ભારતની અંતરિક્ષ સંસ્થા ઇસરોએ નવો ઇતિહાસ રચ્યો છે. ઇસરોએ અંતરિક્ષમાં એક સાથે 36 સેટેલાઇટ લોન્ચ કરીને સ્પેસ સેક્ટરમાં એક મોટી સફળતા હાંસલ કરી છે.
ભારતના સૌથી ભારે રોકેટ LVM3-M2/OneWeb India-1 (LVM3 M2/OneWeb India-1)નું મિશન સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. ઈસરોએ આ રોકેટ વડે 36 બ્રિટિશ સેટેલાઇટોને અવકાશમાં લોન્ચ કરીને ઈતિહાસ રચ્યો છે. આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરથી શનિવાર અને રવિવાર રાત્રે 12.07 કલાકે આ સેટેલાઇટ લોન્ચ કરવામાં આવ્યું છે.
સ્પેસ એજન્સીએ શનિવારની રાત્રે 1.42 રાત્રે ઘોષણા કરી, “LVM3 M2/OneWeb India-1 મિશન સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. તમામ 36 ઉપગ્રહોને તેમની યોગ્ય ભ્રમણકક્ષામાં મૂકવામાં આવ્યા છે. ઈસરોએ જણાવ્યું હતું કે યુકે સ્થિત ગ્રાહકના તમામ 36 બ્રોડબેન્ડ કોમ્યુનિકેશન સેટેલાઈટ્સ નિર્ધારિત ભ્રમણકક્ષામાં મૂકવામાં આવ્યા છે.
આ મિશન બહુ જ મહત્વપૂર્ણ છે કારણ કે તે LVM3નું પ્રથમ કોમર્શિયલ મિશન છે. આ સાથે ભારતે સ્પેસ સેક્ટરના હેવી લોન્ચ વ્હીકલ સેગમેન્ટમાં પણ પ્રવેશ કર્યો છે. જો કે, આ મિશન માત્ર ભારતના કોમર્શિયલ સ્પેસ સેક્ટરને કબજે કરવા વિશે ન હતું. આ પહેલી ઘટના છે જ્યારે આ સેટેલાઇટ વ્હિકલ એક સાથે ઘણા બધા સેટેલાઇટોને અવકાશમાં લઈ જાય છે અને તેમને પૃથ્વીની ભ્રમણકક્ષામાં સ્થાપિત કરે છે.
આ પહેલી ઘટના છે જ્યારે ભારતીય રોકેટ 6 ટનના પેલોડને અવકાશમાં લઇ જા છે. 36 સેટેલાઇટ પેલોડનું વજન લગભગ 5.8 ટન હતું, જે સ્પેસ એજન્સી માટે અત્યાર સુધીનું સૌથી ભારે પેલોડ છે. LVM3 રોકેટ 8 ટન સુધી પૃથ્વીની ભ્રમણકક્ષામાં લઈ જવાની ક્ષમતા ધરાવે છે. પીએસએલવી બહુ ઓછા વજનનું વ્હિકલ છે અને તે 1.4 થી 1.75 ટન પેલોડ વજન વહન કરી શકે છે.
આ મિશનના ચારેય મિશન સફળ રહ્યા છે અને LVM3 પણ એક વિશ્વસનીય સેટેલાઇટ વ્હિકલ સાબિત થયું છે. LVM3 ને હાલમાં હ્યુમન રેટેડ આપવામાં આવ્યું છે, જે ગગનયાન મિશન હેઠળ આપણા અવકાશયાત્રીઓને અવકાશમાં લઈ જશે.