મધ્યપ્રદેશના ઈન્દોરમાં ગુરુવારે (30 માર્ચ, 2023) રામ નવમીના દિવસે એક મોટો અકસ્માત થયો હતો. મંદિરમાં વાવની છત ધરાશાયી થવાને કારણે અકસ્માત સર્જાયો હતો. જેમાં 12 લોકોના મોત થયા છે. આ દરમિયાન ઘણા લોકો વાવની અંદર પડી ગયા હતા. આ ઘટના ઈન્દોરના બેલેશ્વર મહાદેવ ઝુલેઝુ લાલ મંદિરમાં બની હતી. આ વાવ 50-60 ફૂટ ઊંડી છે.
રામનવમી નિમિત્તે મંદિરમાં ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પ્રાચીન સ્ટેપવેલ (વાવ)ની છત ધરાશાયી થવાને કારણે ઓછામાં ઓછા 25 લોકો પડી ગયા હતા. એક પ્રત્યક્ષદર્શીએ આ માહિતી આપી હતી. અધિકારીઓએ જણાવ્યું કે, પટેલ નગરના મંદિરમાં થયેલા અકસ્માત બાદ રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે, ધાર્મિક કાર્યક્રમ દરમિયાન મંદિરના પ્રાચીન વાવની છત પર શ્રદ્ધાળુઓની મોટી ભીડ એકઠી થઈ હતી અને છત વધુ લોકોનો બોજ સહન કરી શકે તેવી ન હતી.
19 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા
ન્યૂઝ એજન્સી એએનઆઈના મતે 19 લોકોને વાવમાંથી બહાર સુરક્ષિત કાઢવામાં આવ્યા છે. તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આ ઘટનાની સંજ્ઞાન લેતા ઇન્દોર જિલ્લા કલેક્ટર અને કમિશનરને બચાવ કાર્ય ઝડપી કરવાનો નિર્દેશ આપ્યો છે. એએનઆઈએ મુખ્યમંત્રીના હવાલાથી કહ્યું કે આ એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે. લોકોને બચાવવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે.