસ છે?
ગૂગલ દ્વારા બનાવવામાં આવેલા ‘ડૂડલ’માં રાષ્ટ્રપતિ ભવન, ઈન્ડિયા ગેટ, નોર્થ બ્લોક અને સાઉથ બ્લોક જેવી ઐતિહાસિક ઈમારતો પ્રદર્શિત કરવામાં આવી છે. આ સાથે, પ્રજાસત્તાક દિવસની ઔપચારિક પરેડની પણ ડૂડલમાં પ્રદર્શિત કરવા માટે, સૈન્ય દળો અને મોટરસાયકલ પર કરતબ કરતા સૈનિકોને પણ અંકિત કરવામાં આવ્યા છે. આ પેપર-કટ આર્ટમાં Google એ તેનું બ્રાંડ નેમ અંગ્રેજીમાં પણ લખ્યું છે, જે પ્રતીકાત્મક રીતે ‘O’ શબ્દને રાષ્ટ્રપતિ ભવનના ગુંબજમાં દર્શાવવામાં આવ્યો છે. મોર અને ફૂલોની આકૃતિઓ આ ‘મોનોક્રોમ’ એટલે કે બ્લેક એન્ડ વ્હાઇટ ડૂડલને અત્યંત આકર્ષક બનાવી રહી છે. આ ડૂડલ પર ક્લિક કરવાથી એક વિશેષ પેજ ખુલે છે, જેના પર India Republic Day 2023 ના શીર્ષક સાથે ભારતના પ્રજાસત્તાક દિવસ વિશે માહિતી આપતું એક લખાણ છે, જેના અંતે “Happy Republic Day, India!” એવું લખીને દેશની જનતાને શુભેચ્છાઓ પાઠવી છે.
અમદાવાદના આર્ટિસ્ટે બનાવ્યું આ ‘ડૂડલ’
આ ગૂગલ ડૂડલ અમદાવાદના ગેસ્ટ આર્ટિસ્ટ પાર્થ કોઠેકરે બનાવ્યું છે. કોઠેકરે જણાવ્યું, “મને 74મા પ્રજાસત્તાક દિવસની પ્રસ્તુતિમાં #googledoodleનો હિસ્સો બનવા બદલ ગૌરવ અનુભવી રહ્યો છે. તેમણે કહ્યું કે, હું આ આર્ટ મારફતે ભારતની એક ઝાંખી દર્શાવવા ઇચ્છતો હતો. કોઠેકરે આ માટે ગૂગલનો આભાર પણ માન્યો છે. ગૂગલે વેબસાઈટ પર એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં આર્ટિસ્ટ પાર્થે કેવી રીતે આ પેપર-વર્ક આર્ટ બનાવ્યું છે.

આ પણ વાંચોઃ ભારતમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે 26 જાન્યુઆરી જ કેમ પસંદ કરવામાં આવી?
74મા પ્રજાસત્તાક દિવસને યાદગાર બનાવ્યો
26 જાન્યુઆરી, 1950ના રોજ ભારતમાં બંધારણ અપનાવવામાં આવ્યું હતું અને પોતાને એક સાર્વભૌમ, લોકશાહી અને પ્રજાસત્તાક દેશ જાહેર કર્યો હતો. આજનો દિવસ સમગ્ર દેશવાસીઓ માટે બહુ જ ખાસ હોય છે. ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 74માં ગણતંત્ર દિવસ પર પરેડમાં સલામી લીધી. આ વખત પ્રજાસત્તાક દિવસના સમારોહના મુખ્ય અતિથિ ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતાહ અલ-સીસી હતા.
પ્રજાસત્તાક દિવસની ઉજવણી 29 જાન્યુઆરીએ ‘બીટિંગ રીટ્રીટ’ સમારોહ સાથે સમાપ્ત થાય છે. આ વખતે ગણતંત્ર દિવસની પરેડમાં 25 હજાર લોકોએ ભાગ લીધો હતો, પરંતુ કોરોના પહેલા લગભગ 1.25 લાખ લોકોને તેમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવી હતી.