Israel Hamas War : પીએમ નરેન્દ્ર મોદીએ ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે જોર્ડનના રાજા અબ્દુલ્લા દ્વિતીય સાથે ફોન પર વાતચીત કરી છે. ઇઝરાયલ-હમાસનું નામ લીધા વિના પીએમએ કહ્યું છે કે જ્યાં સુધી બંને તરફથી સહયોગ નહીં મળે ત્યાં સુધી સ્થિતિ પર કાબૂ મેળવવો મુશ્કેલ બનશે. પીએમ મોદીએ પોતાના ટ્વિટમાં લખ્યું કે મેં આજે જોર્ડનના કિંગ સાથે ફોન પર વાત કરી. પશ્ચિમ એશિયાના વિકાસ અંગે ચર્ચા થઈ હતી. આતંકવાદ, હિંસા અને લોકોના મોતની પણ વાત કરવામાં આવી હતી. સામૂહિક સહયોગ દ્વારા જ સુરક્ષા અને માનવતાવાદી સ્થિતિ સુધારી શકાય છે.
આ પહેલા પીએમ મોદીએ પેલેસ્ટાઈન અને ઈઝરાયેલના વડાપ્રધાન સાથે પણ ફોન પર વાત કરી હતી. એક તરફ ભારત ઈઝરાયેલની સાથે મક્કમતાથી ઊભું છે અને બીજી તરફ પેલેસ્ટાઈનના નાગરિકો માટે સતત રાહત સામગ્રી મોકલી રહ્યું છે. એ અલગ વાત છે કે આ વખતે દેશના કેટલાક વિપક્ષી નેતાઓ ભારત સરકારના સ્ટેન્ડથી ખુશ નથી. એનસીપીના વડા શરદ પવારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જ્યારે નેહરુ, અટલ બિહારી વાજપેયી જેવા નેતાઓએ હંમેશા પેલેસ્ટાઈનને સમર્થન આપ્યું હતું, તો પીએમ મોદી કઈ રીતે અલગ કૂટનીતિ અપનાવી શકે છે.
પેલેસ્ટાઈનના ગાઝામાં ભારતે માનવીય મદદ મોકલી છે. પેલેસ્ટાઇનના લોકો માટે આશરે 6.5 ટન તબીબી સહાય અને 32 ટન આપદા રાહત સામગ્રી લઈને આઈએએફ સી -17 ફ્લાઇટ રવિવારે ઇજિપ્તના ઇ-અરિશ એરપોર્ટ માટે રવાના થયું હતું. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ એક્સ (X) પર એક પોસ્ટમાં લખ્યું છે કે ભારતે પેલેસ્ટાઇનના લોકો માટે સહાય મોકલી છે.
આ પણ વાંચો – ઇઝરાયેલમાં હમાસના પહેલા હુમલાનો વીડિયો થયો વાયરલ, આતંકવાદીઓએ રસ્તો રોક્યો અને એક પછી એક ગોળી મારી
શું-શું મદદ મોકલવામાં આવી?
ભારત સરકારના એક અધિકારીએ જણાવ્યું હતું કે ભારત તરફથી પેલેસ્ટાઈન મોકલવામાં આવતી સામગ્રીમાં જીવનરક્ષક આવશ્યક દવાઓ, સર્જિકલ વસ્તુઓ, તંબુઓ, સ્લીપિંગ બેગ, તાડપત્રી, સેનિટરી યુટિલિટીઝ, પાણી સાફ કરવાની દવાઓ અને અન્ય આવશ્યક ચીજોનો સમાવેશ થાય છે. રફા બોર્ડર ખુલ્યા બાદ આ મદદ મોકલવાની શરૂઆત થઈ ગઈ છે. પ્રથમ ટ્રક બે દિવસ પહેલા ગાઝા આવ્યા હતા. અહીં અત્યાર સુધીમાં 20 ટ્રક આવી ચૂક્યા છે.
આ યુદ્ધની વાત કરીએ તો 7 ઓક્ટોબરે હમાસે સૌથી પહેલા ઈઝરાયેલના નાગરિકોને માર્યા હતા. ઘણા લોકોનું અપહરણ પણ કરવામાં આવ્યું હતું, સેનાના જવાનો પણ આમાં સામેલ હતા. તે હુમલા પછી ઇઝરાયેલે બદલો લેવાની શપથ લીધી અને થોડી જ વારમાં ભીષણ યુદ્ધ શરૂ થયું. અત્યારે આ યુદ્ધમાં બંને પક્ષો તરફથી ઘણું નુકસાન થયું છે, હજારો લોકો માર્યા ગયા છે અને દરેક પસાર થતા દિવસે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે.





